________________
૩૯૭
(૨) સમ્યગ્દર્શનથી રહિત વ્યક્તિ વંદનીય નથી.
(૩) જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તેનો મોક્ષ થતો નથી.
(૪) સમ્યગ્દર્શન મોક્ષમહેલની પ્રથમ સીડી છે.
(૫) જે શક્ય હોય તે અવશ્ય કરો, પરંતુ શ્રદ્ધા તો અવશ્ય કરો જ.
૨. સૂત્રપાહુડ :
સત્તાવીશ ગાથાઓનો સમાવેશ આ પાહુડમાં સર્વ પ્રથમ સૂત્રના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે અરિહંતો દ્વારા કહેલા, ગણધરદેવો દ્વારા ગુંથવામાં આવેલ, વીતરાગી સંતોની પરંપરાથી પ્રાપ્ત શબ્દ અને અર્થમય સૂત્રોના માધ્યમથી શ્રમણો પરમાર્થથી સમજે છે. જે પ્રમાણે સૂત્ર (દોરા) સહિત સોઈ ખોવાઈ જતી નથી. તે જ પ્રકારે સૂત્રોના જાણકાર-આગમના અભ્યાસી શ્રમણ ભ્રમિત થતાં નથી, ભટકતાં નથી.
જિનેન્દ્ર કથિત સૂત્રમાં કહેલ જીવાદિ તત્ત્વાર્થો અને તે સંબંધી હેય ઉપાદેય સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધા જ સમ્યગ્દર્શન છે. જે યોગી જિનોક્ત સૂત્રોમાં પ્રતિપાદિત પારમાર્થિક અને વ્યવહારિક સત્યને જાણીને તે અનુસાર આચરણથી કર્મમળનો નાશ કરે છે અને સાચા સુખને પ્રાપ્ત કરે છે. જે એ સૂત્રોના અર્થથી અપરિચિત છે, તે પ્રગટ મિથ્યાદષ્ટિ જ છે. સૂત્રથી ભ્રષ્ટ વ્યક્તિ હરિહરતુલ્ય પણ હોય, સિંહવૃત્તિવાળો હોય, સંઘપતિ હોય, કેટલો પણ અધિપતિ-મહાન હોય, તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. સૂત્રથી ભ્રષ્ટ મિથ્યાદષ્ટિ જ છે.
જિનસૂત્રોમાં ત્રણ વેષ બતાવ્યા છે. તેમાં શ્રેષ્ઠ વેષ નગ્ન દિગંબર મુનિનો છે, બીજો વેષ ઉત્કૃષ્ટ શ્રાવકનો અને ત્રીજો આર્થિકાઓનો છે.
આચાર્યદેવ સ્પષ્ટ કહે છે જેવો બાળક જન્મે તેવું જ નગ્ન રૂપ સાધુનું હોય છે અને છતાં જો તે તિલતુષમાત્ર પણ પરિગ્રહ રાખે તો નિગોદને પાત્ર છે. વસ્ત્ર ધારણ કરેલ હોય તો તીર્થંકરનો પણ મોક્ષ થતો નથી, તો બીજાની તો શું વાત કહેવી ? એકમાત્ર નગ્નતા જ માર્ગ છે બીજા બધા ઉન્માર્ગ છે. સ્ત્રીઓને નગ્નતાનો સંભવ નથી તેથી તે મુક્તિ પ્રાપ્ત કરવા અસમર્થ છે. એમની યોનિ, સ્તન, નાભિ અને બગલમાં સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્પત્તિ નિરંતર થાય છે, માસિક ધર્મની શંકાથી નિત્ય ચિંતિત રહે છે અને સ્વભાવથી શિથિલભાવવાળી હોય છે; માટે તેમને ઉત્કૃષ્ટ મુનિપણું સંભવ નથી. છતાં પણ તેઓ પાપયુક્ત નથી કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન અને એકદેશ ચારિત્ર તો હોઈ શકે છે. આ પ્રમાણે સંપૂર્ણ પાહુડમાં જિનસૂત્રોના સ્વરૂપની સાથે સાથે પ્રતિપાદિત જૈન સાધુના સ્વરૂપ પર પ્રકાશ નાંખવામાં આવ્યો છે. ૩. ચારિત્રપાહુડ :
૪૫ ગાથાઓમાં વિસ્તરેલ આ ચારિત્ર પાહુડમાં મંગલાચરણ અને ગ્રંથ પ્રતિજ્ઞા પછી આચાર્યદેવ એક ગાથામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ બતાવીને ચારિત્રના ભેદોનું વર્ણન કરે છે.
જ્ઞાનાદિક ભાવોની શુદ્ધિ હેતુ ચારિત્ર બે પ્રકારનું છે.