________________
૧૫૪ સાથે તે તે ક્રિયાઓનો અથવા શુભભાવોનો સંબંધ દર્શાવતા, નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણ પ્રજ્ઞાપન જેવા અધિકારમાં પણ જાણે કે કોઈ શાંતરસ ઝરતું અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું
યુક્તિક, આવું પ્રમાણભૂત, જ્ઞાનસભર, શાંતરસ નિઝરતું ચરણાનુયોગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હૃદયમાં ભરેલા અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી બન્ને આચાર્યદેવોની વાણીમાં કોઈ એવો ચમત્કાર છે કે જે જે વિષયને તે સ્પર્શે છે તે તે વિષયને પરમ રસમય, શીતળ શીતળ સુધાસ્પદી બનાવી દે છે.
આમ ત્રણ શ્રુતસ્કંધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાવવામાં મહા નિમિત્તભૂત છે. જિન શાસનના અનેક મુખ્ય મુખ્ય સિદ્ધાંતોના બીજ આ શાસ્ત્રમાં રહેલા છે. આ શાસ્ત્રમાં પ્રત્યેક પદાર્થના સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે. દિવ્યધ્વનિ દ્વારા નીકળેલા અનેક પ્રયોજનભૂત સિદ્ધાંતોનું દોહન છે. ગુરુદેવ અનેકવાર કહે છે: “શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમકૃપાળુ આચાર્ય ભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અભૂત સાતિશય અંતર્ બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચવા શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરસઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને રચેલા સમયસાર, પ્રવચનસારાદિ શાસ્ત્રોમાં તીર્થંકરદેવના કાર ધ્વનિમાંથી જ નીકળેલો ઉપદેશ છે.”
પ્રવચનસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે ૨૭૫ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યે 'તત્ત્વદીપિકા” નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા લખી છે. અમૃતચંદ્રાચાર્યદવ પણ અલૌકિક પુરુષ છે. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વતા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની અસાધારણ શક્તિ, જિન શાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-વ્યવહારનું સંધિબદ્ધ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જાય છે.
શ્રી પાંડે હેમરાજજીએ તત્ત્વદીપિકાનો ભાવાર્થ હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન : આ પ્રવચનસારમાં પ્રમાણ વ્યવસ્થા અને પ્રમેય વ્યવસ્થાનું ઊંડાણથી વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ત્રણ અધિકાર છે.