________________
૧૪૭
૧૪. હવે પુણ્ય-પાપ અધિકારમાં પુણ્ય અને પાપ બન્નેને બંધના કારણ કહ્યા છે. ત્યાં આચાર્ય લાલબત્તી બતાડે છે.
વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે; પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહિ કરે.
અને પ્રમાણ આપે છે કે રાગથી મોક્ષની પ્રાપ્તિ ન થાય - મોક્ષ માત્ર જ્ઞાનથી જ થાય. અને છેલ્લે નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા ગાથા ૧૫૫માં આપે છે,
જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે.
ત્રણ લોક ત્રણ કાળમાં એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે.
૧૫. હવે આસ્રવ અધિકારમાં કર્મબંધન અને આસ્રવનું સ્વરૂપ બતાડતાં માર્ગદર્શન આપે છે. જુના કર્મનો ઉદય છે, હવે એ જૂના કર્મ નવા કર્મના આસ્રવનું નિમિત્ત ત્યારે જ બને જો જીવ રાગ-દ્વેષ-મોહના પરિણામ કરે તો. જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહના પરિણામ થતાં નથી - અજ્ઞાનીને જ થાય છે અને તેથી અજ્ઞાનીને જ કર્મબંધન છે. જ્ઞાની તો નિરાસ્રવ જ છે. બીજું કર્મનો ઉદય જે પ્રમાણે આવે તે પ્રમાણે રાગાદિ પરિણામ કરવા જ પડે, કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવને વિકાર કરવો જ પડે એ વાત યથાર્થ નથી.
૧૬. સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદજ્ઞાન તેની પ્રશંસા કરે છે. આ સંવર અધિકાર સમયસારનો સૌથી નાનકડો અધિકાર મુમુક્ષુજીવને ઉપયોગ અને રાગનું ભેદજ્ઞાન કરાવીને, આત્માનો સ્વાનુભવ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.
સંવર તે જીવની અપૂર્વ દશા છે; ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન કરતાં સંવરદશા પ્રગટે છે એટલે કે મોક્ષમાર્ગ શરૂ થાય છે. તેથી આવું ભેદજ્ઞાન પ્રશંસનીય છે, અભિનંદનીય છે.
ધર્મી જાણે છે કે હું ઉપયોગસ્વરૂપ છું, મારો આત્મા ચૈતન્ય-અધિકરણ છે એટલે કે ચૈતન્યભાવ જ મારા આત્માનો આધાર છે. ઉપયોગ સાથે જ મારે આધાર-આધેયપણું છે. રાગના આધારે મારો આત્મા નથી ને મારા ઉપયોગસ્વરૂપ આત્માના આધારે રાગની ઉત્પત્તિ નથી, એટલે રાગ સાથે મારે આધાર-આધેયપણું નથી. આ રીતે રાગાદિભાવોને અને ઉપયોગને સર્વ પ્રકારે અત્યંત ભિન્નતા છે.
મારા ઉપયોગની અનુભૂતિમાં રાગાદિભાવો અનુભવાતા નથી, કેમ કે તે ભાવો મારા ઉપયોગથી
જુદા છે.
ચૈતન્ય અને ક્રોધ એ બન્નેનું એક અધિકરણ નથી, ક્રોધના આધારે ચૈતન્ય નથી, ચૈતન્યના આધારે ક્રોધ નથી; માટે ક્રોધને જાણતો હું તે ક્રોધરૂપ નથી, ચૈતન્યરૂપ જ છું. આવી ભેદજ્ઞાનરૂપી અનુભૂતિ પ્રશંસનીય છે. તે જ સંવરનો પરમ ઉપાય છે, તેથી તે અભિનંદનીય છે.