________________
પત્રાંક-૫૮૫ જીવ પોતે પ્રયત્ન કરે ત્યારે એનું લક્ષ થાય છે.
અહીંયાં એમ કહેવું છે કે, સમજવાના બે પ્રકાર છે. એક તો જીવ વાંચતી વખતે, સાંભળતી વખતે, વિચારતી વખતે સમજવા બેસે ત્યારે અમુક પ્રકારે સમજણ થાય છે. પણ એ ઓઘસંજ્ઞાએ રહે છે. એ સમજણની હદ શું છે? એ સમજણની મર્યાદા શું છે? કે એ ઓઘસંજ્ઞાએ રહે છે. પણ ઓઘસંજ્ઞાની નિવૃત્તિ કરવી હોય અને ખરેખર સમજણ કરવી હોય ત્યારે જીવે પ્રયોગમાં, Practice માં, પ્રયત્નના અભ્યાસમાં પુરુષાર્થમાં આવવું પડે છે. જ્યારે જીવ એ પ્રકારે પુરુષાર્થ કરે છે ત્યારે એને ખરેખર સમજણ થાય છે. કેમકે આ વિષય સમજવા માટે જુદી જુદી મર્યાદામાં વિભાજિત થયેલો છે.
શબ્દ દ્વારા એક વ્યાખ્યાની જે સમજણ આપવામાં આવે છે, ત્યારે એની અમુક મર્યાદા છે. શબ્દો પોતાની મર્યાદામાં રહીને એ વાત કરે છે. પછી એ શબ્દો જ એમ કહે છે, કે જ્ઞાનની જે વાત ખરેખર કરવાની છે, જે જ્ઞાનમાં આવવા યોગ્ય છે એ વાત મારી મર્યાદામાં નથી. એના માટે તો જ્ઞાનની Practice કરે ત્યારે જ સમજાય એવું છે, એ વગર સમજાય એવું નથી.
આપણે તો ઘણીવાર દાંત લઈએ છીએ કે, રોટલી ઉપર વેલણ ફેરવતા ફેરવતા રોટલી થાય છે. કણિકનો લુઓ છે એના ઉપર (વેલણ ફેરવવું). એ તો વ્યાખ્યા થઈ. વ્યાખ્યામાં એમ પણ કહ્યું કે ગોળ થાય એવી રીતે ફેરવવું. ગોળ થાય એવી રીતે એટલે કેવી રીતે? એની વ્યાખ્યા નથી. રોટલી ગોળ બને અને વાંકીચૂંકી ન બને એવી રીતે વેલણ ફેરવવું. પણ એવી રીતે એટલે કેવી રીતે ? એ શબ્દનો વિષય નથી. શબ્દની મર્યાદા ત્યાં પૂરી થાય છે. તમને કહ્યું કે ગોળ થાય એવી રીતે વેલણ ફેરવો. પણ એવી રીતે એટલે કેવી રીતે? તો કહે, એ શબ્દમાં ન આવે. આવે? આવે તો કહી દો. બરાબર. પછી એમ કહે કે, ભાઈ ! રોટલી બધી જગ્યાએ એક સરખી થવી જોઈએ. એક જગ્યાએ જાડી, એક જગ્યાએ પાતળી, એક જગ્યાએ કાણાવાળી, એક જગ્યાએ ઢોરાવાળી એવું કાંઈ ન થવું જોઈએ. એકસરખી Level વાળી થવી જોઈએ. એવી રીતે વેલણ ફેરવવું. એવી રીતે એટલે કેવી રીતે ? તો કહે એ તો તમે વણવા બેસીને વજન આપો ત્યારે ખબર પડે, કે આ વજન અહીંયાં વધારે ન જવું જોઈએ, આ બાજુ વધારે ન જવું જોઈએ. બેમાંથી એકેય હાથે વધારે વજન ન જવું જોઈએ. કેવી રીતે ન જવું જોઈએ? એ Practice નો વિષય છે. Practice કર્યા વિના આખી જિંદગી જોવે કે આ રોટલી આમ બનાવે છે તોપણ રોટલી બનાવતા–વણતા ન આવડે. નજરો જોવે તોપણ ન આવડે. વ્યાખ્યા સાંભળે તો ન આવડે એમ નહિ. નજરે જોવે તોપણ ન આવડે.