________________
૨૫૩
દ્રવ્ય વિના પર્યાયો નથી હોતી અને પર્યાયો વિના દ્રવ્ય નથી હોતું. એ પ્રમાણે દ્રવ્ય વિના ગુણ નથી હોતાં અને ગુણો વિના દ્રવ્ય નથી હોતું. આ પ્રમાણે અનન્ય જ છે.
વિવક્ષાના ભેદથી દ્રવ્ય સાત ભંગવાળો છે. સત્નો નાશ અને અસત્નો ઉત્પાદ નથી હોતો, સંપૂર્ણ પદાર્થ પોતાના ગુણ-પર્યાયોમાં ઉત્પાદ-વિનાશ કરે છે.
જીવાદિ પદાર્થોને ભાવ કહે છે. જીવના ગુણ ચેતના અને ઉપયોગ છે તથા જીવની પર્યાયો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકરૂપ અનેક છે.
જ્યારે જીવની મનુષ્ય પર્યાયનો વ્યય થઈને દેવપર્યાયનો ઉત્પાદ થાય છે, ત્યારે જીવભાવ નષ્ટ થતો નથી અને ન જીવભાવનું ઉત્પાદ થાય છે. તે જ જન્મ લે છે, તે જ મરે છે; છતાં પણ તે ઉત્પન્ન નથી થતો, નાશ નથી પામતો; દેવાદિ પર્યાય જ નાશ થાય છે, ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવના સત્નો નાશ અને અસત્નો ઉત્પાદ નથી.
જ્ઞાનાવરણાદિભાવ જીવની સાથે અનુબદ્ધ છે. એનો અભાવ કરીને અભૂતપૂર્વક સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે ગુણ-પર્યાયો સહિત જીવ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવાભાવને કરે છે. આ પ્રમાણે છ દ્રવ્યનું સામાન્ય કથન કરીને પછી સંપૂર્ણ વિષયને સંક્ષેપમાં કહે છે.
પાંચ દ્રવ્ય પ્રદેશ-પ્રચયાત્મક હોવાથી ‘પંચાસ્તિકાય’ છે, કાળને પ્રદેશ પ્રચયાત્મકનો અભાવ હોવાથી એ અસ્તિકાય નથી. અસ્તિકાય અકૃત, અસ્તિત્વમય અને લોકના કારણભૂત છે.
કાળની સત્તા સ્વયંસિદ્ધ છે, કારણ કે જીવ અને પુદ્ગલોમાં પરિવર્તન કાળના અભાવમાં સંભવ નથી. નિશ્ચય કાળદ્રવ્ય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત, અગુરુલઘુત્વગુણવાળો, અમૂર્ત અને વર્તનાલક્ષણ સહિત છે.
સમય, નિમેષ્ક, કાછા, કલા, ઘડી, ઋતુ, વર્ષ વ્યવહારકાળના અંતર્ગત આવે છે. જો કે ચિર, ક્ષિપ્ર આદિવ્યવહાર, પરિમાણ વિના નથી હોતું અને પરિમાણ પુદ્ગલદ્રવ્ય વિના નથી હોતું, એટલે વ્યવહારકાળ પરાશ્રિત છે.
(ખ) છ દ્રવ્યનું સ્વરૂપ :
૧) જીવદ્રવ્યાસ્તિકાય : (ગાથા ૨૭ થી ૭૩)
જીવદ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે. અત્યંત મહત્વપૂર્ણ હોવાથી આમાં સર્વથી વધારે ગાથાઓ છે. આ અધિકારમાં જીવની સંસારી અને સિદ્ધ પર્યાયોના જીવત્વાદિ વિશેષણો દ્વારા વિવેચન છે.
સંસારી આત્મા જીવ છે, દેહ પ્રમાણ છે, ચેતયિતા છે, ઉપયોગમય છે, કર્તા છે, ભોક્તા છે, પ્રભુ છે, કર્મસંયુક્ત છે અને અમૂર્ત છે. કર્મમુક્ત આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી, અતીન્દ્રિય, અવ્યાબાધ, અનંત સુખને પ્રાપ્ત કરીને લોકના અગ્રભાગમાં સ્થિર થઈ જાય છે.