________________
૧૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેને મારી નાખવાની આજ્ઞા આપી, ત્યારે તે ગામના સર્વ ચીતારા ભેગા થઈ રાજા પાસે આવી કહેવા લાગ્યા કે, સ્વામી! એને યક્ષે વરદાન આપ્યું છે, તેથી જેનું એક અંશ અંગ તેણે દીઠું હોય તેનું આખું અંગ ચીતરી આપે છે. પછી રાજાએ તેની પરીક્ષા કરવા સારૂં એક કુબડી દાસીનો પડદામાંથી પગનો અંગુઠો દેખાડી તેનું ચિત્ર કરી લાવવા કહ્યું, તેણે તે ચીતરી આપ્યું, તો પણ રાજાએ તેનો જમણો હાથ કાપી નાખવાની આજ્ઞા આપી, જેથી જમણા હાથ રહિત થયો. પછી તેણે તે જ યક્ષની પાસે જઈ ડાબા હાથથી ચીતરવાની કળા માંગી. યક્ષે તેને તે પણ આપી.
ત્યારપછી તેણે પોતાના હાથ કાપવાનું વેર વાળવા માટે ડાબા હાથથી મૃગાવતી રાણીની છબી ચીતરીને ચંડપ્રદ્યોત રાજાને દેખાડી. તે જોઈ તેને વશ થઈને તેણે કૌશાંબીના શતાનીક રાજાને દૂત મોકલી કહેવરાવ્યું કે –
તારી મૃગાવતી રાણી મને આપ, નહીં તો જબરજસ્તીથી લઈશ. તેણે તે ન માન્યું. છેવટે ચંડપ્રદ્યોત રાજા લશ્કર લઈ આવી કૌશાંબી નગરીને વીંટીને પડયો, પછી શતાનીક રાજા મરણ પામ્યો, ત્યારે ચંડપ્રદ્યોતે મૃગાવતી રાણીને કહેવરાવ્યું કે, હવે તું મારી સાથે પ્રીતિ કર, તેણીએ કહેવરાવ્યું કે, હું તારે વશ છું. પણ તારા સૈનિકોએ મારી નગરીનો કિલ્લો તોડી નાંખ્યો છે, તે ઉજ્જયિની નગરીથી ઈટો મંગાવીને પાછો તૈયાર કરી આપે અને મારી નગરીમાં અન્ન-પાણીની સગવડ કરી આપે તો હું તારી પાસે આવું. ત્યારે તેણે બહાર રહી તેમ કરી આપ્યું.
એવામાં ભગવાન શ્રી મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા. તે જાણી મૃગાવતી રાણી, ચંડપ્રદ્યતન રાજા વગેરે વાંદવા આવ્યા. આ વખતે એક ભલે આવી ભગવંતને પૂછયું કે, “યા સા' ભગવંતે ઉત્તર વાળ્યો કે, “સા સા’ ત્યારપછી આશ્ચર્ય પામી તેણે સંબંધ પૂછયો. ભગવંતે યથાવસ્થિત સંબંધ કહ્યો. તે સાંભળી વૈરાગ્ય પામી મૃગાવતી, અંગારવતી, તથા ચંડપ્રદ્યોતનની આઠ રાણીઓએ ભગવંત પાસે દીક્ષા લીધી.
અવિધિએ કરવા કરતાં ન કરવું સારું એ વિધાન અંગે. જ્યારે અવિધિથી કરવાથી આવો અનર્થ થાય છે. ત્યારે તો તેના કરતાં ન કરવું એ જ સારું છે એમ ધારવું નહીં. કેમકે શાસ્ત્રમાં કહેલું છે કે -
અવિધિથી કરવું તેના કરતાં ન કરવું એ સારું છે, એમ જે બોલે છે, તેણે જૈન શાસ્ત્રનો અભિપ્રાય જાણ્યો નથી, તેથી જ એમ બોલે છે. કેમકે પ્રાયશ્ચિત્તવિધાનમાં તો એમ છે કે, જેણે બિલકુલ નથી કીધું, તેને ભારે પ્રાયશ્ચિત્ત આવે છે અને જેણે કીધું, પણ અવિધિથી કીધું છે, તો તેને હલકું પ્રાયશ્ચિત્ત આવે છે, માટે સર્વથા ન કરવું. તેના કરતાં અવિધિથી પણ કરવું સારું છે. માટે ધર્માનુષ્ઠાન દરરોજ કરતાં જ રહેવું અને કરતાં કરતાં જેમ બને તેમ વિધિયુક્ત થાય તેવો ઉદ્યમ કરવો એ શ્રેયસ્કર છે, એ જ શ્રદ્ધાવંત શ્રાવકનું લક્ષણ છે, જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે – | "શ્રદ્ધાવંત શ્રાવક યથાશક્તિ વિધિ-માર્ગને સેવવાના ઉદ્યમથી અનુષ્ઠાન કરતો રહે, નહિ તો કોઈક દ્રવ્યાદિક દોષથી હણાયો થકો ધર્મક્રિયામાં શત્રુભાવ પામે છે.”