________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૭
"તારો પિતા સોમશેઠ પોતાની સ્ત્રી (સોમશ્રી)ને છોડાવવાને બળવંતની મદદ માટે છૂપી રીતે જતો હતો, ત્યારે રસ્તામાં સંગ્રામમાં ક્રૂર એવા સમર નામના પલ્લીપતિ (ભીલના રાજા)ને જોઈ, તેને સમર્થ જાણી, પાંચ લાખ દ્રવ્ય આપીને પ્રસન્ન કરી, ઘણા સૈન્ય સહિત તેને સાથે લઈ શ્રીમંદિરપુર ભણી પાછો આવ્યો. સમુદ્રરૂપ સૈન્ય આવેલું જોઈ તે નગરના લોકો ભયથી ત્રાસ પામી, જેમ સંસારરૂપ કેદખાનામાંથી ખેદ પામીને ભવ્ય પ્રાણી મોક્ષે જવાનો ઉદ્યમ કરે તેમ, તેમાંથી મુક્ત થવાને નિરુપદ્રવ સ્થાન તરફ નાસવા લાગ્યા. તે વખતે તારી સુમુખી મનોહર સ્ત્રી ગંગા મહા-નદીના કાંઠે આવેલા સિંહપુર નગરને વિપે પોતાની પુત્રી સહિત પોતાના પિતાને ઘેર જઈને રહી. કેમકે પતિવ્રતા સ્ત્રીઓને પોતાના ભર્તારના વિયોગ વખતે ભાઈ કે પિતા સિવાય બીજો કોઈ આશ્રય કરવા યોગ્ય નથી, માટે તે પિયરમાં પોતાના દિવસો ગુજારતી હતી.
એકદા અષાઢ માસમાં ધિક્કારવા યોગ્ય દુષ્કર્મના યોગે દુરાત્મા ઝેરી સર્પે તારી પુત્રીને ડંસ કર્યો, તેથી ચેતના રહિત બની ગયેલી તે કન્યાને તેની માતા તથા મામા વગેરેએ ઘણા પ્રકારના ઉપચારો કર્યા છતાં પણ જેમ વંધ્યા (વાંઝણી) સ્ત્રીને પુત્ર-પ્રાપ્તિ ન થાય તેમ તે ચેતના ન પામી; ત્યારે તેના મામા વગેરેએ વિચાર કર્યો કે, સર્પદંશી તો દીર્ઘ આયુષ્યવાળા હોય તો પ્રાયે જીવી શકે છે, માટે આને અકસ્માત અગ્નિ-દાહ કરવા કરતા લીંબપત્ર વચ્ચે વીંટાળીને એક સુંદર પેટીમાં મૂકી ગંગા નદીના પ્રવાહમાં તરતી મૂકવી એ શ્રેયસ્કર છે. એમ ધારી તેમણે તેમજ કર્યું, પરંતુ ચોમાસાના દિવસને લીધે અતિશય વરસાદ પડવાથી ગંગા નદીના પૂરે પવન જેમ વહાણને ખેંચી લઈ જાય તેમ કાંઠાના વૃક્ષોની સાથે તે પેટીને તાણી. તે પેટી તરતી તરતી તારે હાથ આવી. ત્યારપછીનો વૃત્તાંત તો તું જાણે છે, માટે ખરેખર એ તારી પુત્રી જ છે.” * હવે તારી માતાનું આશ્ચર્યજનક વૃત્તાંત તું સાવધાન થઈ સાંભળ :
"તે સમર નામા પલ્લીપતિના સૈન્યથી જેમ સૂર્યકાંતમણિ પાસે આવવાથી દુસહ દાવાનળ (વનનો અગ્નિ) પણ ઝાંખો પડી જાય તેમ, સૂરકાંત રાજા પણ નિસ્તેજ બની ગયો, એટલે તેની સામે યુદ્ધ કરવા સમર્થ ન થઈ શકયો. તેણે પોતાના નગરના દરવાજા બંધ કરીને પર્વત જેટલા ઊંચા ગઢ (કિલ્લા) સજ્જ કરી જળ, ઈઘણ, ધાન્ય, તૃણાદિકનો નગરમાં સંગ્રહ કરી લઈ ગઢના ઉપર એવા તો શૂરવીર સુભટો આયુધ સહિત ગોઠવી ઊભા રાખ્યા કે, કોઈપણ સાહસિક થઈ ખરેખર નગર સામે હલ્લો કરવા આવી શકે નહિ. જો કે આવી રીતનો સૂરકાંત રાજાએ પોતાના નગરનો જાપ્તો રાખ્યો છે, તો પણ તે પલ્લીપતિના સુભટો જેમ મહામુનિ મોહરાજાને ભેદવા દાવ તપાસે છે, તેમ તે નગરને ભેદવા દાવ તપાસવા લાગ્યા. યદ્યપિ તે કિલ્લા ઉપર રહેલા સુભટો ઉપરથી બાણનો વરસાદ વરસાવતા હતા, તો પણ જેમ હાથી અંકુશને ન ગણકારે તેમ, સમરનું સૈન્ય તેને (બાણના વરસાદને) તૃણ બરાબર ગણી એકદમ સામા ધસી આવી, જેમ જૂનાં માટીનાં વાસણને એક પથ્થરવડે ભાંગી નાખે, તેમ તે નગરના મોટા પણ દરવાજાના ભારે લોખંડના ઘણ વડે તત્કાળ ચૂરેચૂરા કરી નદીના પૂરની જેમ એકદમ નગરમાં પ્રવેશ કરવા લાગ્યું. તે વખતે તારો પિતા સોમ શેઠ પોતાની સ્ત્રીને