________________
પત્રાંક-૬ ૨૮
૩૮૯
પત્રાંક-૬ ૨૮ વાણિયા, શ્રાવણ વદ ૬, રવિ, ૧૯૫૧
અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે. કેવળજ્ઞાનાદિઆ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તરશ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે.
ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે.
કંઈ ઉપાધિયોગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તોપણ બને તો અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો.
સહજાત્મભાવનાએ યથા.
(પત્રાંક) ૬૨૮. એ પણ “સૌભાગ્યભાઈ ઉપરનો છે. અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ સંભવે છે. એટલે ભાદરવા સુદ ૪ સુધી “વવાણિયા' રોકાવાના છે. કેવળજ્ઞાનાદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે. એ ઉપર ઘણો વિચાર કરવો. અનુપ્રેક્ષા કરવી એટલે ઘણો વિચાર કરવો અને અંદરોઅંદર પણ તમે એકબીજા ચર્ચા પ્રશ્ન કરજો.
ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ?” પોતે આ એક પ્રશ્ન ઉઠાવ્યો છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ?” ગુણ-ગુણી ભેદ છે ને? જ્ઞાનગુણ છે, આત્મા ગુણી છે. દર્શન ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, આત્મા ગુણી છે. તો ગુણનો સમુદાય તે ગુણી એમ કહેવાય છે. એવી વ્યાખ્યા પણ આવે છે. દ્રવ્યની વ્યાખ્યામાં ગુણ સમુદાયો દ્રવ્યું. આ સૂત્ર છે. ગુણ સમુદાયો દ્રવ્ય દ્રવ્યની અનેક પ્રકારે વ્યાખ્યા છે. એમાં આ એક ગુણસમુદાય દ્રવ્ય છે એવી પણ એક વ્યાખ્યા છે. પંચાધ્યાયીમાં આ વ્યાખ્યા લીધી છે.