________________
૧૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તો નીચે લખેલી ગાથા પ્રમાણે અભિપ્રાય છે.
"સરસ સુગંધીવંત ચંદનાદિકે કરી દેવાધિદેવને પ્રથમ જમણા ઢીંચણે પૂજા કરવી. ત્યારપછી જમણે ખભે ત્યારપછી ભાલસ્થળે, પછી ડાબે ખભે, પછી ડાબે ઢીંચણે, એ પાંચે અંગે તથા હૃદયે તિલક કરે તો છ અંગે એમ સળંગે પૂજા કરીને તાજાં વિકસ્વર પુષ્પથી સુવાસિત પ્રભુની પૂજા કરે."
પહેલાંની કરેલી પૂજા કે આંગી ઉતારી પૂજા થાય કે નહીં? જો કોઈકે પહેલાં પૂજા કરેલી હોય કે આંગીની રચના કરેલી હોય અને તેની પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પોતાની પાસે ન હોય તો તે આંગીના દર્શનનો લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યમાં અંતરાય થવાના કારણે તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શોભા બની શકે એમ હોય તો પૂર્વપૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વપૂજા વિચ્છિન્ન કરે નહીં. જે માટે બૃહદભાષ્યમાં કહેલું છે કે - | "હવે કોઈ ભવ્યજીવે ઘણો દ્રવ્ય-વ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હોય તો તે જ પૂજાને વિશેષ શોભા થાય તેમ જો હોય તો તેમ કરે.” અહીંયાં કોઈ એમ શંકા કરે કે પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો પૂર્વની આંગી નિર્માલ્ય થઈ. તેનો ઉત્તર આપતાં બતાવે છે કે – | "નિર્માલ્યના લક્ષણનો અહીંયાં અભાવ હોવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો તે પૂર્વની આંગી નિર્માલ્ય ન ગણાય. નિર્માલ્ય કોને કહેવાય? તે બતાવે છે-જે દ્રવ્ય પૂજા કીધા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થને જાણનારા ગીતાર્થો કહે છે.”
"જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્ર, આભૂષણાદિક-કુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી આરોપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિક પણ એક વાર ચડાવેલ હોય તે ઉપર ફરીથી બીજા ચડાવવાં હોય તો પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વના ચડાવેલાં પુષ્પાદિક નિર્માલ્ય ગણાતાં નથી. જો એમ ન હોય તો એક જ રેશમી વસ્ત્રથી એકસો આઠ જિનેશ્વર ભગવંતની પ્રતિમાને અંગલુંછન કરનારા વિજયાદિક દેવતા જંબૂદ્વીપપન્નત્તિમાં કેમ વર્ણન કરેલા હોય?
નિર્માલ્યનું લક્ષણ જે કોઈ વસ્તુ એક વાર ચડાવેલી શોભા રહિત થઈ જાય, અથવા ગંધરહિત અને કાન્તિ રહિત થયેલી હોય, દેખનારા ભવ્ય જીવોને આનંદદાયક ન થઈ શકતી હોય તેને નિર્માલ્ય ગણવી એમ બહુશ્રુત પૂર્વાચાર્યોએ સંઘાચારની વૃત્તિમાં કહેલું છે. વળી શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કરેલા વિચારસારપ્રકરણમાં તો એમ કહે છે કે :
"દેવદ્રવ્યના બે ભેદ હોય છે. ૧. પૂજા માટે કલ્પેલું, ૨. નિર્માલ્ય થયેલું. ૧. જિનપૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ, દ્રવ્યપૂજા માટે તૈયાર કરેલું કલ્પેલું કહેવાય