________________
૩૨૧
આતપ આદિ સ્થૂલ-સૂક્ષ્મ સ્કંધ છે. ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધ સૂક્ષ્મસ્થૂલ છે. કર્મવર્ગણાને યોગ્ય સ્કંધ સૂક્ષ્મ છે અને કર્મવર્ગણાઓને અયોગ્ય સ્કંધ અતિસૂક્ષ્મ છે.
કારણપરમાણુ અને કાર્યપરમાણુના ભેદથી પરમાણુ પણ બે પ્રકારના છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ - આ ચાર ધાતુઓના હેતુ કારણપરમાણુ છે. સ્કંધોના અવસાન (અંતિમ અવિભાગ અંશ) કાર્યપરમાણુ છે. સ્વયં જ આદિ, સ્વયં જ મધ્ય અને સ્વયં જ અંત સહિત, ઇન્દ્રિયોથી અગ્રાહ્ય તથા અવિભાગી પુદ્ગલદ્રવ્ય જ પરમાણુ છે.
અન્યની અપેક્ષા રહિત પરિણામ સ્વભાવપર્યાય છે. પરમાણુ પુદ્ગલની શુદ્ધ પર્યાય છે, કારણ કે તે અન્યની અપેક્ષા રહિત પરિણામ છે. સ્કંધરૂપ પરિણામ વિભાવપર્યાય છે, કારણ કે એ અન્ય પરમાણુઓથી સાપેક્ષ હોય છે. નિશ્ચયથી પરમાણુને અને વ્યવહારથી સ્કંધને પુદ્ગલદ્રવ્ય કહે છે.
આ પ્રમાણે સ્વભાવપુદ્ગલ, વિભાવપુદ્ગલ અને સ્વભાવપર્યાય, વિભાવપર્યાયના કથન કરીને પછી આચાર્ય એક ગાથામાં ધર્મ, અધર્મ અને આકાશ અને બે ગાથાઓમાં કાળનું વર્ણન કરે છે.
જે જીવ અને પુદ્ગલોના ગમનમાં નિમિત્ત હોય તે ધર્મદ્રવ્ય, જે એ બન્નેની ગમનપૂર્વક સ્થિતિમાં નિમિત્ત હોય તે અધર્મદ્રવ્ય તથા જે બધા જ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત હોય તે આકાશદ્રવ્ય છે. વ્યવહારકાળ બે પ્રકારનું છે. (૧) સમય અને (૨) આવિલ. અથવા ત્રણ પ્રકારનું છે. (૧) ભૂત (૨) વર્તમાન અને (૩) ભવિષ્ય. ત્યાર બાદ ૩૪ થી ૩૭ ગાથાઓ સુધી ચાર ગાથાઓમાં ચૂલિકારૂપ છે, જેમાં સમસ્ત દ્રવ્ય સંબંધી વિશેષ જાણકારી આપવામાં આવી છે, જે આ પ્રકારે છે :
કાળને છોડીને બાકીના પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. બહુપ્રદેશીપણું એ જ અસ્તિકાય છે. કાળ બહુપ્રદેશી નથી.
મૂર્ત દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ હોય છે. ધર્મ, અધર્મ અને જીવના અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશ પણ અસંખ્યાત પ્રદેશ છે અને અલોકાકાશના અનંત પ્રદેશ છે. કાળ એક પ્રદેશી છે. પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે, બાકીના બધા દ્રવ્યો અમૂર્ત છે.
જીવ ચૈતન્યમય છે, બાકીના દ્રવ્ય અચેતન છે.
આ પ્રમાણે છ દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપથી સંક્ષિપ્ત કથન કરવામાં આવ્યું છે. આ અધ્યાત્મ ગ્રંથમાં વિસ્તૃત કથન કરવાનું ઉચિત નથી. આ પ્રમાણે બીજો અજીવ અધિકાર પૂર્ણ થયો.
૩. શુદ્ધભાવ અધિકાર ઃ
ગાથા ૩૮ થી ૪૪ સુધી જીવાદિ બાહ્ય તત્ત્વોને હેય તથા કર્મોપાધિજનિત ગુણ-પર્યાયોથી ભિન્ન આત્માને ઉપાદેય કહ્યો છે.