________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કપાસિયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય.
આટો (લોટ) મિશ્ર થવાની રીત "નહિં ચાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસર અને પોષમાં ત્રણ દિવસ સુધી, મહા અને ફાગણમાં પાંચ પહોર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પહર સુધી, જેઠને અષાઢમાં રણ પ્રહર સુધી મિશ્ર રહે, ત્યારપછી અચિત્ત ગણાય છે અને ચાળેલો આટો તો બે ઘડી વાર પછી અચિત્ત થઈ જાય છે.”
શંકા-અચિત્ત થયેલ આટો અચિત્ત ભોજન કરનારને કેટલાક દિવસ સુધી કહ્યું? • (ઉત્તર આપતાં ગુરુ શ્રાવક આશ્રયી કહે છે કે, એમાં દિવસનો કાંઈ નિયમ નથી, પણ સિદ્ધાંતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. "દ્રવ્યથી નવા-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણકાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિકની અવધિ, જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, આદિમાં ફેરફાર થાય નહીં અને ઈયળ વિગેરે જીવો પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જો વર્ણાદિનો ફેરફાર થાય તો ન કહ્યું અને અવધિ પૂરી થયા છતાં વર્ણાદિ ન ફર્યા હોય તો પણ કલ્પે નહીં.
સાધુને આશ્રીને સાથવાની (શેકેલા ધાન્યના લોટની) યતના કલ્પવૃત્તિના ચોથા ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ, નગર ઈત્યાદિકમાં સાથવામાં જીવોત્પત્તિ થતી હોય ત્યાં તે લેવો નહીં. લીધા વિના નિર્વાહ ન થતો હોય તો તે દિવસનો કરેલો લેવો. તેમ છતાં પણ નિર્વાહ ન થાય તો બે-ત્રણ દિવસનો કરેલો ને ચાર-પાંચ દિવસનો કરેલો હોય તો તે સર્વ ભેગો લેવો.
તે લેવાનો વિધિ આ પ્રમાણે છે-ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર માત્ર કંબલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવો પછી ઉચા મુખે પાત્ર બંધન કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ જ્યાં વળગ્યું હોય તે ઉપાડીને ઠીકરામાં મૂકવું એમ નવ વાર પ્રતિલેખન કરતાં જો જીવ ન દેખાય તો તે સાથવો વાપરવો અને જો જીવ દેખાય તો ફરી નવ વાર પ્રતિલેખન કરવું. તો પણ જીવ દેખાય તો ફરી નવ વખત પ્રતિલેખન કરવું. એ રીતે શુદ્ધ થાય તો વાપરવો અને ન થાય તો પરઠવવો. તેમ છતાં નિર્વાહન થતો હોય તો, જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવો. કાઢી નાંખેલી ઈયળ વિગેરે જીવ ઘરટ વિગેરેની પાસે ફોતરાનો મોટો ઢગલો હોય ત્યાં મૂકવા, તેવો ઢગલો ન હોય તો, ઠીકરામાં થોડો સાથવો નાખી બાધા ન થાય તેમ મૂકવા.
પકવાન આશ્રયી કાળ નિયમ - "સર્વ જાતિના પકવાન વર્ષાઋતુ (ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીતઋતુ (શિયાળા)માં એક મહિનો અને ઉષ્ણકાળ (ઉનાળા)માં વીસ દિવસ સુધી કલ્પે એવો વ્યવહાર છે.” આ ગાથા કયા ગ્રંથની છે એવો નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે - જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી કલ્પનીય છે. બાકી દિવસનો કાંઈ પણ નિયમ નથી.