________________
૧૨૦૯
પ્રતિમાશતક | શ્લોક : ૭૧ ભગવાનની ભક્તિ કરવી એ જ હિતનો ઉપાય છે. માટે અપવાદનું અવલંબન લઈને તે રીતે ભક્તિ કરવાથી અવિધિની અનુમતિ પ્રાપ્ત થતી નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેમ અક્રમ દેશનામાં શ્રોતા દેશવિરતિ સ્વીકારે તો પણ ઉપદેશક સાધુને સ્થાવર જીવોની હિંસાની અનુમતિ પ્રાપ્ત થાય છે; કેમ કે સર્વવિરતિનો ઉપદેશ આપવાથી શ્રોતાને સર્વવિરતિની પ્રાપ્તિ થવાની સંભાવના હોવા છતાં અક્રમથી ઉપદેશ આપવાના કારણે તેણે દેશવિરતિ સ્વીકારી અને જે સ્થાવર જીવોની હિંસાની તેને પ્રાપ્તિ થઈ તેમાં ઉપદેશકને અનુમતિની પ્રાપ્તિ થાય; તેમ વિધિકારિત પ્રતિમાની પ્રાપ્તિ હોવા છતાં સર્વ પ્રતિમા આકારરૂપે સમાન છે, એમ ગ્રહણ કરીને, અવિધિકારિત પ્રતિમાને પૂજે તો અવિધિની અનુમતિ પ્રાપ્ત થાય.
આ રીતે અવિધિની અનુમતિ નથી, તેમાં વિતવ્યાપારથી શાસ્ત્રસ્થિતિજે બીજો હેતુ ગ્રંથકારશ્રીએ આપ્યો, તેનો ભાવ એ છે કે કાવ્યમાં કાવ્યની મર્યાદાના કોઈક દોષની ઉપેક્ષા કરીને કોઈ વ્યક્તિનું પ્રદર્શન સંભવિત હોય ત્યારે તે કાવ્યરચનાથી તે વ્યક્તિનું વાસ્તવિક સ્વરૂપે પ્રદર્શન થવાને કારણે દોષની ઉપસ્થિતિનો પ્રતિરોધ થાય છે=કાવ્યના જાણકારને તે કાવ્યથી આ રીતે જ તે વ્યક્તિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે, તેવું જણાવવાથી આ કાવ્યમાં કોઈ દોષ છે, તેવી ઉપસ્થિતિ થતી નથી. તેમ વિધિકારિત પ્રતિમાની પ્રાપ્તિ ન હોય ત્યારે ભગવાનની ભક્તિ અન્ય રીતે અસંભવિત લાગવાથી પ્રતિમાના આકારની સુંદરતાનું અવલંબન કરીને ભક્તિ કરવામાં આવે ત્યારે પોતાના હૈયામાં વીતરાગ પ્રત્યેના ભક્તિનો વ્યાપાર વૃદ્ધિ થઈ રહ્યો છે તેમ દેખાય છે. તેથી અવિધિથી કરાયેલી પ્રતિમાની પૂજામાં અનુમતિનો દોષ પ્રાપ્ત થશે, એ પ્રકારની બુદ્ધિ થવારૂપ દોષની ઉપસ્થિતિનો પ્રતિરોધ થાય છે. આ પ્રકારની શાસ્ત્રની મર્યાદા છે.
વળી, વિધિકારિત પ્રતિમાની અપ્રાપ્તિમાં આકારની સુંદરતાનું અવલંબન લઈને મનનો પ્રસાદ કરવો જોઈએ, એ પ્રકારનો અપવાદ છે. આથી જ વ્યવહારભાષ્યમાં કહ્યું છે તે પ્રમાણે સમ્યગુ અલંકારથી યુક્ત, લક્ષણથી યુક્ત, પ્રસાદની જનક એવી પ્રતિમાને જોઈને જે પ્રકારે જોનારને ચિત્તમાં આલ્લાદ ઉત્પન્ન થાય છે, તે પ્રકારે નિર્જરા થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે વિધિકારિતાદિ પ્રતિમા ન હોય તે વખતે સુંદર આકારવાળી પ્રતિમાને જોઈને પણ ભક્તિ કરનારને જે પ્રકારનું વીતરાગભાવ પ્રત્યે બહુમાન થાય છે અને તેના કારણે મન આલ્લાદિત બને છે, તે પ્રકારે નિર્જરા થાય છે. આથી જ ગ્રંથકારશ્રીએ અપવાદથી અવિધિકારિત પણ પ્રતિમા વંદનીય છે, પરંતુ તેવી પ્રતિમાને વંદન કરવામાં અવિધિની અનુમતિનો દોષ નથી, તેમ સ્થાપન કરવા માટે વ્યવહારભાષ્યની સાક્ષી આપેલ છે; પરંતુ વ્યવહારભાષ્યમાં એમ કહેલ નથી કે અવિધિથી કરાયેલ પ્રતિમાને પૂજવાથી અવિધિની અનુમતિ પ્રાપ્ત થતી નથી. આમ છતાં વ્યવહારભાષ્યના વચનથી એ પ્રાપ્ત થયું કે ભગવાનની પ્રતિમાને જોવાથી વીતરાગ પ્રત્યે જે બહુમાનભાવ થાય છે, તેનાથી નિર્જરા થાય છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે અવિધિથી કરાયેલી પ્રતિમાને પણ પૂજવાથી વીતરાગ પ્રત્યે બહુમાનભાવ થાય છે, તેનાથી નિર્જરા થાય છે, માટે ત્યાં અવિધિની અનુમતિ નથી. ll૭૧