________________
૪૧૧ અંતમાં આચાર્ય કહે છે કે આ લિંગપાહુડમાં વ્યક્ત કરેલ ભાવોને સારી રીતે જાણીને (સમજીને) જે વાસ્તવિક ધર્મને સાધે છે, દોષોથી બચી સાચું લિંગ ધારણ કરે છે તે મુક્તિને પામે છે. ૮. શીલપાહુડઃ ચાલીશ ગાથામાં નિબદ્ધ આ પાહુડમાં ‘શીલ'ના મહિમાનું વિશેષ વર્ણન છે.
શીલ સ્વભાવનું નામ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન-દર્શનમયી ચેતના સ્વરૂપ છે. આ આત્મા અનાદિ કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે, મિથ્યાત્વ, રાગ-દ્વેષ પરિણામ કરે છે. આ પરિણામને કુશીલ કહે છે. આનો અભાવ થવાથી સમ્યગ્દર્શનરૂપ ભાવથી જ્ઞાન પણ સમ્યકત્વ થાય છે અને પદ અનુસાર જેટલા અંશમાં રાગ-દ્વેષના પરિણામ ઘટે છે તેટલા અંશમાં ચારિત્ર હોય છે. આ જ્ઞાન અને ચારિત્રનું સમ્યફ પરિણમન જ સુશીલ છે. આ તો સામાન્ય પરદ્રવ્યની અપેક્ષાથી શીલ-કુશીલનો અર્થ છે અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ સ્ત્રીના સંગની અપેક્ષાથી કુશીલના અઢાર હજાર ભેદ કહ્યા છે, તેમના અભાવરૂપ અઢાર હજાર શીલના ભેદ છે.
વાસ્તવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ શીલ છે, તેમની એકતા જ મોક્ષમાર્ગ છે આથી શીલને સ્પષ્ટ કરતાં કહે છે કે ચારિત્રહીન જ્ઞાનનિરર્થક છે, સમ્યગ્દર્શન રહિત લિંગગ્રહણ અર્થાતુન મદિગંબર દીક્ષા લેવી નિરર્થક છે, અને સંયમ વિના તપ નિરર્થક છે. જો કોઈ ચારિત્ર સહિત જ્ઞાન ધારણ કરે છે, સમ્યગ્દર્શન સહિત લિંગ ગ્રહણ કરે છે અને સંયમ સહિત તપશ્ચર્યા કરે છે તે અલ્પનું પણ મહાફળ પ્રાપ્ત કરે છે.”
જીવ જ્યાં સુધી વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી જ્ઞાનસ્વભાવી આત્માને જાણતા નથી, એટલે વિષયોનો ત્યાગ જ સુશીલ છે. જ્યારે જીવ જ્ઞાનસ્વભાવી આત્માને જાણીને વિષયોથી વિરક્ત થાય ત્યારે કર્મોનો નાશ થાય છે. જ્ઞાનસ્વભાવી આત્માને ન જાણે, પરવિષયોથી વિરક્ત પણ થાય તો પણ કર્મોનો નાશ નથી થતો. અથવા જ્ઞાનસ્વભાવી આત્માને જાણે અને વિષયોથી વિરક્ત ન થાય તો પણ કર્મોનો નાશ નથી થતો.
જ્ઞાન આત્માનો પ્રધાનગુણ છે, પરંતુ મિથ્યાત્વ અને વિષયો (અસંયમ)થી મલિન છે; એટલે જ્ઞાનને જાણીને વિષયોથી વિરક્ત થઈને જ્ઞાનની ભાવના કરે, એકાગ્રતાથી ધ્યાન કરે તો કર્મોનો નાશ થાય છે અને અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરીને મુક્ત થઈ શુદ્ધાત્મા થાય છે.
જે ઘણા બધા શાસ્ત્રોને જાણે છે પરંતુ કુમત અને કુશાસ્ત્રોની પ્રશંસા કરે છે અને વિષયોમાં જ આસક્ત છે, એ શીલ અને જ્ઞાનરહિત છે. જે લોકમાં બધી સામગ્રીથી ન્યૂન છે; પરંતુ જેનો સ્વભાવ ઉત્તમ છે અને જે વિષયકષાયમાં આસક્ત નથી, એ શીલગુણથી મંડિત છે અને એનું જ જીવન સફળ છે.
જીવદયા, ઇન્દ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન. તપ બધા જ શીલનું પરિવાર છે.
શીલ જ વિશુદ્ધ નિર્મળ તપ છે, શીલ જ દર્શનની શુદ્ધતા છે, શીલ જ જ્ઞાનની શક્તા છે, શીલ જ વિષયોનો શત્રુ છે અને શીલ જ મોક્ષની સીડી છે.