________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વયંવર મંડપને શોભાયુક્ત કર્યો. ત્યારબાદ શુભ સ્નાનપૂર્વક શરીર પર ચંદન વગેરે ચર્ચાને અને સ્વચ્છ વસ્ત્ર વિભૂષિત થઈ, સરસ્વતી અને લક્ષ્મીના જેવી તે બન્ને બેનો હંસી અને સારસી પાલખીમાં બેસીને તે સ્વયંવર-મંડપમાં જ્યારે આવી ત્યારે અત્યુત્તમ કરિયાણા પર જેમ ઘણા ગ્રાહકોની દષ્ટિ ને મન ખેંચાય તેમ તે કન્યાઓ પર સર્વે રાજાઓની દષ્ટિ અને મન એકાગ્ર થવા લાગ્યાં. તેમનાં મન તથા દષ્ટિ કન્યાઓ તરફ જ દોડવા લાગ્યાં અને કામથી પરવશ બની વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પોતાના અંતરના આશયને જણાવવાના કાર્યમાં ગૂંથાઈ ગયા.
જ્યારે વરમાળા લઈને બન્ને કન્યાઓ સ્વયંવર મંડપના મધ્યગત ભાગમાં આવી ઊભી રહી ત્યારે સુવર્ણ છડીની ધારનારી તથા પ્રથમથી સર્વ વૃત્તાંતની જાણનારી કુલમહત્તરા સર્વ રાજાઓનું વર્ણન કરવા લાગી. "હે સખી! આ રાજાધિરાજ રાજગૃહીના સ્વામિ છે; શત્રુના સુખનો ધ્વંસ કરવાના કાર્યમાં અત્યંત કુશળ એવા આ કોશલદેશ(અયોધ્યા)ના રાજા છે; સ્વયંવર-મંડપની શોભા વડે શોભતા આ ગૂર્જરદેશના રાજા છે; ઈન્દ્રપુત્ર જયંતના વૈભવને પણ વધી જાય એવા વૈભવથી વિરાજતો આ સિંધુ દેશાધિપતિ છે; શૌર્ય તેમજ ઔદાર્યના ક્રીડાસ્થાન સમા આ અંગાધીશ છે; પોતાના રૂપથી કામદેવના
અભિમાનને ચૂર્ણ કરનાર આ જંગ નરેશ છે; આ સદા સૌમ્ય અને મનોહર ઋદ્ધિ યુક્ત કલિંગદેશના રાજા છે; જેની લક્ષ્મીનો પાર નથી એવા આ માળવા દેશના રાજા છે; પ્રજા પાળવામાં દયાળુ આ નેપાળ દેશના રાજા છે; જેના સગુણોનું વર્ણન ન થઈ શકે એવા આ કુરુદેશના રાજા છે; શત્રુની શોભાને નિષેધનાર આ નૈષધના રાજા છે; યશરૂપ સુગંધિની વૃદ્ધિ કરનાર આ મલયદેશના રાજા છે.”
એવી રીતે સખીઓએ દરેક રાજાઓનાં નામ તથા ગુણ વર્ણન વડે ઓળખાવ્યા બાદ જેમ ઈન્દુમતી અજ રાજાને વરી તેમ આ બન્ને કન્યાઓ હંસી અને સારસીએ જિતારિ રાજાને વરમાળા આરોપી. આ વખતે મહેચ્છા, ઉત્સુકતા, સંશય, હર્ષ, વિષાદ, લજ્જા, પશ્ચાત્તાપ, ઈર્ષ્યાપ્રમુખ મનોવિકારથી કેટલાક રાજાઓ વ્યાપ્ત થઈ ગયા. આવા સ્વયંવરમાં કોઈ રાજા પોતાના આગમનને, કોઈ દૈવને ભાગ્યને) અને કોઈ અવતારને ધિક્કારવા લાગ્યા.
વિજયદેવ રાજાએ જિતારિ રાજા સાથે સન્માન અને દાનપૂર્વક શુભ સમયે કન્યાઓના લગ્ન-મહોત્સવનો સમારંભ કર્યો. ભાગ્ય વિના મનોવાંછિતની પ્રાપ્તિ થાય જ નહીં, એ નક્કી છતાં પણ કેટલાય પરાક્રમી રાજા આશા ન ફળતાં ઉદાસ થઈ ગયા. કેટલાક રાજાઓ ઈષ્ય ધરીને જિતારી રાજાને મારી નાખવાના કાર્યોમાં પ્રવર્તવા લાગ્યા, પણ તે યથાર્થ નામવાળા જિતારિનો કોણ પરાભવ કરી શકે ? કોઈ પણ તેને કાંઈ કરી શકયું નહીં. રતિ-પ્રીતિ જેવી સ્ત્રીઓથી કામદેવને પણ શરમાવતો તે જિતારિ રાજા પોતાના શત્રુરૂપ બનેલા સર્વે રાજમંડળના ગર્વને પણ જીતતો પોતાની બંને સ્ત્રીઓ (હંસી, સારસી) સહિત નિર્વિને પોતાની રાજધાનીમાં જઈ પહોંચ્યો. પછી અતિ-આડંબરપૂર્વક તે બે રાણીઓનો દેવીઓની જેમ રાજ્યાભિષેકનો મહોત્સવ કરી તેમને પોતાના બે ચક્ષુની માફક સમાન માનીને રાજા સુખ ભોગવવા લાગ્યો. હંસી રાણી પ્રકૃતિથી સરળ-સ્વભાવી હતી, પણ સારસી રાણી તો રાજાને પ્રસન્ન કરવા માટે કોઈ કોઈ વાર કપટ કરતી હતી. જો કે તે પોતાના પતિને પ્રસન્ન કરવા માટે જ કપટ કેળવતી હતી, તો પણ તેથી તેણે સ્ત્રી વેદકર્મ દઢપણે બાંધ્યું અને હંસીએ તો પોતાના સરળ