________________
૨૫૧ ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતાં તત્ત્વજિજ્ઞાસુ ભાવુક જીવો શીતળીભૂત થાય છે અને તેમનું હદયશાંત શાંત થઈ મુનિઓની આત્માનુભવમૂલક સહજ શુદ્ધ ઉદાસીનદશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે “શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.”
આ શાસ્ત્રની પ્રાકૃત ગાથાઓ પર ‘સમયવ્યાખ્યા” નામની સંસ્કૃત ટીકા લખનાર શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ જે મહા સમર્થ આચાર્ય છે. શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ સમયવ્યાખ્યાનો ભાવાર્થ હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષા ટીકા રાખ્યું છે. જિનેન્દ્ર શાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનાર આ પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરી તેના આશયોને જો જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુઃખોનો નાશ કરી નિર્વાણને પામે તેના આશયોને સમ્યક પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરી છે.
આ શાસ્ત્રમાં કેટલાક કથનો સ્વાશ્રિત નિશ્ચયનયના છે (જેઓ સ્વનું પરથી પૃથ્થકપણે નિરૂપણ કરે છે, અને કેટલાક કથનો પરાશ્રિત વ્યવહાર નયના છે. (જેઓ સ્વનું પર સાથે ભેળસેળરૂપે નિરૂપણ કરે છે). વળી કેટલાક કથનો અભિન્ન સાધ્ય-સાધન ભાવાશ્રિત નિશ્ચયનયના છે અને કેટલાંક ભિન્ન સાધ્ય-સાધન ભાવાશ્રિત વ્યવહારનયના છે. ત્યાં નિશ્ચય કથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહાર કથનોને અભૂતાર્થ સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો વિપરીત સમજણ થવાથી મહાઅનર્થ થાય. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. તે પોતાના ગુણ-પર્યાયને અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છોડી શકતું નથી તેમ જ પરદ્રવ્ય તેને ખરેખર કાંઈ લાભ-નુકસાન કરી શકતું નથી. જીવનો શુદ્ધ પર્યાય સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસ્રવ-બંધના કારણભૂત છે' આવા મૂળભૂત સિદ્ધાંતોને ક્યાંય બાધા ન આવે એવી રીતે હંમેશા શાસ્ત્રના કથનોનો અર્થ કરવો જોઈએ.
આચાર્ય ભગવાને સમ્યજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્ર કહ્યું છે.
આપણે તેનો અભ્યાસ કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણના દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે. પંચાસ્તિકાયસંગ્રહ (વિશેષ): જિનાગમમાં પ્રતિપાદિત દ્રવ્ય અને પદાર્થની વ્યવસ્થાની સમ્યક જાણકારી વગર જિન-સિદ્ધાંત અને જિન -અધ્યાત્મમાં પ્રવેશ કરવો સંભવ નથી, એટલે આચાર્ય શ્રી કુંદકુંદદેવે આ ગ્રંથમાં જિનાગમમાં પ્રતિપાદિત દ્રવ્યવ્યવસ્થા અને પદાર્થવ્યવસ્થાનું સંક્ષેપમાં પરિચય આપ્યો છે.