________________
૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વિવેકરૂપ સૂર્યોદય થવાથી લોભરૂપી અંધકારનો નાશ થતાં તે (મત્ર) વિચારવા લાગ્યો કે, ધિક્કાર છે, ધિક્કાર છે મને, કે જે મારા ઉપર સંપૂર્ણ ખરો વિશ્વાસ રાખનાર છે તેને વિષે આવો અત્યંત નિંદનીય અને દુષ્ટ સંકલ્પ કર્યો ! માટે મને તેમજ મારા દુષ્કૃત્યને ધિક્કાર છે. એવી રીતે કેટલીક વાર સુધી પશ્ચાત્તાપ કર્યા પછી તેણે પોતાના ઘાતકીપણાની ધારણા ફેરવી નાંખી કહ્યું છે કે – "જેમ જેમ ખરજ (વલુર-ચુંટ) ખણીએ તેમ તેમ તે વૃદ્ધિ જ પામતી જાય; તેમ જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ લોભ પણ વૃદ્ધિ જ પામતો જાય છે." ત્યારપછી બન્નેના મનમાં કેટલીક વખત ઘાતકીપણું પ્રગટ થાય ને વળી વિરામ પામી જાય. એવા વિચારમાં ને વિચારમાં કેટલાક દિવસ સુધી તેઓ કેટલીક પૃથ્વી ભમ્યા.
વળી કહ્યું છે કે, "અતિ લોભ એ જ ખરેખર આલોકમાં પણ કષ્ટકારી જ છે.” એમ અતિ લોભમાં અંધ થયેલા તે બન્ને જણા છેવટે વૈતરણી નદીના પૂરમાં તણાવા લાગ્યા. જો કે પહેલાં લોભના પૂરમાં તણાયેલા હતા અને પાછળથી વૈતરણી નદીના પૂરમાં સપડાયા. તેથી તેઓ આર્તધ્યાનને લીધે પરદેશમાં જ મૃત્યુ પામી તિર્યચપણું પામી કેટલાક ભવ સુધી ભમ્યા. પછી તમે બન્ને શ્રીદત્ત અને શંખદત્ત નામે ઉત્પન્ન થયા, એટલે મૈત્ર શંખદત્ત અને ચૈત્ર તું (શ્રીદત્ત) થયો.
પૂર્વભવના મૈત્રે તને પહેલો મારી નાંખવાનો સંકલ્પ કરેલ હોવાથી તે આ ભવમાં શંખદત્તને પ્રથમથી જ સમુદ્રમાં ફેંકી દીધો. જેણે જેવા પ્રકારનું કર્મ કર્યું હોય છે તેને તેવા જ પ્રકારનું કર્મ ભોગવવું પડે છે. એટલું જ નહીં પણ દેવા યોગ્ય દેવું હોય તે જેમ વ્યાજ સહિત આપવું પડે છે તેમ તેનાં સુખ કે દુઃખ તેથી વધારે ભોગવવાં પડે છે. તારી પૂર્વભવની ગંગા અને ગૌરી નામની બે સ્ત્રીઓ તારા મરણ પછી વિયોગને લીધે વૈરાગ્ય પામી એવી તો તાપસણીઓ થઈ કે, મહિના-મહિનાના ઉપવાસ કરીને પારણાં કરતી હતી; કેમકે, કુળવંતી સ્ત્રીઓનો તો ખરેખર એ જ આચાર છે કે, વિધવાપણું પામ્યા પછી ધર્મનો જ આશ્રય કરે, કારણ કે તેથી તેમના આ ભવ અને પરભવ એમ બન્ને ભવ સુધરે છે; અને જો તેમ ન કરે તો તેમને બન્ને ભવમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. તે બન્ને તાપસણીઓમાંથી ગૌરીને એક દિવસે મધ્યાહ્ન સમયે પાણીની આકરી તૃષા લાગવાથી તેણીએ પોતાની કામ કરનારી દાસી પાસે પાણી માંગ્યું, પરંતુ મધ્યાહન સમય હોવાથી નિદ્રાવસ્થાને લીધે મીંચાઈ ગયેલા લોચનવાળી દાસી આલસ્યમાં પડી રહી, પણ તેને ઉત્તર કે પાણી દુર્વિનયીની જેમ ન આપી શકી. તપસ્વી, વ્યાધિવંત(રોગી), સુધાવંત (ભૂખ્યા), તૃષાવંત (તરસ્યો) અને દરિદ્રી એટલાને પ્રાયે ક્રોધ અધિક હોય છે, તેથી તે દાસી પર ગૌરી એકદમ કોપાયમાન થઈ તેણીને કહેવા લાગી કે, "શું તને કાળા સર્પ કરડી છે, કે તું મડદાની જેમ પડી રહીને પાણી કે જવાબ પણ આપતી નથી?
ત્યારે તેણીએ તત્કાળ ઉઠીને મીઠાં વચન બોલી પ્રસન્નતાપૂર્વક પાણી લાવી આપીને માફી માગી. પરંતુ ગીરીએ તેને દુર્વચન કહેવાથી મહા-દુષ્ટ નિકાચિત) કર્મ બાંધ્યું; કેમકે, હાસ્યથી પણ જો કોઈને દુર્વચન કહેલું હોય તો તેથી પણ ખરેખર દુષ્ટ કર્મ ભોગવવું પડે છે, તો પછી ક્રોધાવેશમાં બોલેલું હોય તેનું તો કહેવું જ શું? વળી ગંગા તાપસણી પણ એક દિવસ પોતાનું કામ હોવા છતાં દાસી બહાર ગયેલી હોવાથી તે કામ પોતાને હાથે કરવું પડયું પછી જ્યારે દાસી આવી ત્યારે તે ક્રોધાયમાન થઈ કહેવા લાગી કે, "શું તને કોઈએ કેદખાનામાં નાંખી હતી, કે કામ વખતે પણ હાજર ન રહી શકી ?" આમ કહેવાથી