________________
૨૪૩
નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગ સંભવમય જગે, કારણ જનમ તે નાશ છે; વળી જન્મ-નાશ વિભિન્ન છે.
ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વિનાશવાળા જીવલોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી, કારણ કે જે ઉદ્ભવ છે તે જ વિલય છે, વળી ઉદ્ભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત્ ભિન્ન) પણ છે. ૧૫. ગાથા ૧૨૫-૧૨૬માં શુદ્ધાત્માની ઉપલબ્ધિની વિધિ બતાવી છે ઃ
પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને; તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે.
આત્મા પરિણાત્મક છે; પરિણામ જ્ઞાનરૂપ, કર્મરૂપ ને કર્મફળરૂપ થાય છે. તેથી જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા છે એમ જાણવું.
‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે’ એમ જો નિશ્ચય કરી
મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની.
જો શ્રમણ ‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે’ એવા નિશ્ચયવાળો થયો થકો અન્યરૂપે ન જ પરિણમે, તો તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે.
૧૬. હવે કર્મબંધ કેમ થાય છે તેનો સિદ્ધાંત ગાથા ૧૪૯માં વર્ણવે છે.
જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને,
તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે.
જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના (સ્વજીવ તથા પરજીવના) પ્રાણોને બાધા કરે છે, તો પૂર્વે કરેલો જ્ઞાનાવરણાદિક કર્મો વડે બંધ થાય છે અને કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે. તો પછી પ્રાણોનો સંબંધ કેમ ન થાય ?
કરી ઇંદ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયોગને, તે કર્મથી રંજિત નહિ; ક્યમ પ્રાણ તેને અનુસરે ?
જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણોનો સંબંધ થતો નથી.
હવે ૧૫૯મી ગાથામાં શુદ્ધોપયોગથી આત્માની પ્રાપ્તિ કેમ થાય છે એ બતાવ્યું છે ઃ
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિતને,
શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને.