________________
૫૨૧
આ પરમાગમ ગ્રંથ ત્રિકાળી વિષયક સમસ્ત પદાર્થોનો વિષય કરનાર પ્રત્યક્ષ અનંત કેવળજ્ઞાનના પ્રભાવથી પ્રમાણીભૂત હોવાથી અને વીતરાગી આચાર્યોની પરંપરાથી આવ્યા હોવાથી પ્રત્યક્ષ તેમજ અનુમાનથી અવિરુદ્ધ છે, દૃષ્ટ-ઇષ્ટના વિરોધથી રહિત છે, તેથી પ્રમાણભૂત છે. માટે મોક્ષના અભિલાષી ભવ્ય જીવોએ આ પરમાગમનો અભ્યાસ કરવો જોઈએ.
અમૃતરસના સો ઘડા પીવાનું જે ફળ છે તે ફળ અમૃતનો એક ખોબો પીવામાં પણ પ્રાપ્ત થાય છે; તેમ સર્વજ્ઞદેવની પરંપરાથી આવેલું વીતરાગી-પરમાગમરૂપી અમૃત ભલે ઓછું હોય તો પણ તેના અભ્યાસથી અપૂર્વ આત્મકલ્યાણરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. માટે મોક્ષાર્થી જીવોએ પરમાગમનો અભ્યાસ કરવો જોઈએ.
રાગ વગરનું વીતરાગી જીવન ચૈતન્યપ્રાણથી જીવાય છે; તે જ આનંદમય સત્યજીવન છે. જિન સૂત્રમાં ભાખેલ જીવ-અજીવ પદાર્થને, હેયત્વ-અણહેયત્વ સહ જાણે, સુદૃષ્ટિ તેહ છે. જિનઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે;
તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપૂંજને. ૬.
સૂત્રોના પદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે. ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રત જે યુક્ત, સંયત છે; નિગ્રંથ મુક્તિમાર્ગ છે તે ખરેખર વંદ્ય છે. અનેક જીવો જિનસૂત્ર અનુસાર આત્માનો અનુભવ કરી મોક્ષ પામ્યા છે - તમે પણ તેમ કરો !
૩. ચારિત્રપ્રાભૂત :
જિન ભગવાને કહેલા મોક્ષમાર્ગના ચારિત્રમાં પ્રથમ સમ્યક્ત્વ આચરણ છે, બીજું સંયમ આચરણ છે. પ્રથમ સમ્યક્ત્વાચરણ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે.
આ પ્રમાણે બે પ્રકારના ચારિત્રને જાણીને શું કરવું ? કે પ્રથમ સમ્યક્ત્વની શુદ્ધતા વડે સમ્યક્ત્વ આચરણને આરાધવું. સમ્યક્ત્વને દોષ લગાડનારા સર્વે ભાવોને છોડવા; મિથ્યાત્વ તેમ જ શંકાદિ રહિત નિઃશંકતાદિ આઠ ગુણ સહિત સમ્યક્ત્વની આરાધના તે મોક્ષમાર્ગનું પહેલું આચરણ છે.
આવા સમ્યક્ત્વ આચરણ સહિત જે સુવિશુદ્ધ સંયમનું આચરણ કરે છે તે જ્ઞાની અલ્પકાળમાં નિર્વાણને પામે છે. પરંતુ સમ્યક્ત્વના આચરણથી જે ભ્રષ્ટ છે એવો અજ્ઞાની જીવ વ્રતાદિ શુભરાગરૂપ આચરણ કરે તો પણ નિર્વાણને નથી પામતો.
જીવ-અજીવના ભેદજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન અને રાગાદિ દોષ રહિત એવી વીતરાગતા, તે મોક્ષનો પ્રસિદ્ધ માર્ગ છે. સમ્યજ્ઞાન વગર ચારિત્ર હોતું નથી, ને ચારિત્ર વગર મોક્ષ હોતો નથી.
દગ, જ્ઞાન ને ચારિત્ર - ત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે,
જે જાણીને યોગીજનો નિર્વાણને આચિરે વરે. ૪૦