________________
૨૬૩ આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જે જીવ અરહંતાદિની ભક્તિ કરે છે, સંયમ-તપયુક્ત હોવા છતાં પણ નવ પદાર્થો અને તીર્થંકરની પ્રતિ જેની બુદ્ધિનો ઝુકાવ હોય છે. સૂત્રોની રુચિ હોય છે એ દેવલોકને તો પ્રાપ્ત કરે છે પણ મોક્ષ નહિ. જો કે ઉક્ત પુણ્યભાવ પણ પરંપરા મોક્ષનું કારણ છે, પણ સાક્ષાત્ કારણ નથી.
એટલે આ વિવેચનથી સ્પષ્ટ છે કે મોક્ષાર્થીને માટે રાગનો અંશ પણ હેય છે. જે આ પ્રમાણે કરે છે તે ભવ્ય છે, સંસાર સાગરથી પાર થઈ જાય છે.
અંતમાં આચાર્ય ગ્રંથ લખવાની પ્રેરણા અને પ્રયોજન બતાવતા કહે છે કે પ્રવચનની ભક્તિથી પ્રેરીત અને માર્ગની પ્રભાવનાને માટે મેં પ્રવચનના સારભૂત પંચાસ્તિકાય સૂત્ર'ને કહ્યો છે.
આ પ્રમાણે સારાંશરૂપથી એમ કહી શકાય કે આ ગ્રંથના પ્રથમ ખંડના સમસ્ત પ્રતિપાદનનો ઉદ્દેશ્ય શુદ્ધાત્મતત્વનો સમ્યજ્ઞાન કરાવવાનો છે અને બીજા ખંડના પ્રતિપાદનનો ઉદ્દેશ પદાર્થ-વિજ્ઞાનપૂર્વક યુક્ત શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિનો માર્ગ દર્શાવવો છે. સાર: જેવી રીતે ધોબી પાષાણશિલા, પાણી અને સાબુ વડે મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે, તેવી રીતે પ્રાપદવીસ્થિત જ્ઞાની જીવ ભેદરત્ન વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. પરમાર્થ એમ છે કે તે ભેદ રત્નત્રયવાળા જ્ઞાની જીવને શુભભાવોની સાથે જે શુદ્ધાત્મસ્વરૂપનું આંશિક આલંબન વર્તતું હોય તે જ ઉગ્ર થતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો શુદ્ધાત્મ સ્વરૂપનું આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું સાધન છે. સાથે રહેલા શુભભાવોને શુદ્ધિનું વૃદ્ધિનું સાધન કહેવું તે માત્ર ઉપચાર કથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિત સાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભ ભાવોમાં આવી શકે છે કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન (શુદ્ધાત્મ સ્વરૂપનું યથોચિત આલંબન) પ્રગટ કર્યું હોય.