________________
૨૫૮
શકતો, કારણ કે જો એને અવકાશની સાથે સાથે ગતિ-સ્થિતિનું પણ નિમિત્ત માનવામાં આવે તો ઉર્ધ્વગતિથી પરિણત સિદ્ધ ભગવંત આકાશમાં કેમ સ્થિત રહેશે ? બીજું, એવું માનવાથી અલોકની હાનિ અને લોકના અંતની વૃદ્ધિનો પ્રસંગ આવશે, કારણ કે લોકાલોકનો વિભાગ ધર્મ-અધર્મ દ્રવ્યથી જ થાય છે. એટલે સ્પષ્ટ છે કે ગતિ-સ્થિતિના હેતુ ધર્મ-અધર્મ દ્રવ્ય જ છે, આકાશ નહિ. આકાશ તો અવકાશ (અવગાહન)નો હેતુ છે.
જો કે લોકમાં ધર્મ-અધર્મ અને લોકાકાશનું એકક્ષેત્રાવગાહની અપેક્ષાથી એકત્વ છે, તો પણ વસ્તુસ્વરૂપથી એમનામાં અન્યત્વ જ છે, કારણ કે એમના લક્ષણ પણ ભિન્ન ભિન્ન છે અને પ્રદેશ પણ ભિન્ન ભિન્ન છે.
ચૂલિકા : (ગાથા ૯૭ થી ૯૯)
જીવદ્રવ્ય ચેતન છે, બાકીના દ્રવ્ય અચેતન છે. બાહ્ય કારણ સહિત જીવ અને પુદ્ગલ સક્રિય છે, બાકીના દ્રવ્ય નિષ્ક્રિય છે. જે પદાર્થ જીવોના ઇન્દ્રિયગ્રાહ્ય છે તે મૂર્ત છે, બાકીના અમૂર્ત છે. એટલે પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે, બાકીના અમૂર્ત છે.
ચિત્ત બન્નેને ગ્રહણ કરે છે. આ રીતે ૯૭ થી ૯૯ ગાથામાં ચૂલિકા છે.
૬) કાળદ્રવ્ય : (ગાથા ૧૦૦ થી ૧૦૪)
કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે, પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. આ બન્નેનો સ્વભાવ છે. ‘સમય’ નામની ક્રમિક પર્યાય વ્યવહારકાળ છે, વ્યવહારકાળનો આધારભૂત દ્રવ્ય નિશ્ચયકાળ છે.
વ્યવહારકાળ ક્ષણભંગુર છે, કારણ કે એ ઉત્પન્ન થતાં જ નષ્ટ થવાવાળો છે. આ પ્રવાહ અપેક્ષાથી દીર્ઘ (લાંબી) સ્થિતિનો પણ કહેવામાં આવે છે. નિશ્ચયકાળ દ્રવ્ય હોવાથી નિત્ય છે. જીવાદિ છ યે દ્રવ્યો છે, એમાં કાળને છોડીને બાકીનાને ‘અસ્તિકાયપણું’ પણ છે.
જે જીવ શુદ્ધાત્માને જાણીને એનું અનુસરણ કરે છે-તેવો ઉદ્યમ કરે છે, તે મોહને નષ્ટ કરીને રાગદ્વેષને સમાપ્ત કરીને પૂર્વાપર બંધનો નાશ કરીને સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
અંતમાં આચાર્ય પ્રેરણા આપતા કહે છે કે દુઃખોથી મુક્તિને માટે પ્રવચનના સારભૂત આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’નો અભ્યાસ કરીને રાગ-દ્વેષ છોડવા જોઈએ.
આ રીતે કાળદ્રવ્યનું વ્યાખ્યાન ૧૦૦ થી ૧૦૪ ગાથામાં છે.
અહીં પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર કરવામાં આવ્યો છે. આ દુઃખથી વિમુક્ત થવાનું કથન છે.
આ રીતે પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રનો છ દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન નામનો પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત
થયો.