________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
પ૩
તેથી તેણે પાછા આવીને પ્રધાનને કહ્યું કે - ત્યાંથી તે વસ્તુ કોઈક લઈ ગયેલ હોવાથી મને મળી નહીં.' ત્યારે પ્રધાને ક્રોધ કરી કહ્યું કે - "તું જ ચોર છે, તે જ લીધી છે.”
એમ કહી તેને પોતાના સુભટો પાસે ખૂબ માર મરાવ્યો, જેથી તે કેટલાક વખત સુધી અચેતન થઈ ગયો. હા! હા ! જુઓ તો ખરા, લોભની મૂર્છા કેવી છે! તે મૂવંતને ત્યાં જ પડતો મૂકી સર્વ લોક પ્રધાનની સાથે ભદિલપુર તરફ ચાલ્યા ગયા. જ્યારે તેને શીતલ પવનથી કેટલીકવારે ચેતના આવી ત્યારે સ્વાર્થ-તત્પર સર્વ સાર્થને ગયેલો જોઈને વિચાર કરવા લાગ્યો કે - ધિક્કાર છે એવા પ્રભુતા (મોટાઈ)ના ગર્વમાં ગર્વિત પ્રધાનને ! કહ્યું છે કે -
चोरा चिल्लकाइ गंधिअ, भट्टा य विज्ज पाहुणया।
वेसा धूआ नरिंदा, परस्स पीडं न याति ||१|| "ચોર, બાળક, ગાંધી, માંગણ, વૈદ્ય, પરોણા, વેશ્યા, દીકરી, રાજા એટલા જણ પારકી પીડા જાણતા નથી.”
એવી રીતે વિચાર કર્યા પછી ચરક ભદિલપુરના માર્ગના અજાણપણાને લીધે માર્ગમાં ને માર્ગમાં ભમી-ભમીને ભૂખ-તરસથી પીડાતો આર્ત-રૌદ્ર ધ્યાનથી વનમાં ને વનમાં મરણ પામીને ભદિલપુરનગરની નજીકના વનમાં દેદીપ્યમાન વિષયુક્ત સર્મપણે ઉત્પન્ન થયો. તેણે એક વખતે તે જ સિંહ પ્રધાનને પૂર્વભવના વૈરથી દંશ કર્યો, તેથી તે તત્કાળ મરણ પામ્યો. સર્પ પણ મરણ પામીને નર્કમાં પડી ત્યાં ઘણી દુઃસહ વેદનાઓ ભોગવી આવીને વીરાંગ રાજાનો સૂર નામે તે પુત્ર થયો છે, અને સિંહપ્રધાન મરણ પામીને કાશ્મીરના વિમલાચલ તીર્થ ઉપરની વાવમાં હંસપણે ઉત્પન્ન થયો. ત્યાં તેણે જાતિસ્મરણ થવાથી વિચાર્યું કે - "પૂર્વે પ્રધાનના ભવમાં શત્રુંજય તીર્થની પૂર્ણ ભાવયુક્ત સેવા ન કરી, તેથી આ તિર્યચપણે ઉત્પન્ન થયો માટે હવે તીર્થનું પૂર્ણ સેવન કરું."
એમ ધારી તે ચાંચમાં પૃષ્પ લઈ પ્રભુજીનું પૂજન કરતો, વળી બે પાંખોમાં પાણી ભરી પ્રભુજીને પખાલ કરતો. એવી રીતે અનેક પ્રકારે પ્રભુભક્તિ કરી છેવટે મરણ પામી સૌધર્મ દેવલોકે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી અવીને તે પૂર્વના પુણ્યપ્રભાવથી મૃગધ્વજ રાજાનો હંસરાજ નામનો પુત્ર થયો છે.”
આ પ્રમાણે કેવળીનાં વચન સાંભળીને પૂર્વભવનો વૈરભાવ યાદ આવવાથી હંસરાજને મારી નાંખવાની બુદ્ધિ સુઝી હતી, તેથી હું આવ્યો હતો. જો કે મારા પિતાએ મને ત્યાંથી નીકળતાં ઘણો વાર્યો હતો, તો પણ હું અહીં વાર્યો ન રહ્યો, તેથી છેવટે આ તમારા હંસરાજપુત્રે મને સંગ્રામમાં જીતી લીધો. એટલા જ માટે પૂર્વ-પુણ્યથી હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, તેથી હું તે જ શ્રીદત્ત નામના કેવળી ભગવાન પાસે જઈ દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી નમીને, અજ્ઞાનરૂપી અંધકારથી દૂર થયેલા સૂરકુમારે પોતાને સ્થાનકે જઈ, માતા-પિતાની રજા લઈ, તત્કાળ દીક્ષા લીધી. કહ્યું છે કે –“ઘર્મસ્થ ત્વરિતા. પતિઃ II” ધર્મ તરત જ કરવો.