________________
પ્રકરણ ૧૪
શ્રી નિયમસાર (સંક્ષિપ્ત સાર)
શ્રી નિયમસાર પરમાગમ છે. શ્રી નિયમસારમાં મોક્ષમાર્ગનું સત્યાર્થનિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન
આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરૂપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. “નિયમ” એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. “નિયમસાર એટલે નિયમનો સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્ત્વનો આશ્રય કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં - અશુભ, શુભ કે શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય- નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્યસામાન્ય તે પરમાત્માતત્ત્વ છે. તે જ શુદ્ધ અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પારિણામિકભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેના તેના સર્વ પ્રયત્નો (દ્રવ્યલિંગી મુનિના વ્યવહાર-રત્નત્રય સુદ્ધાં) સર્વથા વ્યર્થ ગયા છે. માટે આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું' એવી સાનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મ તત્ત્વનો આશ્રય, પરમાત્મતત્ત્વનું અવલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્મતત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે. શાસ્ત્રકાર આચાર્યભગવાને અને ટીકાકાર મુનિવરે આ પરમાગમના પાને પાન જે અનુભવસિદ્ધ પરમ સત્ય પોકાર્યું છે તેનો સાર આ પ્રમાણે છે :
હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મતત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મતત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મતત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્મચારિત્ર છે; તે જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ-શુક્લધ્યાન વગેરે બધું ય છે. એવો એકપણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય હોય. પરમાત્મતત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને - વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને - મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. પરમાત્મતત્વના મધ્યમ કાટિના અપરિપક્વ આશ્રય વખતે એ