________________
૧૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પ્રાયે અજ્ઞાનપણાથી અશ્રદ્ધાનપણાથી કર્મના ભારેપણાથી ભવાભિનંદી જીવોને હોય છે. શુદ્ધ અને અશુદ્ધ એ બંનેથી રહિત એવી ક્રિયા ખરેખર આરાધના-વિરાધના એ બંનેથી શૂન્ય છે પણ ધર્મનો અભ્યાસ કરવાના ગુણથી કોઈક વખત શુભ નિમિત્તપણે થાય છે જેમ-કોઈ શ્રાવકનો પુત્ર ઘણી વાર જિનબિંબના દર્શન કરવાના ગુણથી જો કે તે ભવમાં કોઈ સુકૃત્ય કર્યા નહોતાં તો પણ મરણ પામીને મલ્યના ભવમાં સમકિત પામ્યો.
ઉપર બતાવેલી રીત પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાનપૂર્વક જો દેવપૂજા થાય તો યથોક્ત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરવો. આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા બતાવે છે.
વિધિ અને બહુમાન ઉપર ધર્મદત્ત નૃપની કથા રૂપાના જિનમંદિરથી શોભતા એવા રાજપુરનગરમાં ચંદ્રમાની જેમ શીતકર અને કુવલયવિકાસી એવો રાજધર નામે રાજા હતો. જેમની પાસે દેવાંગનાઓએ પોતાની રૂપસંપદા જાણે થાપણ મૂકી હોય નહિ! એવી રીતે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસો રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણી વર્જીને બાકી સર્વે રાણીઓ જગતને આનંદકારી પુત્રના લાભથી ચિત્તમાં સંતોષ પામી. પુત્ર ન હોવાથી વંધ્યા જેવી પ્રીતિમતી રાણી મનમાં ઘણો જ ખેદ પામી.
પંક્તિભેદ સહન કરવો કઠણ છે, તેમાંય પ્રમુખ માણસને જો પંક્તિભેદ થાય તો તેના વડે તે સહન કરાવો એ ખૂબ જ કઠણ છે. અથવા જે વસ્તુ દેવાધીન છે, તે વસ્તુની બાબતમાં મુખ્ય-અમુખનો વિચાર કરવાથી શું લાભ થવાનો? એમ છતાં મનમાં તે વાતથી દુઃખ પામનારા મૂઢ હૃદયવાળા લોકોની મૂઢતાને ધિક્કાર થાઓ.
દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નિવડી, ત્યારે તો પ્રીતિમતીનું દુઃખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાયો નિષ્ફળ જાય, ત્યારે આશા સફળ ન થાય.
એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની જેમ રમતું હતું, તે તેણે હાથ ઉપર લીધું. તો પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે- "હે ભદ્રહું અહીં યથેચ્છ છૂટથી રમતો હતો. તેમને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે? યથેચ્છ વિહાર કરનાર જીવોને બંધનમાં રહેવું નિરંતર મરણ સમાન છે. તે પોતે વંધ્યાપણું ભોગવવા છતાં પાછું એવું અશુભ કર્મ કેમ કરે છે? શુભકર્મથી ધર્મ થાય છે અને ધર્મથી પોતાનું વાંછિત સફળ થાય છે.”
પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, "હે ચતુર શિરોમણે ! તું મને એમ કહે છે? તને હું થોડીવારમાં મૂકી દઉં પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણાં શુભ કર્મ હું હંમેશાં કરું છું, તો પણ શાપ પામેલી સ્ત્રીની જેમ મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતો? પુત્ર વિના હું દુઃખી છું, તે તું શી રીતે જાણે છે? અને મનુષ્યની વાણી શી રીતે બોલે છે?
૧. કમળને ખીલવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર.