________________
૯૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
- સચિત્ત વસ્તુઓમાં પણ નાગરવેલનાં પાન દુસ્યાજ્ય છે; બીજાં બધાં સચિત્તને અચિત્ત કર્યા હોય તો પણ તેનો સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીનો સ્વાદ પણ સુકાયા પછીએ પામી શકીએ છીએ, પરંતુ નાગરવેલનાં પાન તો નિરંતર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ-ફૂલ, કંથુવાદિકની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહીં. કદાપિ કોઈને વાપરવાની જરૂર હોય તો તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવાં નહીં. વળી પાન તો કામદેવને ઉત્પન્ન થવા માટે એક અંગરૂપ હોવાથી અને તેઓનાં પ્રત્યેક પત્રમાં અસંખ્ય જીવની વિરાધના હોવાથી બ્રહ્મચારીઓને તો ખરેખર ત્યજવા યોગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલું છે કે :
"જે એમ કહેવું છે કે, પર્યાપ્તાની નિશ્રાયે (સાથે જ) અપર્યાપ્તા ઉપજે છે, તે પણ જ્યાં એક પર્યાપ્તો ઉપજે ત્યાં અસંખ્યાતા અપર્યાપ્ત થાય છે." જ્યારે બાદર એકેન્દ્રિયમાં એમ કહેલું છે. તેમજ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપર્યાપ્યો હોય ત્યાં તે નિશ્રામાં સંખ્યાતપર્યાપ્ત હોય છે, એમ આચારાંગસૂત્રની વૃત્તિમાં કહેલું છે. એમ એક પત્રાદિકથી અસંખ્ય જીવની વિરાધના થાય છે; એટલું જ નહીં પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ-ફૂલનો સંભવ હોવાથી અનંત જીવનો વિઘાત પણ થઈ શકે છે. કેમકે, જળ લવણાદિક અસંખ્ય જીવાત્મક જ છે; તેમાં જો સેવાળ પ્રમુખ હોય તો અનંત જીવાત્મક પણ સમજવાં. જે માટે સિદ્ધાંતોમાં કહેલું છે કે :
એક પાણીના બિંદુમાં તીર્થકરે જેટલા જીવ કહ્યા છે તે જીવો જો સરસવ પ્રમાણ શરીર ધારણ કરે તો આખા જંબૂદ્વીપમાં સમાઈ શકે નહીં.
લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હોય છે તે કદાપિ પારેવા જેવડાં શરીર કરે તો આખા જંબૂદ્વીપમાં સમાઈ શકે નહીં. * પૃથ્વીકાય અને અપકાયમાં એવા સૂક્ષ્મ જીવ રહેલા છે માટે પાન ખાવાથી અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે માટે વિવેકી પુરુષે પાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સર્વ સચિત્તનો ત્યાગ કરવા ઉપર અંબડ પરિવ્રાજક (તાપસ)ના સાતસો.
શિષ્યોનું દષ્ટાંત. અંબડ નામના પરિવ્રાજકને સાતસો શિષ્યો હતા. તેમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરતાં એવો નિયમ લીધો હતો કે-અચિત્ત અને કોઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં, પણ સચિત્ત અને કોઈએ આપ્યું ન હોય એવું અન્ન-જળ લેવું નહીં. તેઓ એક વખત ગંગાનદીના કિનારે થઈ ઉનાળાના દિવસમાં ચાલતા કોઈક ગામ જતા હતા, તે વખતે બધાઓની પાસે પાણી ખૂટી ગયું, તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા. પણ નદી કિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં. છતાં કોઈના આપ્યા સિવાય તેમણે ઉપર જણાવ્યા પ્રમાણે વાપરવાનો નિયમ હતો તેથી તે કેમ વાપરી શકાય? અર્થાતુ ન વાપરતાં તે તમામ સાતસો પરિવ્રાજકોએ ત્યાં જ અણસણ કર્યા. એ પ્રમાણે અદત્ત કે સચિત્ત કોઈએ વાપર્યું નહીં. છેવટે ત્યાં જ તે બધા કાળ કરી બ્રહ્મદેવલોક (પાંચમે દેવલોકે) ઈન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તનો ત્યાગ કરે છે તે મહાત્મા મહા-સુખને પામે છે.