________________
૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ થઈને વિમલાચલ તીર્થને અહિંયાં જ સમીપપણે લાવીશ, માટે તારી ચિંતા દૂર કર. આવતી કાલે પ્રભાત સમયે વિમલાચલ તીર્થના સન્મુખ ચાલતાં સર્વ શ્રી સંઘને વિમળાચલ તીર્થની યાત્રા કરાવીશ; જેથી સર્વના અભિગ્રહ પૂર્ણ થઈ શકશે."
આવાં હર્ષદાયક તેનાં વચન સાંભળીને દિવાન તેને પ્રણામપૂર્વક કહેવા લાગ્યો કે, "હે શાસન સંરક્ષક, આ વખતે આવીને તમોએ જેમ મને સ્વપ્નમાં આનંદદાયક વચનો કહ્યાં તેમ આ સંઘમાં ગુરુ પ્રમુખ બીજા પણ કેટલાક લોકોને સ્વપ્ન આપીને આવાં જ હર્ષદાયક વચનો સંભળાવો, કે જેથી સંપૂર્ણ લોકને નિશ્ચય થાય." એવાં વચનથી ગોમુખયક્ષે તેવી રીતે શ્રી સંઘમાં તેવાં જ સ્વપ્ન આપ્યાં. ત્યાર પછી તેણે તે મહાભયંકર અટવીમાં જ એક મોટા પર્વત ઉપર કૃત્રિમ વિમલાચલ તીર્થની રચના રચી, કેમકે દેવતાને દૈવિક-શક્તિથી શું અસંભવિત છે? દેવતાની વૈક્રિયશક્તિથી રચિત વસ્તુ માત્ર પંદર જ દિવસ રહી શકે છે, પણ ઔદારિક પરિણામથી પરિણાવેલી હોય તો ગિરનાર તીર્થ પર શ્રી નેમિનાથસ્વામીની મૂર્તિની જેમ અસંખ્યાતા કાળપર્યત પણ રહી શકે છે.
પ્રભાત સમયે રાજા, આચાર્ય, દિવાનો તેમજ બીજા પણ ઘણા લોકો પરસ્પર પોતાના સ્વપ્ન સંબંધી વાતો કરવા લાગ્યા. ત્યાર પછી ખુશી થયેલા બધા લોકો તીર્થ તરફ ચાલતા થોડા વખતમાં રસ્તામાં જ વિમળાચલ તીર્થને દેખતાં જ અત્યંત હર્ષિત થયા. પછી તે તીર્થ પર ચડીને દર્શન-પૂજા કરીને પોતાના અભિગ્રહ પૂર્ણ કરવા લાગ્યા. તેમજ હર્ષથી શરીરને રોમાંચિત કરતા પોતાના આત્માને પુણ્યરૂપ અમૃતથી પૂર્ણ પુષ્ટ કરવા લાગ્યા. ત્યાં વળી સ્નાત્રપૂજા, ધ્વજપૂજા આદિ કરણીઓ કરતા માળ વગેરે પહેરીને પોતાને ધન્ય માનતા ત્યાંથી મૂળ (પરા) શત્રુંજય તરફ યાત્રા માટે ચાલવા લાગ્યા. પણ રાજા ભગવંતના ગુણરૂપ ચૂર્ણથી જાણે કામણ જ ન કરાયું હોય ! એમ ફરી ફરીને પાછો ત્યાં જ આવીને મૂળ નાયકને નમન વંદન કરે છે; તેમ કરતાં પોતાના આત્માને સાતે નરકમાં પડતાં રોકવાને જ જેમ પ્રવર્યો હોય તેમ તે રાજા સાત વાર તીર્થ પરથી ઉતરીને આઠમી વાર ફરીને ચડયો ત્યારે સિંહ મિત્રએ પૂછયું કે - હે રાજેન્દ્ર ! આમ કેમ વારંવાર ઉતરીને પાછા ચડો છો ? રાજાએ જવાબ આપ્યો કે, જેમ માતાને બાળક મૂકી શકતો નથી તેમ આ તીર્થને હું પણ મૂકવા સમર્થ નથી; માટે અહિંયા જ નવું નગર વસાવીને આપણે તો રહીશું, કેમકે નિધાન સરખું આ સ્થાન પામીને કોણ પાછું મૂકે! !
પોતાના સ્વામિની આજ્ઞા, વિચક્ષણ વિવેકી કોણ લોપી શકે ! માટે જ તે દિવાને રાજાની આજ્ઞાથી તે જ પર્વતની પાસે વાસ્તુક-શાસ્ત્રની વિધિપૂર્વક નગર વસાવ્યું. "આ નગરમાં જે નિવાસ કરશે તેમની પાસેથી કાંઈ પણ કર લેવામાં આવશે નહીં." એવી વાણી સાંભળીને કેટલાક લોભથી, કેટલાક તીર્થ-ભક્તિના ભાવથી, તેમ કેટલાક સહજ-સ્વભાવથી પણ તે સંઘ મધ્યેના તેમજ બીજા લોક પણ આવીને વસ્યા. પાસે જ નવીન વિમલાચલ તીર્થ હોવાથી અને વિમળ (નિર્મળ) પરિણામીઓનો જ ઘણો ભાગ આવીને નિવાસ કરવાથી જ તે નગરનું નામ પણ "વિમલપુર” સાર્થક થયું. નવી દ્વારામતીનગરી વસાવીને જેમ શ્રીકૃષ્ણ વાસુદેવ વસ્યા, તેમ મોટી રાજ્ય-ઋદ્ધિને ભોગવતો અને શ્રી જિનેશ્વરના ધર્મધ્યાનથી યુક્ત આ રાજા પણ સુખરૂપ ત્યાં નિવાસ કરવા લાગ્યો.