________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
નજીકમાં આવેલા વિમલાચલ નામના તીર્થ ઉપર રહેલા શ્રીૠષભદેવસ્વામીની યાત્રા ભક્તિ સહિત કરીને એ જ પર્વતની ગુફામાં સર્વકાર્યની સિદ્ધિ આપવામાં સમર્થ એવા પંચ પરમેષ્ઠી નવકાર મંત્રનું છ મહિનાપર્યંત ધ્યાન કર, કે જેથી જેમ સિંહને દેખી શિયાળ નાસે તેમ તારો શત્રુ પોતાનું કપટ ખુલ્લું થઈ જવાથી પોતાની મેળે જ નાસી જશે.
૬૧
ગુફામાં રહીને ધ્યાન ધરતાં જ્યારે વિસ્તાર પામતું મોટું તેજ પ્રગટ થાય ત્યારે તારું કાર્ય સિદ્ધ થયું (શત્રુ નાસી ગયો) એમ જાણજે. દુર્જય એવા પણ શત્રુને જીતવાનો ખરો ઉપાય એ જ છે.” અપુત્રિયો પુત્રની પ્રાપ્તિ સાંભળી પ્રસન્ન થાય તેમ શકરાજ કેવળી મહારાજનાં વચનો સાંભળી પ્રસન્ન થયો, ત્યારપછી તેમને વિનયપૂર્વક વંદન કરીને વિમાનમાં બેસી તે વિમલાચલ તીર્થે ગયો. ત્યાં પ્રથમ તીર્થનાથ શ્રી ઋષભદેવસ્વામીની ઘણી ભક્તિ સહિત યાત્રા કરીને સર્વ પાપનો ઉચ્છેદક નવકાર મંત્ર યોગિની જેમ નિશ્ચલ વૃત્તિથી તેમના બતાવ્યા પ્રમાણે એવો જપવા લાગ્યો કે, અનુક્રમે છ માસે અકસ્માત્ જાણે પોતાનું જ તેજ ન હોય એમ વિસ્તાર પામતું તેજ પ્રગટ થવા લાગ્યું, એવા અવસરે ચંદ્રશેખરની ગોત્રદેવી તેની પાસે આવી કહેવા લાગી કે, "હે ચંદ્રશેખર ! હવે ઘણું થયું, તું તારા સ્થાનકે ચાલ્યો જા, કેમકે મારા પ્રભાવથી શુક૨ાજના જેવું જે તારું રૂપ બનેલું હતું, તે રૂપ રાખી શકું એવી હવે મારામાં શક્તિ રહી નથી. હું પોતે પણ નિઃશક્તા બની જવાથી મારે સ્થાને જઉં છું અને તું પણ ઘણું થયું, માટે ઉતાવળો તારા સ્થાનકે ચાલ્યો જા. હવે તત્કાળ જ તારું મૂળ રૂપ બની જશે.”
એમ કહીને જેટલામાં દેવી જાય છે એટલામાં તો તરત જ તેનું રૂપ બદલાઈ ગયું. આવાં વચન સાંભળનાર ચંદ્રશેખર લક્ષ્મીથી ભ્રષ્ટ થયેલાની જેમ હર્ષ રહિત ચિંતામાં પડેલા ચોરની માફક જેવામાં ત્યાંથી ભાગ્યો એવામાં તો તત્કાળ ત્યાં શુકરાજ આવી પહોંચ્યો. પહેલાંના શુકરાજના જ જેવું આ ખરા શુકરાજનું રૂપ દેખીને દીવાન વગેરે સર્વે તેને બહુમાન આપીને તેના વધારે સ્વરૂપથી વાકેફ ન હોવા છતાં પણ હર્ષથી વિચારવા લાગ્યા કે, ખરેખર કોઈક કપટી જ આ શુકરાજનું રૂપ ધારણ કરી આવેલો હતો તે હમણાં જ જતો રહ્યો.
શુકરાજને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું એટલે તે નિશ્ચિંત થઈને પહેલાની જેમ પોતાની પ્રજાને પાળવા લાગ્યો. પછી પ્રગટપણે પોતે (શત્રુંજય-સેવનનું) ફળ જોયેલ હોવાથી રાજ્ય કરતાં તે ઈન્દ્ર જેવો સંપત્તિવાન બનીને દૈવિક કાંતિવાળા નવા બનાવેલા વીણાવાદાદિકના આડંબર સહિત સર્વ સામંત, પ્રધાન, વિદ્યાધરો વગેરેના મોટા પરિવાર મંડળને સાથે લઈ મહોત્સવપૂર્વક વિમલાચલ તીર્થ ઉપર યાત્રા કરવાને આવ્યો. તેની સાથે સદાચાર સેવવાથી જાણે કોઈએ મારો દુરાચાર તો જાણ્યો જ નથી એમ ધારતો શંકા રહિત ચંદ્રશેખર પણ વિમલાચલની યાત્રા કરવા આવ્યો હતો. શુકરાજ સિદ્ધાચલે આવી તીર્થનાયક (શ્રી ઋષભદેવસ્વામી)ને નમી, સ્તવી, પૂજીને મોટા મહોત્સવ કરી સર્વ સમક્ષ એમ બોલવા લાગ્યો કે, "આ તીર્થ ઉપર પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરવાથી મને શત્રુનો જય થયો (હું શત્રુથી મુક્ત-ભય રહિત થયો) માટે આ તીર્થનું "શત્રુંજય" એવું નામ અર્થ સહિત જ છે. એ નામથી આ તીર્થ મહા-મહિમાવંત થશે.” ત્યારપછી એ તીર્થ એ (શત્રુંજય) નામથી પૃથ્વીમાં ઘણું જ પ્રસિદ્ધ થયું છે.