________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
લાગ્યો. બાળક છતાં બોલવામાં જાણે પ્રૌઢ પુરુષ ન હોય શું ? તેવી ચતુરાઈ તથા મીઠાશ તેના વચનમાં હોવાથી સર્વને તે પ્રિય થઈ પડયો.
૨૧
એકદા વસંતઋતુનાં પુષ્પોની સૌરભથી મ્હેંકી રહેલા તથા ફલ-ફૂલોથી રમ્ય બાગની શોભા જોવાને રાજા પોતાની પટ્ટરાણી કમલમાલા અને શુકરાજકુમારને સાથે લઈને નગરના ઉદ્યાનમાં આવી આમ્રવૃક્ષની નીચે બેઠો. તે સમયે તેને પૂર્વની બનેલી સઘળી બીના યાદ આવવાથી પ્રસન્ન થઈને કમલમાલાને કહેવા લાગ્યો કે, "હે પ્રિય ! તે જ આ આમ્રવૃક્ષ છે, કે જેની નીચે હું વસંતૠતુમાં આવીને બેઠો હતો, અને શુકરાજ-પોપટની વાણીથી તારા રૂપનું વર્ણન સાંભળીને અતિશય વેગથી તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો અને તારા પિતાના આશ્રમ સુધી જઈ પહોંચ્યો. ત્યાં તારી સાથે લગ્ન કરી હું કૃતાર્થ થયો.”
આ બધી વાર્તા પિતાના ખોળામાં બેઠો બેઠો કુમાર સાંભળતો હતો અને એ સાંભળતાં જ કલ્પવૃક્ષની શાખા જેમ છેદાવાથી ધરતી પર તૂટી પડે તેમ શુકરાજકુમાર મૂર્છા યુક્ત થઈ નીચે ઢળી પડયો. માત-પિતાના હર્ષ-વૃક્ષની શાખા છેદાઈ ઢળી પડી ન હોય તેમ આ જોઈ અતિશય ગભરાઈ ગયેલાં માતાપિતાએ કોલાહલ મચાવી મૂકયો, તે સાંભળી સર્વે અનુચરો ત્યાં ભેગા થઈ ગયા અને કુમારની આવી હાલત જોઈ શોકપૂર્ણ સ્વરે બોલી ઉઠયા : "અરે રે ! આ શું થયું ?” એમ ઊંચે શબ્દે બોલતાં સર્વે આકુળ-વ્યાકુળ થઈ ગયાં; કારણ કે મોટાનાં સુખ-દુઃખની સાથે સર્વ સામાન્ય જનોનાં પણ સુખ-દુઃખ સંકળાયેલાં જ હોય છે. ચંદનનું શીતળ જળ છાંટવાથી તેમજ કેળના પત્રનો પવન વીંઝવાથી તેમજ બીજા યોગ્ય ઉપચારો (ઉપાયો) કરવાથી કેટલોક વખત ગયા બાદ તે શુકરાજકુમારને ભાન આવ્યું, ચેતના આવવાથી કમળની પાંખડીઓની જેમ પ્રકાશતી નેત્રરૂપ પાંખડી ઉઘડી, પણ મુખકમળ વિકસ્વર થયું નહીં, વિચારપૂર્વક તે ચારે બાજુ જોવા લાગ્યો, પણ ઘણી રીતે બોલાવવા છતાં કંઈ પણ બોલ્યો નહી. તીર્થંકરદેવ છદ્મસ્થાવસ્થામાં જેમ મૌન ધારણ કરે - તેમ તે કંઈપણ બોલ્યો નહીં. રાજકુમારનું આવું મૌન જોઈ સર્વે લોકો માનવા લાગ્યા કે, ખરેખર આને કોઈક દેવની અવકૃપાથી આમ બન્યું હોવું જોઈએ. તે કાંઈક શાંત થયો છે પણ અરે રે ! મહાખેદ ક૨વા લાયક એ છે કે -અમારા કોઈ દુષ્ટકર્મના ઉદયથી એની જીભ જલાઈ ગઈ છે.
આમ મહાચિંતામાં નિમગ્ન બનેલા તેના માતા-પિતા તેને પોતાના મહેલમાં લઈ ગયા. ત્યાં તેમણે કુમારને બોલતો કરવા વિવિધ પ્રકારના ઉપાયો કરાવ્યા, પણ દુર્જન પર કરેલા ઉપકારની જેમ તે સર્વ ઉપચારો નિષ્ફળ ગયા. એ સ્થિતિમાં છ માસ વીતી ગયા. છતાં પણ કુમારનું મૌન તૂટયું નહિ, તેમજ તેનું રહસ્ય પણ કોઈ શોધી શકયું નહિ. અરેરે ! વિધાતાએ રત્નસમાન શ્રેષ્ઠ વસ્તુઓમાં પણ કંઈને કંઈ દોષ મૂકયો છે. ચંદ્રમાં કલંક, સૂર્યમાં ઉગ્ર તેજ, આકાશમાં શૂન્યતા, વાયુમાં ચંચલપણું, કૌસ્તુભ મણિમાં પાષાણપણું, કલ્પવૃક્ષમાં કાષ્ઠપણું, પૃથ્વીમાં રજકણ, સમુદ્રમાં ખારાશ, મેઘમાં શ્યામતા, અગ્નિમાં દાહકતા, જળમાં નીચગતિ, સુવર્ણના મેરુમાં કઠોરપણું, સુવાસિત કર્પૂરમાં અસ્થિરતા, કસ્તૂરીમાં કાળાશ, સજ્જનોમાં નિર્ધનતા, ધનિકોમાં મૂર્ખતા, રાજાઓમાં લોભ હોય તેમ આ રાજકુમારમાં મૌન પ્રવેશ્યું છે. મોટા ભાગ્યશાળી પુરુષોની દુર્દશા કયા સજ્જનના મનમાં ન ખટકે ? તે સમયે મળેલા સર્વ નગરજનો પણ અત્યંત શોક કરવા લાગ્યા.