________________
૪૦૬
સંતો પ્રતિ આદર પ્રદર્શિત કરતાં આચાર્ય કહે છે કે હું મન-વચન-કાયાથી દર્શન-જ્ઞાન-ચારિત્રમય ભાવસહિત શ્રમણને નમસ્કાર કરું છું.
ઉપદેશ આપતાં આચાર્ય કહે છે કે હે મુનિશ્વર ! તમે છ કાય જીવો પર દયા કરો, છ અનાયતનોને ત્રિયોગથી છોડો, પારિણામિક ભાવરૂપ મહાસત્ત્વની ભાવના કરો.
હે મહાશય ! તેં તારા સુખને માટે અનંત જીવોની હિંસા કરી, જેનાથી તું ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યો; આથી હવે ત્રિયોગપૂર્વક આનાથી વિરત થા, જીવોને અભયદાન આપ.
હે ધીર ! જે પ્રકારે સાકર મેળવેલ દૂધ પીવા છતાં સર્પ ઝેર રહિત થતો નથી. તે પ્રમાણે અભવ્ય જીવ જિનધર્મને સાંભળવા છતાં પોતાની કુબુદ્ધિથી આવરાયેલી બુદ્ધિને છોડતો નથી. તે મિથ્યાધર્મમાં જોડાયેલો રહેતો હોવાથી મિથ્યાધર્મનું જ પાલન કરે છે. અજ્ઞાન સહિત તપ કરે છે; જેથી દુગર્તિને પ્રાપ્ત થઈ સંસારમાં જ પરિભ્રમણ કરતો રહે છે. આથી તારે ૩૬૩ પાખંડીઓનો માર્ગ છોડીને જિનધર્મમાં મન લગાવવું જોઈએ.
સમ્યગ્દર્શનના મહિમાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જેવી રીતે લોકમાં પ્રાણરહિત શરીરને ‘શબ’ કહે છે, તેવી રીતે સમ્યગ્દર્શન રહિત પુરુષ (જીવ) ચાલતું મડદું છે. મડદું લોકમાં અપૂજ્ય હોય છે, અને સમ્યગ્દર્શન રહિત પુરુષ લોકોત્તર માર્ગમાં (સમ્યગ્દષ્ટિઓમાં) અપૂજ્ય હોય છે.
મુનિ અને શ્રાવક ધર્મોમાં સમ્યક્ત્વની જ વિશેષતા છે. જે પ્રકારે તારાઓના સમૂહમાં ચંદ્રમા સુશોભિત હોય છે, પશુઓમાં મૃગરાજ સુશોભિત હોય છે, તે જ પ્રમાણે જિનમાર્ગમાં જિનભક્તિ સહિત નિર્મળ સમ્યગ્દર્શનથી યુક્ત તપ અને વ્રતાદિથી નિર્મળ જિનલિંગ સુશોભિત હોય છે.
આ પ્રકારે સમ્યક્ત્વના ગુણ અને મિથ્યાત્વના દોષો જાણીને ગુણરૂપી રત્નોના સારરૂપ મોક્ષમહેલની પહેલી સીડી સમ્યગ્દર્શનને ભાવપૂર્વક ધારણ કરવું જોઈએ.
જે ભવ્ય જીવ જિનાજ્ઞા અનુસાર આચરણ કરે છે, એનો ચાર ઘાતી કર્મોનો નાશ થઈને અનંત સ્વચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે. જેને અનંત સ્વચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે, તે કર્મરહિત જ્ઞાનીને શિવ, પરમેષ્ઠી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ, આત્મા, પરમાત્મા આદિ કહે છે. આચાર્ય ભાવના કરે છે કે આ પ્રમાણે ચાર ઘાતિકર્મોથી મુક્ત, અઢાર દોષોથી રહિત, ત્રિભુવનને પ્રકાશિત કરવાવાળા પ્રકૃષ્ટ દીપક સમાન દેવ મને ઉત્તમબોધ પ્રદાન કરે.
જે પ્રકારે કમળ સ્વભાવથી જ પાણીથી અલિપ્ત રહે છે, એ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી જ વિષય કષાયોમાં લિપ્ત નથી થતો. આચાર્યદેવ કહે છે કે ભાવસહિત સંપૂર્ણ શીલ-સંયમાદિ ગુણોથી યુક્ત છે અને અમે મુનિ કહીએ છીએ.
મિથ્યાત્વથી મલિન ચિત્તવાળા, ઘણા દોષોનું સ્થાનરૂપ મુનિવેષધારી જીવ તો શ્રાવકને પણ યોગ્ય (સમાન) નથી.