________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આવા અવસરે ચંદ્રશેખર પણ શીતળ પરિણામથી તીર્થનાયકને દેખીને અત્યંત ઉલ્લાસાયમાન (રોમાંચિત) થવાથી પોતે કરેલાં કપટ અને પાપને નિંદવા લાગ્યો. ત્યારે તેને મહોદયપદધારી મૃગધ્વજ કેવળી મહારાજ મળ્યા. ત્યારે તેમને મોક્ષાર્થી તે પૂછવા લાગ્યો કે, "સ્વામિન્ ! કોઈપણ પ્રકારે કર્મથી મારો છૂટકારો થશે કે કેમ?"
ત્યારે કેવળી મહારાજે જણાવ્યું કે, "આ તીર્થ ઉપર મન, વચન, કાયાની શુદ્ધિથી આલોયણ લઈ, પશ્ચાત્તાપ કરી ઘણાં આકરાં તપ કરીશ તો તારાં પાપ પણ તીર્થમહિમાથી જતાં રહેશે. કહ્યું છે કે :
जन्मकोटिकृतमेकहेलया, कर्म तीव्रतपसा विलीयते ।
किं न दाह्यमतिबह्वपि क्षणादुच्छिखेन शिखिनाऽत्र दह्यते ||१|| "તીવ્ર આકરાં) તપ કરવાથી કરોડો ભવમાં કરેલાં કર્મ (પાપ) લીલામાત્રમાં જતાં રહે છે. ઊંચી અગ્નિની શિખામાં શું મોટાં કાષ્ઠ (લાકડાં) બળ્યા વિના રહે છે?" (અર્થાત્ નથી રહેતાં, એટલે બળી જાય છે તેમ જ તપથી પાપ નાશ પામે છે.)
આવાં વચન સાંભળીને તે જ મૃગધ્વજ કેવળીની પાસે પોતાનાં સર્વ પાપની આલોયણ લઈ, માસખમણ વગેરે ઘણાં આકરાં તપ તપીને તે જ તીર્થે ચંદ્રશેખર મોક્ષપદ પામ્યો
નિષ્કટક રાજ્યસુખ ભોગવતો શકરાજ રાજા પરમાત્ પુરુષોમાં એક દષ્ટાંતરૂપ જ થયો. વળી તેણે બાહ્ય (રાજાઓ) અત્યંતર (ક્રોધાદિક) બે પ્રકારના શત્રુઓને જીત્યા; રથયાત્રા, તીર્થયાત્રા, સંઘયાત્રા, એમ ત્રણ પ્રકારની યાત્રા ઘણી વાર કરી; સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એમ ચાર પ્રકારના શ્રી સંઘની સમયે ભક્તિ કરી. એમ અનેક પ્રકારે વારંવાર તેણે ધર્મસેવન કર્યું. પદ્માવતી પટરાણી, વાયુવેગા લઘુપટરાણી, એમ જ બીજી પણ ઘણી વિદ્યાધરની પુત્રીઓ તેને રાણીઓપણે થઈ. (અર્થાત્ તે ઘણી સ્ત્રીઓનો સ્વામી થયો.) પદ્માવતી પટરાણીની કુખે પદ્માકર નામનો લક્ષ્મીના સ્થાન સમાન અને વાયુવેગાની કુખે વાયુસાર નામે પુત્ર જન્મ્યો. તે બન્ને જણા કૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રધુમ્નકુમારની જેમ પોતાના ગુણે કરીને પોતાના પિતા (શુકરાજ)ના જેવા જ થયા. તેથી શુકરાજે પદ્માકરને રાજ્ય અને વાયુસારને યુવરાજપદ ખુશીથી સોંપ્યા. પછી બન્ને રાણીઓ સહિત દીક્ષા લઈને તે ભાવશત્રનો જય અને ચિત્તને સ્થિર કરવા માટે શત્રુંજય તીર્થે આવ્યા. પણ આશ્ચર્ય છે કે, તે મહાત્મા (શુકરાજ) જેમ જેમ પર્વત પર પગથિયાં ચઢવા લાગ્યા, તેમ તેમ શુક્લધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યા. ત્યાર પછી ઘણા કાળ સુધી પૃથ્વી પર વિચરતા અનેક પ્રાણીઓના અજ્ઞાન અને મોહરૂપ અંધકાર દૂર કરીને અનુક્રમે બન્ને સાધ્વીઓ સહિત શુકરાજ કેવળી મોક્ષસંપદા પામ્યા.
ભદ્રક પ્રકૃતિ, ન્યાયમાર્ગરતિ, વિશેષનિપુણમતિ, દઢનિજવચનસ્થિતિ, એ ચારે ગુણ પ્રથમથી જ પામ્યાને લીધે સમ્યક્ત્વારોહણ કરીને શુકરાજે તેનો નિર્વાહ કર્યો, જેનાથી તે પરંપરાએ શિવવધૂ વર્યા.
આ આશ્ચર્યકારક શુકરાજનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ! પૂર્વોક્ત ચાર ગુણ પાળવાને ઉદ્યમવંત થાઓ.
ઈતિ ભદ્રત્વાદિગુણેષુ શુકરાજ કથા સમાપ્તા.