________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૩
ત્યારપછી નિર્મળ જળથી ધોયેલા અને ધૂપથી ધુપેલા કળશમાં સ્નાત્ર કરવા યોગ્ય સુગંધી જળ ભરી તે કળશોને શ્રેણીબંધ પ્રભુની સન્મુખ શુદ્ધ નિર્મળ વસ્ત્ર ઢાંકીને પાટલા ઉપર સ્થાપન કરવા, ત્યારપછી પોતાનું ચંદન હાથમાં લઈને તિલક કરી, હાથ ધોઈ પોતાના ચંદનથી હાથ લેપીને હાથે કંકણ બાંધી, હાથ ધૂપીને શ્રેણીબદ્ધ સ્નાત્ર કરનાર શ્રાવક કુસુમાંજલિ (કેસરથી વાસિત છૂટા ફૂલ) ભરેલી રકેબી હાથમાં લઈ કુસુમાંજલિનો પાઠ ઉચ્ચાર કરે.
સેવંત્રા, મચકુંદ, માલતી વિગેરે પંચવર્ણા ઘણા પ્રકારનાં ફૂલની કુસુમાંજલિ સ્નાત્રના અવસરે દેવાધિદેવને હર્ષિત થયેલા દેવતા સમર્પણ કરે છે” એમ કહીને પરમેશ્વરને મસ્તકે ફૂલ ચઢાવવાં.
"સુગંધના લોભથી ખેંચાઈ આવેલા ભમરાઓના ઝંકારશબ્દથી ગાયન થતી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ તમારા પાપને દૂર કરો.” એમ દરેક ગાથા ભણીને પ્રભુના ચરણકમળ શ્રાવક કુસુમાંજલિ પ્રક્ષેપ કરે, એવી રીતે કુસુમાંજલિએ તિલક, ધૂપ, પાન વગેરેનો આડંબર કરવો. ત્યારપછી મધુર અને ઉચ્ચ સ્વરે જે જિનેશ્વર પધરાવ્યા હોય તેમના નામનો જન્માભિષેકના કળશનો પાઠ બોલવો,
ત્યારપછી ઘી, શેલડીનો રસ, દૂધ, દહીં, સુગંધી જળ, એ પંચામૃતથી અભિષેક કરવો. સ્નાત્ર કરતાં વચમાં ધૂપ દેવો અને સ્નાત્ર કરતાં ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવું, પણ ઉઘાડું રાખવું નહીં.
જે માટે વાદીવૈતાળ શ્રી શાંતિસૂરિએ કહેલ છે કે સ્નાત્રજળની ધારા જ્યાં સુધી પડે ત્યાં સુધી મસ્તક શૂન્ય ન રખાય માટે મસ્તક ઉપર પુષ્પ ઢાંકી રાખવું. સ્નાત્ર કરતાં (પખાલ કરતાં) ચામર વીંઝવા, ગીત-વાજિંત્રનો આડંબર સર્વ શકિતથી કરવો. સ્નાત્ર કીધા પછી જો ફરીને સ્નાત્ર ન કરવું હોય તો શુદ્ધ જળથી ધારા દેવી અને આ પાઠ બોલવો.
"ધ્યાનરૂપ મંડળના અગ્ર ભાગની ધારા હોય જ નહિ શું? એવી ભગવંતના અભિષેકના જળની ધારા છે તે સંસારરૂપ ઘરની ભીંતોના ભાગનો ફરીને પણ ભેદ કરો.” એમ કહીને ધારા દેવી. ત્યારપછી અંગલુછણાં કરી વિલેપન, આભષણ વગેરેથી આંગીની રચના કરી પહેલાં પૂજા કરી હતી તેથી પણ અધિક કરવી. સર્વ પ્રકારનાં ધાન્ય, પક્વાન્ન, શાક, વિગય, ઘી, ગોળ, સાકર, ફળાદિક બલિ ચઢાવવું. જ્ઞાનાદિક રત્નત્રયીની આરાધના નિમિત્તે અક્ષતની ત્રણ ઢગલી કરવી. સ્નાત્ર કરવામાં લઘુ-વૃદ્ધનો વ્યવહાર ઉલ્લંઘન કરવો નહીં.
વૃદ્ધ પુરુષ પ્રથમ સ્નાત્ર કરે, ત્યારપછી બીજા સર્વ કરે અને સ્ત્રીઓ શ્રાવકની પછી કરે. કેમકે, જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે પણ પ્રથમ અચ્યતેન્દ્ર ત્યારપછી યથાક્રમથી છેલ્લો સૌધર્મેન્દ્ર અભિષેક કરે છે. સ્નાત્ર થયા પછી અભિષેક જળ શેષની જેમ મસ્તકે લગાડે તો તેમાં કાંઈપણ દોષ લાગવાનો સંભવ થતો નથી. જે માટે શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી વીરચરિત્રમાં કહેવું છે કે – દેવ, મનુષ્ય, અસુર અને નાગકુમાર દેવતાઓ પણ અભિષેક જળને વંદના કરીને વારંવાર પોતાને સર્વે અંગે હર્ષ સહિત સ્પર્શ કરાવતા હતા.