________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૭૭
મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દષ્ટાંત ઈન્દ્રપુરનગરમાં દેવસેન નામે એક વ્યહવારી હતો અને ધનસેન નામે એક ઊંટસ્વાર તેનો સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારી-ફૂટીને પાછી લઈ જાય, તો પણ તે સ્નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે. એમ થવા લાગ્યું. ત્યારે દેવસેને તેને વેચાતી લઈને પોતાના ઘરમાં રાખી અને પરસ્પર બંને પ્રીતિવાળાં થયાં. કોઈ સમયે જ્ઞાની મુનિરાજને ઊંટડીના સ્નેહનું કરણ પૂછતાં તેમણે કહ્યું કે, "એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઊંટડી થઈ . કહ્યું છે કે – જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દીવો તથા ધૂપ કરીને તેથી જ પોતાના ઘરના કામ મોહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારો બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધથી આવેલો છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દાંત છે.
દેરાસરની સામગ્રીનો ઉપયોગ માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પોતાને અર્થે બીજો દીવો પણ સળગાવવો નહીં. ભગવાનના ચંદનથી પોતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ ધોવાય નહીં, દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પોતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુને અથવા સંઘને કામે લગાડાય નહીં. અહીં કેટલાકનો મત એવો છે કે કાંઈ તેવું જરૂરનું કામ હોય તો દેવના ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મ્હોટો નકરો આપવો. કહ્યું છે કે –
જે મૂઢ પુરુષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિંમત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકરો આપીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત્ ભાંગી-તૂટી જાય તો પોતાના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂં કરેલો દીવો દર્શન કરવાને અર્થે જ જો જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલો હોય, તો તે તેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂક્યો હોય તે, દેવદીપ થાય, મુખ્યમાર્ગથી તો દેવદીપને અર્થે કોડીયાં, બત્તી અથવા, ઘી, તેલ પોતાને કામે ન વાપરવાં. કોઈ માણસે પૂજા કરનાર લોકોને હાથ-પગ ધોવાને માટે મંદિરે જુદું જળ રાખ્યું હોય, તો તે જળથી હાથ-પગ ધોવાને કાંઈ હરકત નથી.
છાબડિઓ અંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદિ વસ્તુ પોતાની નિશ્રાએ રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પોતાના ઘરમાં કાંઈ પ્રયોજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય તો તે સર્વ ધર્મકૃત્યોમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલો તંબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તો પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય