________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અત્યંત નિંદવા લાયક ઠરે છે. હા! હા! ધિક્કાર ! ધિક્કાર! ! એ તિર્યંચો એટલા બધા અવિવેકી છે કે જેઓને પોતાની માતા, બહેન કે-પુત્રીનું પણ ભાન નથી? અરે એ એટલા બધા મૂર્ણ છે કે જેઓનું કૃત્યાકૃત્યનું ભાન પણ નથી? ત્યારે એવા પાપીઓનો અવતાર કે જન્મ શા કામનો છે?"
શ્રીદત્તનાં આવાં વચન સાંભળીને જતાં જતાં પાછો ખચકાઈ જતો હોય એમ વાનરીઓની સાથે જતાં, પાછો અટકી પાછું જોઈને તે વાનર શ્રીદત્તને કહેવા લાગ્યો કે, "અરે ! અરે ! દુષ્ટ! દુરાચારી ! પારકા દૂષણો શોધી કાઢી બોલવામાં જ તું વાચાળ જણાય છે, ડુંગર ઉપર બળતું દેખે છે, પણ પોતાના પગ તળે બળતું દેખતો નથી. કહ્યું છે કે –
રાઈ-સરસવ જેવાં પારકાં લઘુ છિદ્રો જોવાને મૂર્ખ પ્રાણી યત્ન કરે છે; પણ બીલીના ફળ જેવાં પોતાનાં મોટાં મોટાં છિદ્રો દેખાતાં છતાં પણ તે દેખતો નથી.
અરે મૂર્ખ ! પોતાની જ માતા અને પુત્રીને બે બાજુ પર બેસાડી તેમની સાથે કામ-ક્રીડા કરે છે અને વળી પોતાના મિત્રને પોતે જ ભરસમુદ્રમાં નાંખી દીધો. એવો તું પોતે જ પાપી છતાં અમને નિરપરાધીને કેમ નિદે છે? ધિક્કાર છે તને !” આમ કહીને ફાળ મારી તે વાનર પોતાની વાનરીઓ સહિત ચાલતો થયો. આ વચનો શ્રીદત્તને છાતીમાં વજૂ વાગ્યું હોય, તેવાં લાગ્યાં. ત્યારપછી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે, એ વાનર એવાં અયોગ્ય વાકય કેમ બોલી ગયો? એ કન્યા તો મને સમુદ્રમાંથી મળી આવેલી છે, ત્યારે એ મારી પુત્રી કેમ થાય ! તેમજ આ સુવર્ણરખા ગણિકા મારી જનેતા પણ શી રીતે થઈ શકે ? મારી માતા સોમશ્રી તો આનાથી કાંઈક ઉંચી અને શામળી છે. વયના અનુમાનથી કદાપિ આ કન્યા મારી પુત્રી થઈ શકે, પરંતુ આ ગણિકા તો મારી માતા સર્વથા હોય જ નહીં. સંશય-સાગરમાં ડૂબેલા તે શ્રીદતે ગણિકાને પૂછવાથી તેણીએ ઉત્તર વાળ્યો કે, "તું તો મૂર્ખ દેખાય છે, મેં તો તને આજે જ જોયો છે, અગાઉ કદાપિ તું માસ જોવામાં આવેલ નથી, છતાં પણ આવા પશુના વચનથી શંકાશીલ થાય છે, ત્યારે તું પણ પશુના જેવો જ મુગ્ધ દેખાય છે."
ગણિકાનાં વચન સાંભળીને પણ તેના મનનો સંશય દૂર ન થયો; કેમકે, "જ્યાં સુધી પાણીનું ગંભીરપણું (ઉંડાઈ) જાણી શકાય નહીં, ત્યાં સુધી પોતાનું કલ્યાણ ઈચ્છનાર પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી; તેમજ બુદ્ધિવંત પુરુષ કોઈ પણ કાર્યને સંશય દૂર ન થાય, ત્યાં સુધી તેમાં પ્રવૃત્તિ કરી શકતો નથી.” આવી રીતે સંશયમાં ગરક થયેલા શ્રીદતે આમતેમ ફરતાં તે જ વનમાં એક જૈન-મુનિને જોઈ નમસ્કાર કરી પૂછયું કે -
'મહારાજ ! વાનરે મને જે સંશય-સમુદ્રમાં નાંખેલો છે, તે તમારા જ્ઞાનથી ટાળી મારો ઉદ્ધાર કરો.” મુનિ મહારાજે કહ્યું કે, "સૂર્યની માફક ભવ્ય પ્રાણીરૂપી પૃથ્વીમાં ઉદ્યોત કરનાર મારા કેવળજ્ઞાની ગુરુ આ પાસેના પ્રદેશમાં છે, તેમની પાસે જઈ તું તારા સંશયથી મુક્ત થા. પરંતુ તેમની પાસે જવાનું બની શકે તેમ ન હોય તો હું મારા અવધિજ્ઞાનના બળથી તને કહું છું કે, "જે વાકય વાનરે તને કહ્યું છે, તે સર્વજ્ઞના વાકયની જેમ સત્ય છે.” ત્યારે શ્રીદત્તે પૂછયું કે, "એમ કેમ બન્યું હશે.” મુનિરાજે જવાબ દીધો કે, "પહેલાં તારી પુત્રીનો સંબંધ તને કહું, તે તું સાવધાન થઈને સાંભળ :