________________
પત્રાંક-૫૯૧
૧૨૧
ઉત્પન્ન શાંતિ અને આનંદથી તૃપ્તિ નથી થતી, ત્યાં સુધી અનાદિથી અતૃપ્ત એવો આત્મા છે અને એ કાંઈને કાંઈ ઇચ્છાથી સુખ-શાંતિ લેવા માગે છે. એ સુખ-શાંતિ ન મળતાં એટલી આકુળતા ઉત્પન્ન થાય છે કે એ આકુળતા જીવ સહન કરી શકતો નથી. એટલે તે વિષયમાં ઝંપલાવે છે. દેવલોકમાં પણ આ પરિસ્થિતિ છે.
‘પ્રવચનસાર’માં એ વિષય ચાલ્યો છે, કે દેવો કેમ દુઃખી છે ? અંદરથી આત્માને શાંતિ અને સુખની તૃપ્તિ નહિ મળતી હોવાથી બહારથી સુખ મેળવવાની વૃત્તિરૂપ ઇચ્છા છે એ ઇચ્છા કોઈ રીતે શાંત થઈ શકે એવું નથી. એ ઇચ્છામાં આકુળતા છે, અગ્નિની દાહનો ભડકો છે અને આ એક જગતના જીવોની, જગતના સર્વ જીવોની બહુ મોટી સમસ્યા છે. પરિણામમાં સુખ-શાંતિ ઉત્પન્ન કરવાનો રસ્તો, સાચા રસ્તાથી જે અજાણ છે એ જે પદાર્થની ઇચ્છા થાય તે પદાર્થ જો ભોગવવા મળે, એની પ્રાપ્તિ થાય તો તે ઇચ્છા મટે છે તેવો સૌને અનુભવ છે. એટલે બધા એ રસ્તે જાય છે.
કેવી રીતે આત્મશાંતિ મેળવવી એ રસ્તાથી જગતના જીવો અજાણ છે. અને આ બધાને પરિચિત અને અનુભૂત છે. બધાનો અનુભવ શું છે ? ભૂખ લાગી, ખાઈ લીધું, ભૂખની ઇચ્છા મટી ગઈ. માટે જે જે પદાર્થોની ઇચ્છા થાય તે તે પદાર્થો મેળવો એટલે તે ઇચ્છાની આકુળતા બંધ થાય. આ ક્રમથી બધા પ્રવર્તે છે. અહીંયાં બીજી તકલીફ શું છે ? કે જેટલા જેટલા પદાર્થની ઇચ્છા થાય એટલા પદાર્થ જીવોને મળતા નથી, મળવાની શકયતાઓ પણ નથી. કેમકે એક જીવની ઇચ્છા એટલી બધી છે, એટલા બધા પદાર્થો માટેની છે, કે સર્વ પદાર્થો સર્વ જીવને ઉપલબ્ધ થાય એટલા પદાર્થોની પણ સંખ્યા નથી, એવી પૂર્વ કર્મની પણ કોઈ વ્યવસ્થા નથી કે ઇચ્છા થાય એટલે પદાર્થ મળી જ જાય. પદાર્થનો સંયોગ-વિયોગ તો પૂર્વકર્મના પ્રારબ્ધને આધિન છે અને એ કાંઈ ઇચ્છાને આધિન નથી. એટલે બહુભાગ જીવો અથવા એક જીવ પણ બહુભાગપણે માનસિક અશાતા અને આકુળતાને વેદે છે એનું આ કારણ છે.
એના ઉપર બહુ સારુ સ્પષ્ટીકરણ છે કે, ‘વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્તિ થવાની ઇચ્છા રાખવી...' કે આપણે ઇચ્છાનો નાશ કરવો હોય તો એ પદાર્થ ભોગવી લેવો. અને તે ક્રમે...’ એટલે એ રીતે પ્રવર્તવા જતાં આગળ પ૨ તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે.' વિષયમૂર્છા એટલે શું ? વિષયમાં સુખ છે એનો કલ્પિત સુખનો અનુભવ કરતાં, અનુભવકાળમાં છે તો દુઃખ, પણ કલ્પિત સુખનો અનુભવ કરતાં પોતાનું ભાન જીવ ભૂલે છે કે હું જ્ઞાનમાત્ર છું. એટલે એને ત્યાં મૂર્છા કહી. મૂર્છામાં શું થાય છે ? કોઈપણ માણસને બહારમાં શારીરિક મૂર્છા આવે છે