________________
પ્રકરણ ૧૭
શ્રી અષ્ટપાહુડ (સંક્ષિપ્ત સાર)
પાંચસો બે ગાથાઓમાં સંગ્રહાયેલ અને આઠ પાહુડોમાં વિભક્ત આ અષ્ટપાહુડ ગ્રંથ મૂળસંઘના પટ્ટાચાર્ય કઠોર પ્રશાશક આચાર્ય શ્રી કુંદકુંદની એક અમરકૃતિ છે. આ ગ્રંથમાં આચાર્ય શ્રી કુંદકુંદના આચાર્યત્વ અર્થાત્ પ્રશાશક રૂપમાં દર્શન થાય છે.
આ ગ્રંથ ન તો પ્રવચનસાર” અને “પંચાસ્તિકાયસંગ્રહની સમાન વસ્તુસ્વરૂપનો પ્રતિપાદક ગ્રંથ છે તથા ન તો સમયસાર’ અને ‘નિયમસાર’ની જેમ આધ્યાત્મિકતાની સાથે ઓતપ્રોત.
આમાં એમણે પોતાના શિષ્યોને આચરણથી અનુશાસિત કર્યા છે. આમાં શિથિલાચારની વિરુદ્ધ સશક્ત આદેશ છે, પ્રેરક ઉપદેશ છે તથા મૃદુલ સંબોધન પણ છે. જો કે ચતુર્વિધ સંઘન આચરણમાં સમાગમ શિથિલતાને દૂર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી એની રચના થઈ છે, તથા આમાં સાધુવર્ગને શિથિલાચારથી બચાવવા માટે વિશેષ સાવધાન કરવામાં આવ્યા છે.
અષ્ટપાહુડ એ એક એવો અંકુશ છે, જે શિથિલાચારના મદોન્મત ગજરાજને ઘણો ખરો કાબુમાં રાખે છે, સર્વવિનાશ કરવા દેતો નથી.
આમાં આચાર્ય કુન્દુકુન્દદેવના આઠ પાહુડોનો સંગ્રહ છે. આ આઠ પાહુડ આ પ્રમ ણે છે. ૧) દર્શનપાહુડ ૨) સૂત્રપાહુડ ૩) ચારિત્રપાહુડ ૪) બોધપાહુડ ૫) ભાવપાહુડ ૬) મોક્ષપાહુડ ૭) લિંગપાહુડ ૮) શીલપાહુડ. પ્રત્યેક પાહુડમાં વિષયોના વિવેચન નામાનુસાર જ છે. વસ્તુતઃ પ્રત્યેક પાહુડ સ્વતંત્ર ગ્રંથ છે.
વીતરાગી જિનધર્મની નિર્મળધારાના અવિરત પ્રવાહના અભિલાષી આત્માર્થીજનોએ સ્વયં તો આ કૃતિનું ગંભીરતાથી અધ્યયન કરવું જોઈએ. તેનો સમુચિત પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈએ. જેથી સામાન્યજન પણ શિથિલાચારથી વિરુદ્ધ સાવધાન થઈ શકે. આમાં વર્ણવેલા વિષય-વસ્તુ સંક્ષેપમાં
આ પ્રમાણે છે. ૧. દર્શનપાહુડઃ
છત્રીસ ગાથાઓથી રચાયેલ આ પાહુડમાં મંગલાચરણ ઉપરાંત આરંભથી જ સમ્યગ્દર્શનની મહિમા બતાવતાં આચાર્યદવ લખે છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે; આથી જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે તે વંદન કરવા યોગ્ય નથી. ભલેને તેઓ અનેક શાસ્ત્રોના જાણકાર હોય, ઉગ્ર તપ કરતાં હોય, તો પણ જે સમ્યગ્દર્શનથી રહિત છે તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આરાધનાથી રહિત હોવાને કારણે સંસારમાં ભટકતા જ રહે છે, પરંતુ જેમના હૃદયમાં સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે તેમને કર્મરૂપી રજનું આવરણ લાગતું નથી, તેમણે પૂર્વે બાંધેલા કર્મોનો નાશ થઈ જાય છે.