________________
૩૨૨ જીવમાં સ્વભાવસ્થાન, માનાપમાન સ્થાન, હર્ષભાવનાસ્થાન, અહર્ષસ્થાન, બંધ સ્થાન(પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ, બંધ), ઉદય સ્થાન, ક્ષયોપશમભાવના સ્થાન, ઔદયિક ભાવના સ્થાન, ઉપશમભાવના સ્થાન, જીવ સ્થાન, માર્ગણા સ્થાન, ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ, જન્મ, જરા, મરણ, શોક, રોગ, કુલ, યોનિ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ પર્યાયો, સંસ્થાન અને સંહનન નિશ્ચયનયથી નથી, પરંતુ વ્યવહારનયથી છે.
શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવને સમસ્ત વિભાવ-સ્વભાવોના, સંસાર વિકારોના અને પૌદ્ગલિક વિકાર સમૂહના અભાવ છે. કારણ કે ઉક્ત બધા જ ભાવ પરસ્વભાવ છે, પરદ્રવ્ય છે; એટલે હેય છે.
નિશ્ચયનયથી આત્મા નિર્દક, નિર્દ, નિર્મમ, નિઃ રાગ, નિઃ શરીર, નિરાલંબ, નિર્દોષ, નિર્મૂઢ, નિર્ભય, નિગ્રંથ, નિઃશલ્ય, નિષ્કામ, નિઃ ક્રોધ, નિર્માન, નિર્મદ, અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ટ સંસ્થાન, સર્વદોષવિમુક્ત અને ચેતના ગુણવાળો છે. આ પ્રકારે આત્મા સ્વદ્રવ્ય હોવાથી ઉપાદેય છે. - શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી સિદ્ધ અને સંસારી જીવોમાં અંતર નથી. જેવો સિદ્ધ આત્મા છે, સંસારી જીવ પણ એવા જ છે. જે પ્રમાણે લોકાગ્રમાં સ્થિત સિદ્ધ ભગવાન અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા છે તે પ્રમાણે બધા સંસારી જીવ છે.
આના પછી ૫૧ થી ૫૫ ગાથા સુધી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનને સમજાવતાં આચાર્યદવ કહે છે કે ચળતા, મલિનતા, અગાઢતા અને વિપરીત અભિનિવેશથી રહિત શ્રદ્ધાને જ સમ્યગ્દર્શન છે. સંશય, વિભ્રમ, વિમોહથી રહિત, હેય-ઉપાદેય તત્ત્વોને જાણવારૂપ ભાવ સમ્યજ્ઞાન છે.
આ પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને એના વિષયભૂત જીવાદિ તત્ત્વાર્થોનું વર્ણન કરીને હવે ચારિત્રનું વર્ણન કરવામાં આવશે. ૪. વ્યવહારચારિત્ર અધિકારઃ
આ અધિકારમાં સર્વ પ્રથમ હિંસા, જુઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની નિવૃત્તિરૂપ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચ વ્રતોનું વર્ણન છે. તે ઉપરાંત પાંચ સમિતિ - ઇર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન-નું નિરૂપણ છે.
તે પછી કહે છે, વ્યવહારનયથી કલુષણા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષાદિ અશુભભાવોનો પરિહાર મનોગુપ્તિ છે. વ્યવહારનયથી પાપના હેતુભૂત સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા આદિ વચનોનો ત્યાગ વચનગુપ્તિ છે. નિશ્ચયનયથી અસત્યાદિની નિવૃત્તિવાળા વચનો અથવા મૌન વચનગુપ્તિ છે. વ્યવહારનયથી બંધન, છેદન, મારણ, સંકોચન અને પ્રસારણ આદિ કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ કાયગુપ્તિ છે. નિશ્ચયનયથી કાયક્રિયાઓની નિવૃત્તિરૂપકાયોત્સર્ગ જકા ગુપ્તિ છે અથવા હિંસાદિની નિવૃત્તિ કાયમુક્તિ છે. આ ૫૬થી ૭૦ ગાથાઓમાં છે.