________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૧
"પૂર્વદિશા સન્મુખ સ્નાન કરવું, પશ્ચિમદિશા સન્મુખ દાતણ કરવું, ઉત્તરદિશા સન્મુખ શ્વેત વસ્ત્ર પહેરવાં, પૂર્વ કે ઉત્તર દિશા સન્મ ઉભા રહી ભગવંતની પૂજા કરવી. ઘરમાં પેસતાં ડાબે ભાગે શલ્ય રહિત પોતાના ઘરના ઓટલાથી દોઢ હાથ ઊંચી જમીન ઉપર ઘર-દેરાસર કરવું. પોતાના ઘરથી નીચી જમીન ઉપર ઘરદેરાસર કે દેરાસર કરે તો દિન-પ્રતિદિન તેના વંશની અને સંતતિ-પૂત્રપૌત્રાદિકની પરંપરા પણ સદાય નીચી પદ્ધતિને પામે છે, પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરે. દક્ષિણદિશા વર્જન કરવી અને વિદિશા તો સર્વથા વર્જન જ કરવી યોગ્ય છે.
જો પશ્ચિમ દિશા સન્મુખ ઉભા રહી ભગવંતની મૂર્તિની પૂજા કરે તો ચોથી સંતતિથી (ચોથી પેઢીથી) વંશનો ઉચ્છેદ થાય અને દક્ષિણદિશા સન્મુખ ઊભા રહી પૂજા કરે તો તેને સંતતિ જ ન થાય નિર્વશ થાય.) અગ્નિકોણમાં ઉભા રહી પૂજા કરે તો દિનદિન ધનની હાનિ થાય, વાયવ્યકોણમાં ઊભા રહી પૂજા કરે તો તેને પુત્ર જ ન હોય (થાય), નૈઋત્યકોણમાં ઉભા રહી પૂજા કરવાથી કુળનો ક્ષય થાય અને ઈશાનકોણમાં ઉભા રહી પૂજા કરે તો તે એક સ્થાનકે સુખે કરીને બેસી શકે નહીં.
બે પગના અંગુઠે, બે ઢીંચણે, બે હાથે, બે ખભે, એક મસ્તકે, એમ નવે અંગે પૂજા કરવી. ચંદન વિના કોઈપણ વખતે પૂજા કરવી નહીં. કપાળે, કંઠે, હૃદયકમળ, ઉદરે એ ચાર સ્થાનકે તિલક કરવાં. નવસ્થાનકે (૧. બે અંગુઠા, ૨. બે ઢીંચણ, ૩. બે હાથ, ૪, બે ખભે, ૫. મસ્તકે, ૬. કપાળે, ૭. કંઠે, ૮. હૃદયકમળ, ૯. ઉદરે) તિલક કરીને દરરોજ પૂજા કરવી. વિચક્ષણ પુરુષે પ્રભાતે વાસપૂજા, મધ્યાહ્નકાળે ફુલપૂજા અને સંધ્યાકાળે ધૂપ-દીપપૂજા કરવી. ભગવંતની ડાબી તરફ ધૂપ કરવો અને જલપાત્ર સન્મુખ મૂકવું તથા જમણી તરફ દીવો મૂકવો. અને ચૈત્યવંદન કે ધ્યાન પણ ભગવંતની જમણી તરફ બેસીને કરવાં.
"હાથથી લેતાં અથડાઈને પડી ગયેલું, જમીન ઉપર પડેલું, પગ વગેરે કોઈપણ અશુચિ અંગે લાગી ગયેલું, માથા ઉપર ઉપાડેલું, મલિન વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે રાખેલું, દુષ્ટ લોક કે હિંસા કરનાર કોઈપણ જીવે સ્પર્શેલું, ઘણા ઠેકાણે હણાયેલું (ચુંથાયેલું), કીડા વગેરેએ કરડેલું, એવું ફૂલ, ફળ કે પત્ર ભક્તિવંત પ્રાણીએ ભગવંતને ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ કરવાં નહીં; કળીને પણ છેદવી નહિ, ચંપાના કે કમળના ફૂલના બે ભાગ કરે તો તેથી પણ મોટો દોષ લાગે છે. ગંધ, ધૂપ, અક્ષત, ફૂલ, માળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળથી ભગવંતની પૂજા કરવી.
"શાંતિક કાર્યમાં શ્વેત, લાભકારી કાર્યમાં પીળાં, શત્રુના જયમાં શ્યામ, મંગળ કાર્યમાં રક્ત અને કાર્યસિદ્ધિ માટે પાંચ વર્ણના ફૂલો વાપરવાં; પંચામૃતનો અભિષેક કરવો, ઘી તથા ગોળનો દીવો કરવો, અગ્નિમાં લૂણ નિક્ષેપ કરવું એ પૌષ્ટિક કાર્યમાં ઉત્તમ જાણવાં. સાંધેલાં, છેદેલાં, રાતા રંગવાળાં, દેખીતાં, ભયંકર વસ્ત્ર પહેરવાથી દાન, પૂજા, તપ, હોમ, સામાયિક પ્રતિક્રમણ વગેરે સાંધ્ય કૃત્ય નિષ્ફળ થાય છે. પદ્માસને સુખે બેસી શકાય એવા સુખાસને બેસી નાસિકાના અગ્રભાગે નયન સ્થાપી વસ્ત્રથી (મુખકોશથી) મુખ ઢાંકીને મૌનપણે ભગવંતની પૂજા કરવી.