________________
૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જોતાં તેઓ ખુશીની સાથે ગગનવલ્લભનગરે જઈ પહોંચ્યા. ત્યાં વાયુવેગ વિદ્યાધરે પોતાના માતા-પિતાને શુકરાજે કરેલો ઉપકાર કહ્યો, તેથી તેમણે હર્ષ પામીને તેણે પોતાની વાયુવેગા નામની કન્યા પરણાવી, જો કે શુકરાજને તીર્થયાત્રા કરવા જવાની ઘણી ઉતાવળ હતી, તો પણ લગ્ન કર્યા પછી અંતરંગ પ્રીતિપૂર્વક ઘણા આગ્રહથી તેને કેટલાક દિવસ સુધી તેમણે પોતાને ઘેર રાખ્યો. કહ્યું છે કે - ભાગ્યહીન પુરુષો જ્યાં જાય ત્યાં પગલે પગલે તિરસ્કાર પામે છે, તેમ ભાગ્યશાળીને પગલે પગલે સત્કાર સમાન) મળે છે.
એક દિવસ અક્રાઈમાં યાત્રા કરવાનો નિશ્ચય કરીને દેવતાની જેમ શોભતા એવા સાળા-બનેવી વિમાનમાં બેસી તીર્થવંદન કરવા નીકળ્યા. રસ્તામાં હે શુકરાજ ! હે શુકરાજ !' એવો કોઈ સ્ત્રીનો શબ્દ સાંભળીને તે બંને વિસ્મય પામ્યા અને તેની પાસે જઈ પૂછયું કે, "તું કોણ છે?" ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, "હું ચક્રને ધારણ કરનારી ચક્રેશ્વરી દેવી છું. ગુરુની શિક્ષાથી જેમ શિષ્ય પ્રવર્તે તેમ ગોમુખ નામના યક્ષના કહેવાથી કાશ્મીરદેશમાં રહેલા શત્રુંજય તીર્થની રક્ષા કરવા માટે હું જતી હતી, તેવામાં વચ્ચે માર્ગમાં આવેલા ક્ષિતિપ્રતિષ્ઠિતપુરનગરે આવી પહોંચી ત્યારે ઉચ્ચસ્વરે રૂદન કરતી એક સ્ત્રીને જોઈ, તેથી તેના દુઃખે દુઃખી થયેલી હું આકાશથી નીચે ઉતરી તેની પાસે ગઈ, કેમકે દુઃખીયાના દુઃખમાં જે કોઈ ભાગ ન લે, તે શું જીવતો છે?
પોતાના મહેલની પાસે આવેલાં બાગમાં સાક્ષાત્ લક્ષ્મીના જેવી પણ શોકથી આકુળવ્યાકુળ બની ગયેલી તે સ્ત્રીને મેં પૂછયું કે હે કમલાક્ષિ ! તને શું દુઃખ છે? ત્યારે તેણીએ કહ્યું કે, "ગાંગીલ નામના ઋષિ મારા શુકરાજ નામના પુત્રને શત્રુંજય તીર્થની રક્ષા કરવા માટે ઘણા દિવસથી લઈ ગયા છે, પરંતુ તેના કુશળ સમાચાર હજુ સુધી મને કાંઈ મળ્યા નથી, એટલા માટે તેના વિયોગને લીધે હું રૂદન કરૂં છું.” ત્યારે મેં કહ્યું કે, "હે ભદ્રે ! તું રૂદન કરીશ નહીં. હું ત્યાં જ જાઉં છું. ત્યાંથી પાછા વળતાં તારા પુત્રના કુશળ સમાચાર તને હું કહેતી જઈશ." એમ તેને આશ્વાસન આપીને ત્યાંથી હું કાશ્મીરના શત્રુંજય તીર્થે ગઈ, પરંતુ તને નહીં દેખવાથી અવધિજ્ઞાનથી તારો વૃત્તાંત જાણીને અત્રે કહેવા આવી છું, માટે હે વિચક્ષણ ! તારા વિયોગથી પીડાતી તારી માતાને અમૃતના વર્ષાદની જેમ પોતાના દર્શનરૂપ અમૃતરસથી શાંત કર, જેમ સેવકો સ્વામીના વિચારને અનુસરીને જ વર્તે, તેમ સુ-પુત્ર, સુ-શિષ્ય અને સારી વહુઓ પણ તેમજ વર્તે છે. માતાપિતાને પુત્રો સુખને માટે જ હોય છે, પણ જ્યારે તેમના તરફથી દુઃખ ઉત્પન્ન થાય, તો પછી પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયા જેવું ગણાય. પિતાના કરતાં માતા વિશેષ કરીને પૂજવા યોગ્ય છે. જ્ઞાનીઓ પણ કહે છે કે - પિતાના કરતાં માતા સહસ્ત્રગણી વિશિષ્ટ માનવા યોગ્ય છે. કહ્યું છે કેरुढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं, पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्ठामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्यः, त्रातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता ||१|| | "નવ માસ પર્યત ગર્ભમાં ધારણ કર્યો; પ્રસવસમયે અતિશય આકરી શૂળ વિગેરેની દુસ્સહ વેદના સહન કરી, રોગાદિકના વખતે નાના પ્રકારનાં પથ્ય સેવન કર્યા, નવરાવવામાં, ધવરાવવામાં અને રડતાં છાનાં રાખવામાં ઘણો પ્રયાસ કર્યો, તથા મળમૂત્રાદિ ધોવા વગેરે ઘણાં કષ્ટો સહન કરી જેણે પોતાનો બાળક અહર્નિશ પાળ્યો, એવી માતાની જ ખરેખર સ્તવના કરો."