________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૯
મળે તેના ઉપર ઘણાની રૂચિ ઉત્પન્ન થાય છે. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય પ્રમાણે જેની પાસે જેટલું ઘન હતું, તે સર્વ માલ ખરીદ કરતાં ખૂટી જવાથી તેમણે વિચાર કર્યો કે, માલ તો હજુ ઘણો લેવાનો બાકી છે ને ધન તો ખૂટી ગયું, માટે તેનું કેમ કરવું? છેવટે તેઓ એ નિશ્ચય પર આવ્યા કે આ સોમશ્રીને કોઈક ગણિકાને ઘેર વેચી તેણીનું દ્રવ્ય આવે તે વહેંચી લઈએ. લોભ એ કોઈક અલૌકિક વસ્તુ છે, કે જેને પ્રાણી તત્કાળ વશ થઈ જાય છે. પછી તેમણે તે નગરમાં રહેનારી વિભ્રમવતી નામની ગણિકાને ઘેર સોમશ્રીને એક લાખ દ્રવ્ય લઈ વેચી નાંખી. તેઓ તે ધનનો માલ લઈ હર્ષભેર પોતાના સ્વદેશ ગયા.
આ સોમશ્રીનું નામ ગણિકાએ બદલાવી બીજું નામ સુવર્ણરેખા પાડયું છે, કેમકે સ્ત્રીઓ એક ઘેરથી બીજે ઘેર જાય તો ત્યાં પ્રાયઃ તેનું બીજું નામ પાડવામાં આવે છે. પોતાની કળા શિખવવામાં વિચક્ષણ વિભ્રમવતી ગણિકાઓ, સુવર્ણરેખાને થોડા વખતમાં ગીત-નૃત્ય, હાવભાવ, કટાક્ષ-વિક્ષેપાદિક અને કળાઓ શિખવી દીધી; કેમકે ગણિકાઓના ઘરમાં કે દુકાનમાં તેના જ રસિયા લોકો આવે છે. જેમ ગણિકાઓના ઘરમાં જન્મેલીને નાનપણમાં જ સંસ્કાર થયેલા હોવાથી તે પ્રથમથી જ કુટિલ વગેરે હોય છે; તેમ નહીં હોવા છતાં પણ આ સુવર્ણરેખા થોડા જ વખતમાં જન્મથી જ વેશ્યા ન હોય? તેવી થઈ ગઈ. કેમકે, પાણીમાં જે વસ્તુ મેળવીએ તે તદ્દરૂપ જ બની જાય છે. ધિક્કાર છે એવી કુસંગતિને ! કે જેથી સોમશ્રી તે જ ભવમાં પણ દુષ્ટ દેવના યોગથી ખરેખરા ગણિકાના વ્યવહારવાળી બની ગઈ. તે એવી તો કળા-કુશળ નીવડી કે, રાજાએ તેણીનાં ગીત, નૃત્યાદિક કળાથી અત્યંત પ્રસન્ન થઈ તેણીને બહુ સત્કારપૂર્વક પોતાની માનવંતી ચામર વીંઝનારી કરી રાખી.
મુનિ મહારાજ શ્રીદત્તને કહે છે કે, "હે શ્રીદત્ત ! એ જ તારી માતા છે, કે જે ભવાંતરને જ પામી ન હોય તેમ આકાર, રૂપ, રંગ વિગેરે સર્વે પ્રકારને લીધે જુદી જણાય છે, પણ તે તો સર્વ ઔષધીઓનો અચિંત્ય મહિમા છે, એમાં કાંઈ સંશય ન રાખીશ. તને ઓળખવા છતાં પણ લજ્જા અને લોભને લીધે તેણીએ તે વિષેની તને જાણ કરી નથી. અહો ! આ જગતમાં લોભરાજાનું પણ ખરેખરું પ્રબળ બળ વર્તે છે.
ખરેખર ધિક્કારવા યોગ્ય છે ગણિકાઓનો વહેવાર, કે જેમાં માઠાં કૃત્યની કંઈ પણ મર્યાદા નથી. વળી તેમાં એવો લોભ છે કે, પોતાના પુત્રની સાથે કુકર્મ કરતાં કંઈપણ શરમાતી નથી. અહર્નિશ નિંદવા યોગ્ય અને તજવા યોગ્ય કરણીઓ કરતાં પણ વિશેષ તજવા યોગ્ય વારાંગનાઓ છે. એમ પંડિત પુરુષોએ તેમનાં દુરાચરણ દેખાડીને તેણીઓને અયોગ્ય અને અમર્યાદાવાળી જણાવી છે.”
આવા મુનિનાં વાક્યો સાંભળીને ખરેખર ખેદયુક્ત વિસ્મય પામીને શ્રીદત્ત પૂછવા લાગ્યો કે, "હે ત્રિકાળજ્ઞાની મહારાજ ! આ વાનર કોણ હતો અને એને શું જ્ઞાન હતું? કે જેથી તેણે આ મારી પુત્રી અને માતાને જાણી તેણે મારી હાંસી કરીને પણ સવક્તાની જેમ વાકયો બોલી ગયો ! કે જે ખરેખર ઉપકારીની જેમ મને અંધ-કૂપમાં પડતાને બચાવનાર થયો. વળી એને મનુષ્ય-વાચા કયાંથી ?" મુનિ મહારાજે જવાબ આપ્યો કે, "હે ભવ્ય ! શ્રીદત્ત ! સાંભળ.
"સોમશ્રીમાં એકાગ્રચિત્ત થયેલો તારો પિતા શ્રીમંદિરનગરમાં પ્રવેશ કરતાં શત્રુના બાણના પ્રહારથી મરણ પામીને તત્કાળ વ્યંતરદેવપણે ઉત્પન્ન થયો. તે વનમાં ભ્રમરની પેઠે ફરતાં અહીંયાં આવ્યો હતો.