________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ચોંટેલ મંકોડો સેવકોથી ઉખેડતાં તેની વ્યાકુળતા દેખી પોતાની તેટલી ચામડી કાપી દૂર મૂકી. પોતાની સ્ત્રીઓ ગુજરી ગયા પછી રાજ્યગાદી ઉપર હોવા છતાં ફરી સ્ત્રી પરણ્યા નથી. સાત વ્યવસનો હિંસાના કારણરૂપ હોવાથી પોતાના દેશમાંથી તેનો નિષેધ કરાવ્યો ઈત્યાદિ સર્વ કુમારપાળ પ્રબંધથી જાણવું. હવે થાવચ્ચામપુત્રની કથા સંક્ષેપથી કહે છે.
૧૮૯
થાવચ્ચાપુત્રની કથા
દ્વારિકાનગરીમાં કોઈ સાર્થવાહની થાવચ્ચા નામે સ્ત્રી ઘણી ધનવતી હતી. થાવચ્ચાપુત્ર એ નામે ઓળખાતો તેનો પુત્ર બત્રીશ કન્યા પરણ્યો હતો. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબોધ પામ્યો.
થાવચ્ચા માતાએ ઘણો વાર્યો, તો પણ તેણે દીક્ષા લેવાનો વિચાર માંડી વાળ્યો નહિ. ત્યારે તે થાવચ્ચા માતા પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ. કૃષ્ણ પણ થાવચ્ચાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, "તું દીક્ષા લઈશ નહીં પરંતુ તું વિષયસુખ ભોગવ.” થાવચ્ચાપુત્રે કહ્યું કે, "ભય પામેલા માણસને વિષયસુખ ગમતા નથી.” કૃષ્ણે પૂછ્યું, "મારા છતાં તને ભય શાનો?” થાવચ્ચાપુત્રે કહ્યું, "મૃત્યુનો.”
પછી કૃષ્ણે પોતે તેનો દીક્ષા ઉત્સવ કર્યો. થાવચ્ચાપુત્રે એક હજાર શ્રેષ્ઠી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂર્વી થયા અને સેલક રાજાને તથા તેના પાંચસે મંત્રીઓને શ્રાવક કરી સૌગંધિકા નગરીમાં આવ્યા.
તે સમયે વ્યાસનો પુત્ર શુક નામે એક પરિવ્રાજક ત્યાં પોતાના એક હજાર શિષ્ય સહિત હતો. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાષ્ઠી, અંકુશ, પવિત્રક અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેનાં વસ્ત્ર ગેરુથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારો હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ (પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય, તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતો હતો.
તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પોતાનો શૌચમૂળ ધર્મ લેવરાવ્યો હતો. થાવચ્ચાપુત્ર આચાર્યે તેને જ ફરી પ્રતિબોધ કરી વિનયવાળા જિનધર્મને અંગીકાર કરાવ્યો. પછી સુદર્શન શેઠના દેખતાં શુકપરિવ્રાજકને તથા થાવચ્ચાપુત્ર આચાર્યને એકબીજાને નીચે લખ્યા પ્રમાણ પ્રશ્નોત્તર થયા.
શુકપરિવ્રાજક :- "હે ભગવન્ ! + સરિસવય ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે ?” થાવચ્ચાપુત્ર કહે, "હે શુકપરિવ્રાજક ! સરિસવય (સરખી ઉંમરના) અને બીજા ધાન્ય સરિસવય(શર્ષપ, શર્શવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે.
+ ‘સરિસવય’ આ માગધી શબ્દ છે. ‘સદ્રશવય’ અને ‘સર્વપ‘ એ બે સંસ્કૃત શબ્દનું માગધીમાં ‘સરસવય’ એવું રૂપ થાય છે. સદ્રશવયા એટલે સરખી ઉંમરનો અને સર્પપ એટલે સરસવ.