________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
હજા૨ કાંકણી જેટલા દેવદ્રવ્યનો ઉપભોગ કર્યો હતો, તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બોકડો, ઘેટો, હરણ, સસલો, સાબર, શિયાળિયો, બિલાડી, ઉંદર, નોળિયો, કોલ, ગિરોલી, સર્પ, વીંછી, વિષ્ટાના કૃમિ, પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડા, પતંગ, માખી, ભમરો, મચ્છર, કાચબો, ગર્દભ, પાડો, બળદ, ઉંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે, જીવયોનિમાં પ્રત્યેક જીવયોનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહાવ્યથા સહન કરીને તે મરણ પામ્યો. પછી ઘણું ખરૂં પાપ ક્ષીણ થયું ત્યારે વસંતપુરનગરમાં ક્રોડપતિ વસુદત્ત શ્રેષ્ઠીથી તેની સ્ત્રી વસુમતિને કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં છતાં જ વસુદત્તશ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તે જ દિવસે વસુદત્તશ્રેષ્ઠી મરણ પામ્યો અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઈ. તેથી લોકોએ તેનું 'નિપુણ્યક' એવું નામ પાડયુ. કોઈ રાંકની પેઠે જેમતેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યો.
૧૭૦
એક દિવસ તેનો મામો તેને સ્નેહથી પોતાને ઘેર લઈ ગયો. દૈવયોગે તે જ રાત્રીએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટયું. એમ જેને જેને ધેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચોર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કોઈ ઠેકાણે ધરધણી જ મરણ પામ્યો. 'આ પારેવાનું બચ્ચું છે ? કે બળતી ગાડરી છે ? અથવા મૂર્તિમાન ઉત્પાત છે ? એવી રીતે લોકો તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉદ્વેગ પામી તે નિપુણ્યક નામે સાગરશ્રેષ્ઠીનો જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિનગરીએ ગયો. ત્યાં વિનયધ૨ શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. તે જ દિવસે વિનયધ૨ શ્રેષ્ઠીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયા શ્વાનની જેમ તેને કાઢી મૂકયો. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો.
કહ્યું છે કે-સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભોગવવાનો અવસર આવે ત્યારે પરવશ થઈ ને ભોગવે છે, જેમ માણસ પોતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાનો સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક 'યોગ્ય સ્થાનનો લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરકત આવે છે.’ એમ વિચારી સમુદ્રતીરે ગયો.
ત્યાં ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબૂલ કરી તે દિવસે વહાણ ઉપર ચઢયો. શ્રેષ્ઠીની સાથે ક્ષેમ-કુશળથી પરદ્વીપે ગયો અને મનમાં વિચાર કરવા લાવ્યો કે, મ્હારૂં ભાગ્ય ઉઘડયું. કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ ભાંગ્યું નહીં, અથવા મ્હારું દુર્દેવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. ૨ખેને પાછા વળતાં તેને તે યાદ આવે !” નિપુણ્યકના મનમાં આવેલી કલ્પના ખરી ક૨વાને અર્થે જ કે શું ? તેનાં દુદૈવે લાકડીનો પ્રહાર કરીને જેમ ઘડાના સેંકડો કકડા કરે, તેમ પાછા વળતાં તે વહાણના કકડા કર્યા. દૈવયોગથી નિપુણ્યકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યો
અને ત્યાંના ઠાકોરના આશ્રય નીચે રહ્યો.
એક દિવસે ચોરોએ ઠાકોરના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરનો પુત્ર જાણી પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તે જ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીનો મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનસીબ જાણીને કાઢી મૂકયો.