________________
૪૧૦ કરે છે. એટલે મિથ્યાત્વને છોડીને સમ્યકત્વને ગ્રહણ કરવું જોઈએ એમ ઉપદેશ આપે છે.
જીવ જ્યાં સુધી મિથ્યાત્વને નહિ છોડે, ત્યાં સુધી બાહ્યમાં નિગ્રંથ પણ થઈ જાય, તપશ્ચર્યા કરે, શાસ્ત્રોનો અધ્યયન કરે તો પણ તેની સાધના નિષ્ફળ છે કારણ કે આત્મસ્વભાવથી વિપરીત છે.
આગળ કહે છે કે જેમણે સર્વ સિદ્ધિ કરવાવાળા સમ્યકત્વને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તેઓ જ ધન્ય છે, તેઓ જ કૃતાર્થ છે, તેઓ જ શૂરવીર છે અને તેઓ જ પંડીત છે.
જે સાધુ સંસાર, વિષય-ભોગ અને પરદ્રવ્યોથી પરાનુખ થઈને હેય-ઉપાદેય તત્ત્વોનો નિશ્ચય કરીને નિજ આત્મસ્વભાવને ઉપાદેય માનીને એનું ધ્યાન કરે તો એ શીઘ અતીન્દ્રિય અવિનાશી સુખને પ્રાપ્ત કરે છે.
અંતમાં મોક્ષ પાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે બધાથી ઉત્તમ પદાર્થ પોતાનો શુદ્ધ આત્મા જ છે, જે આ જ દેહમાં રહી રહ્યો છે. અરહંત આદિ પંચપરમેષ્ઠી પણ નિજાત્મામાં જ રત છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ આ જ આત્માની અવસ્થાઓ છે; આથી મને તો એક આત્માનું જ શરણ છે કારણ કે એનાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.
આ રીતે સ્વદ્રવ્યમાં રમણતા કરવાનો ઉપદેશ છે, અંતમાં એકમાત્ર નિજ ભગવાન આત્માના જ શરણમાં જવાની પવિત્ર પ્રેરણા આપી છે. લિંગપાહુડ: બાવીસ ગાથાઓમાં નિબદ્ધ આ પાહુડમાં જિનલિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જિનલિંગ ધારણ કરવાવાળાને પોતાના આચરણ અને ભાવોની સંભાળ લેવામાં સતર્ક રહેવાનું કહે છે.
આરંભમાં જ આચાર્ય કહે છે કે ધર્માત્માનું લિંગ નગ્ન દિગંબર સાધુનો વેશ તો હોય છે; પરંતુ નગ્ન વેશ ધારણ કરી લેવા માત્રથી કોઈ ધર્માત્મા નથી થઈ જતો. ધર્મ સહિત (અનુભવ સહિત) લિંગ ધારણ કરવાથી જ સિદ્ધિ થાય છે, માત્ર લિંગ ધારણ કરવાથી નહિ.
જે વ્યક્તિ મુનિવેશ તો ધારણ કરી લે છે; પણ મોહવશ ગીત ગાવામાં, નૃત્યમાં પ્રવૃત્ત થાય છે, ગર્વિત થાય છે, અબ્રહ્મનું સેવન કરે છે, પરિગ્રહનો સંગ્રહ કરે છે, વિવાહીત કાર્ય કરાવે છે, ઈર્ષ્યા કરે છે, આહાર મેળવવાના નિમિત્તે દોડે છે, ભોજનમાં આસક્ત થાય છે, દાન લે છે, નિંદા કરે છે, ઇર્ષા સમિતિપૂર્વક ચાલતા નથી, સ્ત્રીઓથી અનુરાગ કરે છે એ બધા ભ્રષ્ટ છે. જે મુનિ વ્યાભિચારી સ્ત્રીને ત્યાં ભોજન કરે છે, એની પ્રશંસા કરે છે, એ મુનિ તો શું મનુષ્ય પણ નથી, પશુ સમાન છે. એ બધા પોતાનો ભવ બગાડનારા નરકાદિને પાત્ર છે.
એવા વેશધારી મુનિ જો કે બહુ શાસ્ત્રોના જાણકાર પણ હોય, સાચા ભાવલિંગી સાધુઓની સાથે પણ રહે, તો પણ ભાવથી નષ્ટ જ છે, વાસ્તવિક મુનિ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ભ્રષ્ટ હોવાથી મુક્તિને પાત્ર નથી.