________________
૧૪૦
રાજહૃદય ભાગ-૧૨ પહેલો થાય કે છેલ્લો થાય, એક જ વખત થાય. છતાં પણ જેને સહજપણે અત્યંત સ્વસ્થતા ભજે છે એની સાધના એ બરાબર સાધના છે. કૃત્રિમતા કરવી પડે, ખેંચી ખેંચીને પરાણે પરિણામને લાવવા પડે એ સાધનાનું ખરું સ્વરૂપ નથી, સાચું સ્વરૂપ નથી.
અહીં તો પોતે સર્વજ્ઞ ભગવાનની સાક્ષી મૂકી છે કે સહજપણે આ પ્રકારની સ્થિતિ થાય તો સર્વજ્ઞદેવે એને જ્ઞાનનો સાર કહ્યો છે. સર્વ જ્ઞાનનો-બધા જ્ઞાનનો સાર, પોતે પણ જે કાંઈ કહ્યું એનો સાર. એ તો પોતે મૂર્તિમંત સ્વસ્થ છે. સર્વજ્ઞદેવ તો મૂર્તિમંત સ્વસ્થ જ છે. અત્યંત સ્વસ્થ છે. પરિપૂર્ણ સ્વસ્થ છે. અત્યંત કહેતાં એ તો પરિપૂર્ણ સ્વસ્થ છે. એટલે એમના જ્ઞાનના સારભૂત તો પોતે જ મૂર્તિમંત બિરાજે છે. એ તો ન કહે, વાણી બંધ હોય તોપણ એમના જ્ઞાનનો જે સાર છે એની મૂર્તિ પોતે જ છે. અને કહે તોપણ એ જ વાત કહેશે, બીજું કાંઈ કહેશે નહિ.
મુમુક્ષુઃ– અત્યંત સહજ સ્વસ્થતા માટે શું કરવું ?
=
પૂજ્ય ભાઈશ્રી :– સ્વરૂપને જાણવું. જોકે સ્વરૂપ જ એવું છે. આ તો પરિણામની પ્રધાનતાથી કહેવામાં આવે છે. કેમકે પરિણામ વિષયક ઉપદેશ છે. પણ મૂળમાં તો આત્માનું સ્વરૂપ જ એવું છે, આત્મ દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે કે પરિપૂર્ણપણે આત્મામાં સ્વસ્થપણે સહેજે સહેજે રહી જવાય. એ દ્રવ્યનું સ્વરૂપ છે.
‘સમયસાર’ની સ્તુતિમાં આવે છે ને ? કે પરિણામ થંભી જાય છે. વિભાવેથી સ્થંભી-વિભાવેથી અટકીને. ત્યાં સ્થંભે એટલે (એ અર્થ છે). અને સ્વરૂપમાં જાય ત્યારે એ સ્વરૂપમાં વેગથી સ્થંભી જાય છે, સ્થિર થાય છે. કેમ એમ થાય છે ? કે સ્વરૂપ એવું છે. બીજો દૃષ્ટાંત સિદ્ધ પરમાત્માનો છે. સિદ્ધપ૨માત્મા પોતાના સ્વરૂપમાં સ્વરૂપસ્થપણે પરિપૂર્ણ બિરાજે છે. લોકાલોક કેવળજ્ઞાનમાં પ્રતીબિંબિત થાય છે. લોકની અનેકવિધ વિચિત્રતાઓ એ જ્ઞાનની અંદર પ્રતીબિંબિત થાય છે. તોપણ એક સમયને માટે અને એક અંશે, જ્ઞાનના કોઈ એક અંશે, કોઈ એક સમયને માટે પણ તેઓ વિચલિત થઈને પોતાના સ્વરૂપસ્થપણામાં જરા પણ અસ્થિરતા આવતી નથી. કેમ એમ થાય છે ? અનંત કાળ પર્યંત એવી સહજ સ્વસ્થ સ્થિતિ રહેવાનું શું કારણ છે ? કે એનું કારણ દ્રવ્ય પોતે જ છે.
આત્મા વસ્તુ પોતે એવી છે કે એમાં જ પરિણામ રહી જાય. એમાં પરિપૂર્ણ થયેલા ત્યાંથી ઉખડી જ ન શકે. એવી વસ્તુ પોતે છે. બીજું કોઈ કારણ ત્યાં નથી. વિચલિત થવામાં તો લોકાલોકનું જ્ઞાન અંદર છે, એ વિચલિતતાનું નિમિત્ત છે. જો વિચલિત થાય