________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૧
થિઈ તેનો વધ કરવાની કોટવાળને તત્કાળ આજ્ઞા કરી દીધી; કેમકે, મોટા પુરુષોનો રોષ અને તોષ (મહેરબાની) તત્કાળ ફળ આપનારા જ હોય છે. જેમ કસાઈ બકરાંને વધસ્થાને લઈ જાય તેમ કોટવાળ ના દુષ્ટ સુભટો શ્રીદત્તને વધસ્થાને લઈ જાય છે તે વખતે તે વિચારવા લાગ્યો કે, માતા અને પુત્રીની સાથે સંયોગ કરવાની ઈચ્છાથી તેમજ મિત્રનો વધ કરવાથી ઉત્પન્ન થયેલા પાપનું જ આ ફળ મને મળે છે, માટે ધિક્કાર છે મારા દુષ્કર્મને ! વળી આ પણ આશ્ચર્ય છે કે, સત્ય બોલવાથી પણ અસત્યના જેવું ફળ મળે છે, પરંતુ વિચાર કરતાં એમ જણાય છે કે, કર્મે જેના પર સમુદ્રની જેમ ઉછાળો માર્યો તેને રોકવાને કોણ સમર્થ છે? કહ્યું છે કે, "જેના કલ્લોલથી પર્વતોના મોટા પાષાણો પણ ભાંગી જાય એવા સમુદ્રને પણ સામો આવતાં પાછો વાળી શકાય, પણ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સારા અને નરસાં કર્મોનું દૈવિક પરિણામ દૂર કરવાને કોઈ સમર્થ થઈ શકતું નથી."
આ વખતે શ્રીદત્તના પુણ્યથી જ ન ખેંચાયા હોય તેમ મુનિચંદ્ર નામના કેવલીભગવંત વિહાર કરતા ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનપાલકે રાજાને તે વિષે વધામણી આપવાથી તે પોતાના પરિવાર સહિત કેવલી સન્મુખ આવી વંદન કરીને બેઠા. પછી જેમ ભૂખ્યો માણસ ભોજનની વાંચ્છા કરે તેમ, તે દેશનાની યાચના કરવા લાગ્યો. જગબંધુ કેવલી મહારાજે કહ્યું કે, "જે પુરુષમાં ધર્મ કે ન્યાય નથી તે અન્યાયીને વાંદરાની ડોકમાં જેમ રત્નની માળા શોભે નહીં તેમ, દેશના શા કામની?" ચકિત થઈ રાજાએ પૂછયું કે, "મને અન્યાયી કેમ કહો છો ?" કેવલી મહારાજે ઉત્તર આપ્યો કે, "સત્ય-વક્તા શ્રીદત્તનો વધ કરવાની આજ્ઞા આપી માટે.” આ વચન સાંભળીને લજ્જિત થયેલા રાજાએ આદરમાનથી તેને (શ્રીદત્તને) પોતાની પાસે બેસાડીને પૂછયું કે, તું તારી ખરેખરી હકીકત જાહેર કર. તે પોતાની સાચી બીના કહેવા માંડે છે, તેટલામાં સુવર્ણરેખા જેની પીઠ પર બેઠેલી છે એવો તે જ વાનર ત્યાં આવી તેણીને નીચે ઉતારી કેવલી ભગવાનને નમસ્કારાદિ કરી સભા વચ્ચે બેસવાથી, સર્વ લોકો તેને જોઈ આશ્ચર્ય પામીને પ્રશંસા કરી બોલવા લાગ્યા કે, ખરેખર શ્રીદત્ત સત્યવાદી છે. અહિંયાં આ સર્વ વૃત્તાંતમાં જે જે સંશયો જેને રહ્યા હતા, તે તે કેવલી મહારાજને પૂછીને દૂર કર્યા. આ સમયે સરળ-પરિણામી શ્રીદત્ત તેમને (કેવલી ભગવાનને) વંદન કરી પૂછવા લાગ્યો કે, હે જગબંધુ મારી પુત્રી અને મારા માતા ઉપર મને સ્નેહરાગ કેમ ઉત્પન્ન થયો તે કૃપા કરી કહેશો. તેમણે કહ્યું કે, પૂર્વભવનો વૃત્તાંત સાંભળવાથી સર્વતને સ્પષ્ટપણે સમજવામાં આવશે.
પંચાળદેશના કપીલપુર નામના નગરમાં અગ્નિશર્મા બ્રાહ્મણને ચૈત્ર નામનો પુત્ર હતો. મહાદેવની જેમ તેને (ચત્રને) ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી. હંમેશાં બ્રાહ્મણોને ભિક્ષા વિશેષ વહાલી હોય છે, માટે એક દિવસ ચૈત્ર પોતાના મૈત્ર નામના બ્રાહ્મણ મિત્ર સાથે કોંકણદેશમાં ભિક્ષા માગવા ગયો. ત્યાં ઘણાં ગામડાઓ ફરી ધન ઉપાર્જન કરી તે બન્ને જણ સ્વદેશ તરફ આવવા નીકળ્યા. રસ્તામાં લક્ષ્મીથી લોભાઈ માઠા પરિણામથી એક વખત ચૈત્રને સૂતો જોઈ મૈત્ર વિચાર કરવા લાગ્યો કે-આને મારી નાંખી હમણાં જ હું સર્વ ધન લઈ લઉં તો ઠીક થાય. આમ ધારીને તેનો વધ કરવા તે ઉઠયો; જે અર્થ (દ્રવ્ય) છે, તે અનર્થનું મૂળ છે. જેમ દુષ્ટ વાયુ મેઘનો નાશ કરે છે તેમ લોભી પુરુષ તત્કાળ વિવેક, સત્ય, સંતોષ, લજ્જા, પ્રેમ, કૃપા, વગેરેનો નાશ કરે છે. વળી તે જ વખતે દૈવયોગે તેના હૃદયમાં