________________
૪૦૧
દ્રવ્ય અરહંતના સ્વરૂપનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જરા, વ્યાધિ સંબંધી દુઃખોથી રહિત, આહાર-નિહાર, મળ-મૂત્ર, શ્લેષ્મ, થૂંક, પરસેવો, દુર્ગંધ, જુગુપ્સા અને ગ્લાનિ રહિત એક હજાર આઠ લક્ષણોથી સહિત, સંપૂર્ણ અતિશયયુક્ત સુગંધિત ઔદારિક દેહ અરહંતનું હોય છે.
ભાવ અરહંત તો મદ, રાગ-દ્વેષ, કષાયાદિ મનના વિકલ્પોથી રહિત અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાનરૂપ
હોય છે.
(૧૧) પ્રવજ્યા ઃ પ્રવજ્યા દીક્ષાને કહે છે. પ્રવજ્યામાં અંતરંગ-બાહ્ય પરિગ્રહ, કષાય, રાગ-દ્વેષ, મોહ અને પાપારંભનો અભાવ હોય છે; શત્રુ-મિત્ર, નિંદા-પ્રશંસા, લાભ-અલાભ, તૃણ-કાંચનમાં સમભાવ હોય છે.
પ્રવજ્યાધારી મુનિ શરીર-સંસ્કાર રહિત અને મદ-રાગ-દ્વેષથી રહિત હોય છે તથા એ ઉપશમક્ષમ-દમયુક્ત હોય છે. એમના મિથ્યાત્વાદિ ભાવ નષ્ટ થઈને સમ્યક્ત્વ ગુણ પ્રગટ થઈ ગયા હોય છે. પ્રવજ્યા છ સંહનનવાળા જીવની હોય છે. એ બધા પરિગ્રહ રહિત અને નિગ્રંથ સ્વરૂપ હોય છે. આમાં લેશમાત્ર પણ પરિગ્રહનો સંગ્રહ નથી હોતો.
બાહ્ય દીક્ષાનું સ્વરૂપ બતાવતાં આચાર્ય કહે છે કે પ્રવજ્યાધારી ઉપસર્ગ અને પરિષહને સહન કરતાં થકા નિત્ય જ નિર્જન પ્રદેશે, શિલા-તલ, કાષ્ટ અથવા ભૂમિતલમાં રહે છે અથવા સૂના ઘર, વૃક્ષમૂળ, કોટર, ઉદ્યાન, વન, સ્મશાનભૂમિ, પર્વતની ગુફા, પર્વત શિખર, ભયાનક વન અને વસ્તિકામાં રહે છે. એ પશુ, મહિલા, નપુંસક અને વ્યાભિચારી પુરુષોનો સાથ નથી કરતા; પરંતુ સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય છે. એ પ્રવજ્યાધારી મુનિ નિગ્રંથ, નિઃસંગ, નિર્માન, અરાગ, નિર્દોષ, નિર્મમ, નિરહંકાર, નિર્ભય અને નિરાશ (નિર્ આશ) ભાવવાળા હોય છે.
આ પ્રમાણે જિનમાર્ગમાં કથિત સમ્યક્ત્વથી શુદ્ધ નિગ્રંથરૂપનું સ્વરૂપ સંક્ષેપમાં કહેવા પછી આચાર્યદેવ કહે છે કે બાર અંગ અને ચૌદ પૂર્વના જ્ઞાતા ગમકગુરુ ભદ્રબાહુની પરંપરાથી જિનદેવ કથિત મુક્તિમાર્ગને જાણીને મેં આ છ’કાયના જીવોના હિત માટે કહ્યું છે.
૫. ભાવપાહુડ :
એકસો પાંસઠ ગાથાઓના વિસ્તારમાં ફેલાયેલ આ પાહુડમાં ભાવશુદ્ધિ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ગુણ-દોષોનું મૂળપ્રાણ ભાવ જ છે. જેનો સાર આ પ્રમાણે છે ઃ
બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની શુદ્ધિ માટે જ કરવામાં આવે છે, પરંતુ રાગાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય ત્યાગ નિષ્ફળ છે; કેમ કે અંતરંગ ભાવશુદ્ધિ વિના કરોડો વર્ષો સુધી પણ બાહ્ય તપ કરે તો પણ સિદ્ધિ મળતી નથી. આથી મોક્ષમર્ગના સાધકોને સર્વ પ્રથમ ભાવને જ ઓળખવા જોઈએ.
હે આત્મન્ ! તેં ભાવરહિત નિગ્રંથ રૂપ તો અનેકવાર ધારણ કર્યું છે, પરંતુ ભાવલિંગ વિના - શુદ્ધાત્મતત્ત્વની ભાવના વિના ચાર ગતિમાં ભ્રમણ કરતાં અનંત દુઃખ ઉઠાવ્યા છે. નરક ગતિમાં શરદી,