________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૯
આ વિદ્યાધરનાં આવાં વચન સાંભળીને સર્વ વૃત્તાંતની માહિતગારી મળવાથી પ્રસન્ન થયેલો શુકરાતે કન્યાને ત્યાં જ શોધવા લાગ્યો, એટલામાં તો જાણે કોઈ દેવાંગના જ ન હોય ! એવી તે કન્યા તે મંદિરમાંથી તેને મળી. ત્યારપછી તે કન્યાને તેની ધાવમાતાનો મેળાપ કરાવી આપ્યો. અને તે વિદ્યાધરને પણ નાના પ્રકારના ઔષધાદિક ઉપચાર કરી સાજો કર્યો. વિદ્યારે પોતાને જીવિતદાન મળ્યું તેથી પ્રીતિપૂર્વક ઉપકાર માની કહ્યું કે, હું જીવીશ ત્યાં સુધી તમારો ચાકર થઈને રહીશ. ખરેખર પુણ્યનો મહિમા કેવો આશ્ચર્યજનક છે ! પછી શુકરાજે પૂછયું કે, તારી પાસે આકાશગામિની વિદ્યા વિદ્યમાન (હયાત) છે કે નહીં ? ત્યારે તેણે કહ્યું કે, વિદ્યા તો અક્ષર માત્ર છે, પરંતુ ચાલતી નથી, પણ જે પુરુષે એ વિદ્યા સિદ્ધ કરેલી હોય, તે પુરુષ જો મારે માથે હાથ મૂકી ફરીથી શરૂ કરાવે તો ચાલે, નહિ તો હવે એ મારી વિદ્યા ચાલનારી નથી. ત્યારે સમયસૂચક શુકરાજે કહ્યું કે, એવો હમણાં અહિંયાં બીજો કોણ છે? માટે એ તારી વિદ્યા પ્રથમ મને શિખવ, પછી તારા બતાવ્યા પ્રમાણે તે વિદ્યા સિદ્ધ કરી જેમ કોઈનું કંઈ ઉછીનું લીધું હોય તે પાછું અપાય તેમ તને હું જ પાછી આપીશ; એટલે તને તે જ વિદ્યા ફળીભૂત થશે. પછી પ્રસન્ન થઈને તે વિદ્યા તેણે શુકરાજકુમારને શિખવી. તેણે તે વિદ્યાને વિમલાચલના અને પોતાના પુણ્યબળથી તત્કાળ સિદ્ધ કરીને પાછી તે વિદ્યાધરને શિખવી, જેથી તેને તે પાઠ સિદ્ધવિદ્યાની જેમ તત્કાળ સિદ્ધ થઈ ગઈ. પછી તે બન્ને જણ ખેચરને ભૂચર સિદ્ધ વિદ્યાવાળા બન્યા. બીજી પણ કેટલીક વિદ્યાઓ વિદ્યાધરે શુકરાજકુમારને શિખવી. અગણિત પુણ્યનો જેને સંયોગ થયો તેને શું દુર્લભ છે?
ત્યારબાદ શુકરાજકુમાર ગાંગીલઋષિની રજા લઈનવા રચેલા વિમાનમાં તે બંને સ્ત્રીઓ (રાજકન્યા પદ્માવતી તથા તેની ધાવમાતા)ને બેસાડી વિદ્યાધરને સાથે લઈ ચંપાનગરીમાં આવ્યા, અને કન્યાને કોઈ હરણ કરી લઈ ગયું છે એમ સાંભળવાથી ઉત્પન્ન થયેલા ચિંતાતુર અંધકારમાં રાહુની જેમ વ્યાપ્ત થયેલા રાજાની પાસે જઈ બુધ ને ચંદ્ર સમાન તે બંને જણે ચિંતા દૂર કરી. તે અરિમર્દન રાજાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યા પછી તેણે જાણ્યું કે, શુકરાજ મારા મિત્રરાજનો પુત્ર છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું છે કે, મિત્રપુત્ર (શનિને સંસ્કૃતમાં મિત્રપુત્ર કહે છે)ના ઉપર રાજા (ચંદ્રનું સંસ્કૃત નામ)ને દ્વેષ હોય છે પણ આ શુકરાજ મિત્રપુત્ર હોવા છતાં અને હું રાજા હોવા છતાં તેના ઉપર મને અત્યંત પ્રેમ ઉત્પન્ન થયો, તે મહાવિચક્ષણ, શૂરવીર અને મહોપકારી શુકરાજને અત્યંત હર્ષ અને ઉલ્લાસ સહિત પોતાની પદ્માવતી પુત્રી પરણાવી દીધી. કેમકે એમ કરવાથી જ પરમાનંદ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. લગ્ન વખતે શુકરાજને ઘણું દ્રવ્ય આપી રાજાએ પ્રીતિમાં વધારો કર્યો. રાજાની પ્રાર્થનાથી ઈન્દ્ર સમાન શુકરાજે કેટલાક દિવસ લીલા સહિત પદ્માવતી સાથે સંસારસુખ ભોગવતાં ત્યાં જ નિર્ગમન કર્યા. લૂણ વિના સ્વાદિષ્ટ ભોજન જેમ બે-સ્વાદ લાગે છે, તેમ પુણ્યની કરણી વિના આ લોક સંબંધી કેવળ સાંસારિક કરણીઓ સલ્ફળને આપનારી થતી નથી; માટે સાંસારિક કરણીઓ કરતાં પણ વિવેકી પુરુષે વચ્ચે વચ્ચે ધર્મ-કર્તવ્ય કરતાં જ રહેવું એ શ્રેયસ્કર છે.
આવો મનમાં વિચાર કરીને શુકરાજ થોડાક દિવસ પછી રાજાની રજા લઈ અને પોતાની સ્ત્રીને પૂછીને વિદ્યાધરની સાથે જિનપ્રતિમાને વંદન કરવા વૈતાઢય પર્વત ઉપર ગયો. ત્યાંની અલૌકિક રચનાઓ