________________
૨૧૦
,
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કેવા માલનો વ્યાપાર ન કરવો? નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે ન થાય? એવી શંકા હોય; અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થયેલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારીઓએ પાંતિથી લેવું. એટલે વખતે ખોટ આવે તો સર્વેને સરખે ભાગે આવે, કેમકે વ્યાપારી પુરુષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતો હોય તો, તેણે કરિયાણાં દીઠા વિના બાનું ન આપવું, અને આપવું હોય તો બીજા વ્યાપારીઓની સાથે આપવું.
ક્ષેત્રશુદ્ધિ ક્ષેત્રથી તો જ્યાં સ્વચક્ર, પરચક્ર, માંદગી અને વ્યસન આદિનો ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હોય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરવો. બીજે બહુ લાભ થતો હોય તો પણ ન કરવો.
કાલશુદ્ધિ કાળથી તો બાર માસની અંદર આવતી ત્રણ અઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વર્જવી, અને વર્ષાદિઋતુ આશ્રયી જે જે વ્યાપારનો સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જવા. કઈ ઋતુમાં કયો વ્યાપાર વર્જવો? તે આ ગ્રંથમાં જ કહીશું.
ભાવશુદ્ધિ ભાવથી તો વ્યાપારના ઘણા ભેદ છે. તે આ રીતે : ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે, એમની સાથે થોડો વ્યવહાર કર્યો હોય તો પણ પ્રાયે તેથી લાભ થતો નથી. પોતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લોકોથી ડર રાખવો પડે, તેવા શસ્ત્રધારી આદિ લોકોની સાથે થોડો વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કે-ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કોઈ કાળે પણ વ્યાપાર ન રાખવો.
ઉધાર કોને ન આપવું? પાછળથી આડું બોલનાર લોકોની સાથે ઉધારનો વ્યાપાર પણ ન કરવો, કેમકે - વસ્તુ ઉધાર ન આપતાં સંગ્રહ કરી રાખે, તો પણ અવસર આવે તેના વેચવાથી મૂળ કિંમત જેટલું નાણું તો ઉપજશે, પણ આડું બોલનારા લોકોને ઉધાર આપ્યું હોય તો તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષ કરી નટ, વિટ(વેશ્યાના દલાલ), વેશ્યા તથા ધૂતકાર (જુગારી) એમની સાથે ઉધારનો વ્યાપાર થોડો પણ ન કરવો. કારણ કે તેથી મૂળ દ્રવ્યનો પણ નાશ થાય છે.
વ્યાજ-વટાવનો વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરવી રાખીને જ કરવો ઉચિત છે. તેમ ન કરે તો, ઉઘરાણી કરતાં ઘણો ફલેશ તથા વિરોધ થાય. વખતે ધર્મની હાનિ થાય. તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે :