________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પુત્રપરિવારથી પરિવર્યો હતો. એક વખતે તેને મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે 'મેં સંપત્તિ અને ગૃહકાર્ય બધાં કર્યાં છે. હવે મારે મારા આત્મકલ્યાણ માટે મુંડ થઈને તપ કરવું જોઈએ.' સવારે તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી. આતાપના લેવા માંડી તેણે ચાર ખાનાનું ભિક્ષાપાત્ર રાખ્યું. તેમાં પહેલા ખાનામાં પડેલું મુસાફરને આપે છે, બીજામાં પડેલું કૂતરા કાગડાને આપે છે, ત્રીજામાં પડેલું માછલાં કાચબાને આપે છે અને ચોથામાં પડેલું પોતે આરોગે છે. આ પછી વિવિધ તપશ્ચર્યા કરી. સાઠ દિવસના ઉપવાસને અંતે મૃત્યુ પામી ચમરચંચામાં પૂરણ ચમરેન્દ્રપણે ઉત્પન્ન થાય છે. આ ચરમેન્દ્રે પોતાની ઉપર સૌધર્મેન્દ્રને પોતાનાથી અધિક ઋદ્ધિ વૈભવવાળો દેખી તેને પાડવા સૌધર્મદેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં આવ્યો અને બુમ પાડવા લાગ્યો કે 'સૌધર્મેન્દ્ર કયાં છે ?’ તેજ વખતે સૌધર્મેન્દ્રે વજ્ર મૂકયું. વજ્ર દેખતાં ચમરેન્દ્ર કંપ્યો અને જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં આગળ 'હે ભગવંત તમે મારૂં શરણ' એમ બોલતો તેમના બે પગની અંદર ભરાઈ ગયો. ઈન્દ્રે તુર્ત ઉપયોગ મુકી વજ્રને પાછું ખેંચી લીધું અને ચમરેન્દ્રને કહ્યું કે 'આ ભગવંતના શરણથી તું બચી ગયો છે અને હવે તારે મારો ભય રાખવાની જરૂર નથી.' પછી બન્ને ઈન્દ્રો ભગવાનને વાંદી સ્વસ્થાને ગયા.
અંગાર મર્દક
અંગારમર્દક : ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે વિજયસેન સૂરિના શિષ્યે રાત્રે સ્વપ્નમાં પાંચસો હાથીથી યુક્ત એક સુકર જોયો. તેણે સવારે તે સ્વપ્ન ગુરૂને કહ્યું. ગુરૂએ કહ્યું કે ' કોઈ અભવ્ય ગુરૂ પાંચસો સારા શિષ્યો સહિત આવશે.’ તે પછી રૂદ્રાચાર્ય પાંચસો શિષ્યો સહિત આવ્યા. વિજયસેનસૂરિએ તેમની વૈયાવચ્ચ ભક્તિ કરી. આ આચાર્ય અભવ્ય છે તેની ખાત્રી માટે તેમણે માર્ગમાં કોલસા પથરાવ્યા. રાત્રે લઘુનીતિએ જતાં પગથી ચમચમ શબ્દ થતાં રૂદ્રાચાર્યના શિષ્યો કોલસાને નહિ જાણવાથી અને જીવ છે તેવી બુદ્ધિથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. થોડા વખત પછી રુદ્રાચાર્ય પોતે લઘુનીતિ માટે ઉઠયા. તેમણે પણ ચમચમ શબ્દ સાંભળ્યો તેમને દયા ન આવી અને બોલી ઉઠયા કે 'અહો ! આ અરિહંતના જીવો પોકાર કરે છે.’ આ શબ્દ વિજયસેનસૂરિએ અને તેમના શિષ્યોએ સાંભળ્યો. સવારે તેમણે તેમના શિષ્યોને રૂદ્રાચાર્ય અભવ્ય છે એ ખાત્રી કરાવી તેમનાથી નિર્યુક્ત કર્યા. જે માટે કહેવાય છે કે –
૧૯૨
જ્ઞાન રહિત પુરુષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરુષનું જ્ઞાન તથા મનમાં શ્રદ્ધા નથી એવા પુરુષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન, એ સર્વ નિષ્ફલ છે. અહીં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણ આંધળાનું, માર્ગના જાણ છતાં ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનું માર્ગનું જ્ઞાન અને ચાલવાની શક્તિ ધરાવવા છતાં પણ ખોટે માર્ગે ચાલવા ઈચ્છા રાખનાર પુરુષનું એમ ત્રણ દૃષ્ટાંત એક પછી એક જાણવા; કારણકે, દૃષ્ટાંતમાં કહેલ ત્રણે પુરુષો અંતરાય રહિત કોઈ ઠેકાણે જઈ શકતા નથી.
ઉપર બતાવેલા કારણ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણનો સંયોગ થવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે; માટે એ ત્રણની આરાધના કરવા ઉદ્યમ કરવો એ રહસ્ય છે.