________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૩
પૂજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરુષોની આશાતના કાંઈ જ્ઞાનીએ દીઠી નથી.
જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિકથી કરવી ઉચિત સમજાતી નથી અને સોના-રૂપાદિક-ધાતુની કે રત્ન-પાષાણની પ્રતિમાની પૂજા જળ, ચંદન, પુષ્પાદિકથી કરવી સમુચિત સમજાય છે, તેવા જ પ્રકારે મૂળનાયકની પ્રતિમાની પૂજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે.
જેમ ધર્મવંત પ્રાણીની પૂજા કરતાં બીજાં લોકોનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનું જે દિવસે કલ્યાણક હોય તે દિવસે ભગવંતની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવંતની પ્રતિમાઓનું અપમાન થતું નથી; કેમકે બીજાની આશાતના કરવાનો પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ કરતાં બીજા લોકોનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી.
ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભ ભાવના નિમિત્ત માટે જ કરે. જિનભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અબોધ જીવને બોધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણી દેરાસરની સુંદર રચના દેખી બોધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી બોધ પામે છે. કેટલાક પૂજા-આંગીનો મહિમા દેખીને અને સ્તવનાદિક સ્તવવાથી અને કેટલાક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબોધ પામે છે.
"સર્વ પ્રતિમાઓ એકસરખી પ્રશાંતમુદ્રાવાળી હોતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તો વિશેષ કરી પ્રશાંતમુદ્રાવાળી જ હોય છે, તેથી ઝટ બોધ પામી શકાય છે, માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એ જ યોગ્ય છે.” એટલા જ માટે ચૈત્ય (દેરાસર) કે ઘરદેરાસરની પ્રતિમા દેશકાળની અપેક્ષાએ જેમ બને તેમ યથાશક્તિએ અતિશય વિશિષ્ટ સુંદરાકારવાળી જ ભરાવવી. ઘર દેરાસરમાંહે તો પિત્તળ, તાંબા, રૂપા, વિગેરેનાં જિનઘર (સિંહાસન) હમણાં પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તો હાથીદાંતનાં કે આરસનાં ઘણાં જ શોભાયમાન લાગે એવી કોરણી ચિત્રામણવાળાં કરાવવાં. તેમ ન બને તો પણ પિત્તળની જાળી પટ્ટીવાળી, હીંગળોક પ્રમુખ વિચિત્ર રંગ-ચિત્રામણથી અત્યંત શોભાયમાન, અત્યુત્તમ કાષ્ઠનાં પણ કરાવવાં. તેમજ દેરાસર તથા ઘરદેરાસરે વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુનો ધોળાવવો, રંગરોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેનાં વિચિત્ર ચિત્રામણ કરાવવાં. પૂજાનાં ઉપકરણો ઘણી ઘણી જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુંઠીયા વગેરે એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શોભાની અધિકતા થાય. ઘરદેરાસર ઉપર પોતાનાં પહેરવાનાં ધોતીયાં કે વાપરવાનાં વસ્ત્ર વગેરે મૂકવાં નહીં. મોટા દેરાસરની જેમ ઘર દેરાસરની પણ ચોરાશી આશાતના ટાળવી જોઈએ.
પ્રતિમાજીની સાચવણી પિત્તળ, પાષાણની પ્રતિમાઓના અભિષેક કીધા પછી એક બંગલુંછણેથી લુહ્યા પછી (નિર્જળ કીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગલુછણાથી સર્વ પ્રતિમાને લુંછવાં, એમ કરતાં સર્વ