________________
૪૦૫
હે મુનિ ! તું બાવીસ પરીષહોને સહન કર, બાર અનુપ્રેક્ષાઓની ભાવના કર, ભાવશુદ્ધિને માટે નવ પદાર્થ, સાત તત્ત્વ, ચૌદ જીવ સમાસ, ચૌદ ગુણસ્થાન આદિના નામ-લક્ષણાદિપૂર્વક ભાવના કર, દસ પ્રકારના અબ્રહ્મચર્યને છોડીને નવ પ્રકારના બ્રહ્મચર્યને પ્રગટ કર, આ પ્રમાણે ભાવપૂર્વક દ્રવ્યલિંગી મુનિ જ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપને પ્રાપ્ત કરે છે, ભાવ રહિત દ્રવ્યલિંગી તો ચારે ગતિઓમાં અનંત દુઃખોને ભોગવે છે.
હે મુનિ! તેં અનાદિકાળથી અશુદ્ધભાવપૂર્વક અતિચાર સહિત કંદમૂળાદિ સચિત્ત ભોજન, સચિત્ત પાણી આદિનું સેવન કર્યું છે, જેનાથી તને અનંત સંસારમાં પરિભ્રમણ કરતો અનંત દુઃખો ભોગવ્યા છે.
હે મહાશય! ઉક્ત બધા દુઃખોનો વિચાર કરી, તું હવે ગુરુજનો પ્રત્યે પાંચ પ્રકારનો વિનય અને દસ પ્રકારની વૈયાવૃત્ય કર, પોતાના દોષોને નહિ છુપાવ, એમને ગુરુઓ સમક્ષ પ્રગટ કર, બીજાઓના કટુ વચનોને સહન કર, કારણ કે ક્ષમાધારી મુનિ જ સમસ્ત પાપોનો ક્ષય કરે છે. તે ક્ષમાધારી મુનિ ! આ પ્રકારે જાણીને મન-વચન-કાયાથી સમસ્ત જીવો પ્રતિ સંચિત ક્રોધાગ્નિને ક્ષમારૂપી પાણીથી શાંત કરો!
હે મુનિ ! તું સંસારને અસાર જાણી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્મળ સમ્યગ્દર્શન સહિત દીક્ષા લેવાની ભાવના કર, ભાવોથી શુદ્ધ થઈને, બાહ્ય લિંગ ધારણ કર, ઉત્તમ ગુણોનું પાલન કર. જીવ, અજીવ, આસવ, બંધ અને સંવર તત્ત્વોનું ચિંતન કર, મન-વચન-કાયાથી શુદ્ધ થઈને આત્માનું ચિંતન કર; કારણ કે જ્યાં સુધી વિચારણીય જીવાદિ તત્ત્વોનો વિચાર નહિ કરશે ત્યાં સુધી અવિનાશી પદની પ્રાપ્તિ નહીં થાય. - હે મુનિવર! પાપ-પુણ્ય બંધાદિનું કારણ પરિણામ જ છે. મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગરૂપ ભાવોથી બંધ થાય છે. મિથ્યાત્વ રહિત સમ્યગ્દષ્ટિ જીવ પુણ્ય બાંધે છે; આથી તું એવી ભાવના કર કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી આવરણવાળો છું. હું એને સમાપ્ત કરીને નિજ સ્વરૂપને પ્રગટ કરું. વધારે કહેવાથી શું? તું તો દરરોજ શીલ અને ઉત્તરગુણોનું ભેદ-પ્રભેદ સહિત ચિંતન કર. હે મુનિ ! ધ્યાનથી મોક્ષ થાય છે; આથી તું આર્ત-રૌદ્રધ્યાનને છોડીને ધર્મ અને શુક્લધ્યાનને ધારણ કર. દ્રવ્યલિંગીને ધર્મ અને શુક્લધ્યાન હોતું નથી એટલે તે સંસારરૂપી વૃક્ષોને કાપવામાં સમર્થ નથી. જે મુનિના મનમાં રાગરૂપ પવનથી રહિત ધર્મરૂપી દીપક બળે છે તે જ આત્માને પ્રકાશિત કરે છે, તે જ સંસારરૂપી વૃક્ષને ધ્યાનરૂપી કુહાડાથી કાપે છે.
જ્ઞાનમાં એકાગ્ર થવું તે જ ધ્યાન છે. ધ્યાનથી કર્મરૂપી વૃક્ષ બળી જાય છે, જેનાથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી. આથી ભાવભ્રમણ તો સુખ પ્રાપ્ત કરી તીર્થકર અને ગણધરાદિ પદને પ્રાપ્ત કરે છે, પણ દ્રવ્યશ્રમણ દુઃખને જ ભોગવે છે. આથી ગુણ-દોષ જોઈને તમે ભાવસહિત સંયમી બનો.
ભાવમુનિ વિદ્યાધર આદિની રિદ્ધિઓ ઇચ્છતા નથી. ન તો તેઓ મનુષ્ય-દેવાદિના સુખોની ઇચ્છા કરે છે. તે તો ઇચ્છે છે કે હું તો જલ્દીથી જલ્દી આત્મહિત કરી લઉં.