________________
૧પર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તે પુત્રનો જન્મોત્સવ વગેરે કાર્યો તે સમયે કર્યા અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભટણા માફક મૂક્યો, ત્યારે ઘણી સંતુષ્ટ થયેલી પ્રીતિમતી રાણીએ પોતાની સખીને કહ્યું કે,
"હે સખી ! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવો ઘણો જ ઉપકાર મારા ઉપર કર્યો, તે હંસના વચન પ્રમાણે કરવાથી નિર્ધન પુરુષ જેમ દૈવયોગથી પોતાનાથી મેળવી ન શકાય એવો નિધિ પામે, તેમ મહારાથી મેળવી ન શકાય એવું જિનધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. ' પ્રીતિમતી આમ બોલે છે, એટલામાં માંદા માણસની જેમ તે બાળક એકાએક આવેલી મૂર્છાથી તત્કાળ બેભાન થઈ ગયું. અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂચ્છ ખાઈ બેભાન થઈ જમીન પર ઢળી પડી.
તુરત પરિવારના તથા આસપાસના લોકોએ દૃષ્ટિદોષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે.” એમ કલ્પના કરી ઘણા ખેદથી ઉંચે સ્વરે પોકાર કર્યો કે, "હાય હાય! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું? " ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન વગેરે લોકોએ ત્યાં આવી અને માતા-પુત્રને શીતળ ઉપચાર કર્યા, તેથી થોડીવારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. પૂર્વકર્મનો યોગ ઘણો આશ્ચર્યકારી છે, તે જ સમયે, સર્વત્ર આ વાતની વધામણી ગઈ, રાજપુત્રને ઉત્સવ સહિત લઈ ગયા.
તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દૂધ પીધું નહીં અને ચઉવિહાર, પચ્ચકખાણ કરનારની જેમ ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતા-પિતા, મંત્રી અને નગરના લોકો ઘણા દુઃખી થયા, શું કરવું? તે કોઈને સૂઝ પડતી નથી, ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેચાયેલ જ હોય નહીં ! એવા એક મુનિરાજ મધ્યાહુન સમયે આકાશમાંથી ઉતર્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લોકોએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછયું.
ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, "હે રાજન્ ! આ બાળકને રોગાદિકની અથવા બીજી કોઈ પણ પીડા નથી. એને તમે જિનપ્રતિમાનાં દર્શન કરાવો. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે." મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઈ જઈ દર્શન-નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યો. અને તેથી સર્વ લોકો આશ્ચર્ય અને સંતોષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછયું કે "આ શું ચમત્કાર !” મુનિરાજે કહ્યું, કે હે રાજન્ ! તને આ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ.
ધર્મદત્તનો પૂર્વભવ જેમાં નિંઘ પુરુષ થોડા અને ઉત્તમ પુરુષ ઘણા છે એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રૂરદષ્ટિ રાખનારો કૃપ નામે રાજા હતો. બુદ્ધિથી બૃહસ્પતિની બરાબરી કરી શકે એવો તે રાજાનો ચિત્રમતિ નામે મંત્રી હતો; અને દ્રવ્યથી કુબેરની બરાબરી કરનારો વસુમિત્ર નામે